દિવાળીમાં રાજધાનીમાં મૉલ અને પાર્કમાં હુમલો કરવાના હતા
દિલ્હી પોલીસે પકડી પાડેલા બે શંકાસ્પદ ISIS આતંકવાદીઓ
દિલ્હી પોલીસે બે શંકાસ્પદ ISIS આતંકવાદીઓની ધરપકડ કરી હતી. આ બન્ને આંતકવાદીઓ દિવાળીના તહેવાર દરમ્યાન દિલ્હીમાં એક મૉલ અને પબ્લિક પાર્ક પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા. પોલીસે આપેલી માહિતી પ્રમાણે આ બન્ને આતંકવાદીઓનાં નામ અદનાન ખાન છે. ૧૬ ઑક્ટોબરે એકની દિલ્હીમાંથી અને બીજાની ભોપાલમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ગઈ કાલે દિલ્હી પોલીસે પ્રેસ-કૉન્ફરન્સ યોજીને આ વિશે માહિતી આપી હતી.
પોલીસે તેમની પાસેથી ઇલેક્ટ્રૉનિક્સ ડિવાઇસિસ સહિત અનેક શંકાસ્પદ સામગ્રી જપ્ત કરી હતી. એમાં એક વિડિયો પણ જોવા મળ્યો હતો. આ વિડિયોમાં તેઓ ISIS માટે સમર્પિત હોવાનું જાણવા મળતું હતું. દિલ્હીમાં વિસ્ફોટ કરવાની યોજના જે સ્થળો પર હતી એ સ્થળોના ફોટોગ્રાફ્સ પણ તેમની પાસેથી મળી આવ્યા હતા. જે બે સ્થળો પર વિસ્ફોટ કરવાની તેમની યોજના હતી એ સ્થળોની તેમણે રેકી કરી હોવાનું પણ પોલીસે જણાવ્યું હતું.


