ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર સહિતનાં અનેક રાજ્યોમાં જળપ્રકોપ : યમુના, ગંગા, સરયૂ, કેન અને ચંબલ સહિતની નદીઓએ ભયજનક સપાટી વટાવી : ઉત્તર પ્રદેશમાં કાશી-પ્રયાગરાજમાં એક લાખ ઘરોમાં પાણી ઘૂસી ગયાં : પૂરને લીધે જાનમાલની ભારે નુકસાની
દિલ્હીમાં યમુના નદીનાં પાણી ફરી વળ્યાં હતાં. પાણીમાં એક મંદિર ડૂબેલું જોવા મળ્યું હતું.
ભારે વરસાદને કારણે ઉત્તર ભારતનાં અનેક રાજ્યોમાં જોખમી સ્થિતિ સર્જાઈ છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર અને હિમાચલ પ્રદેશ સહિતનાં રાજ્યોમાં નદીકિનારાઓના નીચાણવાળા વિસ્તારોમાં પાણીનું સ્તર વધી રહ્યું હોવાથી આ વિસ્તારના લોકોને સાવચેત રહેવા અને સ્થળાંતર માટે તૈયાર રહેવાની ચેતવણી અધિકારીઓએ આપી છે. સિંચાઈ અને પૂર નિયંત્રણ વિભાગના અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે જેથી જરૂર પડ્યે પગલાં લઈ શકાય. ઉચ્ચ અધિકારીઓએ સાવચેત રહેવા અને નદીકિનારા નજીક જવાનું ટાળવા કહ્યું છે.
કાશીમાં તમામ ૮૪ ઘાટ ડૂબી ગયા
ADVERTISEMENT
ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદને કારણે ૧૨ જિલ્લાઓ પૂરનો સામનો કરી રહ્યા છે. વારાણસી અને પ્રયાગરાજમાં ગંગાનાં પાણી એક લાખથી વધુ ઘરોમાં ઘૂસી ગયાં છે.
ગઈ કાલે સવારે ૬ વાગ્યે ગંગાનાં પાણી ભયજનક સપાટીથી ૨૦ સેન્ટિમીટર ઉપર વહી રહ્યાં હતાં. ગઈ કાલે રાજ્યના ૭૧ જિલ્લાઓમાં વરસાદની ચેતવણી આપવામાં આવી હતી. ૭ જિલ્લામાં અતિ ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર પ્રદેશમાં ગંગા-યમુના અને બેતવા નદીમાં પૂર આવ્યાં છે. કાશીના તમામ ૮૪ ઘાટ ગંગા નદીમાં ડૂબી ગયા છે. પ્રયાગરાજમાં પણ ગંગા-યમુનાનાં પાણીથી હજારો ઘરોમાં ઘૂસ્યાં છે.
પ્રયાગરાજમાં શહેરમાં ઘણા રહેણાક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયાં છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને બચાવવા અને તેમનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (SDRF)ની ટીમે પ્રયાગરાજમાં બચાવ-કામગીરી હાથ ધરી છે.
પ્રયાગરાજમાં નીચાણવાળા વિસ્તારોમાં પૂરથી બચાવીને લોકોને રાહત કૅમ્પમાં લાવવામાં આવ્યા હતા.
હિમાચલ પ્રદેશમાં ભારે તારાજી
હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ ચાલુ રહ્યો હતો, જેને કારણે રવિવારે બે નૅશનલ હાઇવે સહિત ૩૦૭ રસ્તાઓ બંધ રહ્યા હતા. સ્થાનિક હવામાન કચેરીએ હજી રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે તૈયાર રહેવાની ચેતવણી આપી છે. હિમાચલમાં મંડી, કુલ્લુ, ચંબા વરસાદને લીધે સૌથી વધુ પ્રભાવિત થયા છે.
૨૦ જૂને ચોમાસાની શરૂઆતથી બીજી ઑગસ્ટ સુધીમાં રાજ્યને કુલ ૧૬૯૨ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. અત્યાર સુધીમાં વરસાદ સંબંધિત ઘટનાઓને કારણે ૧૭૯ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે ૩૬ લોકો હજી પણ ગુમ છે. રાજ્યમાં ૧૬૦૦ જેટલાં ઘરોને સંપૂર્ણ કે આંશિક નુકસાન થયું છે. રાજ્યમાં ૫૧ ઘોડાપૂરની, ૨૮ વાદળ ફાટવાની અને ૪૫ મોટા ભૂસ્ખલનની ઘટનાઓ બની છે.
હિમાચલ પ્રદેશના શિમલામાં કાટમાળ હટાવી રહેલા JCB પર ટેકરી પરથી એક મોટો પથ્થર પડ્યો હતો જેમાં JCB ખાડામાં પડ્યું હતું. આ દુર્ઘટનામાં ડ્રાઇવરનું મૃત્યુ થયું હતું.
ઉત્તર પ્રદેશમાં ઠેર-ઠેર પાણી ભરાતાં લોકો પોતાનાં ઘર ખાલી કરવા લાગ્યા હતા અને માલસામાન ખસેડતા જોવા મળ્યા હતા.
બદરીનાથ-કેદારનાથ યાત્રાઓ સ્થગિત
ઉત્તરાખંડના અનેક જિલ્લાઓની નદીઓમાં પાણીની સપાટી વધી રહી છે. યમુના, સરયૂ, કેન અને ચંબલ નદીઓ ભયજનક સપાટીને વટાવી ગઈ છે. ઉત્તરાખંડના ૭ જિલ્લાઓને ભારે વરસાદ માટે અલર્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં ભૂસ્ખલનને લીધે 83 રસ્તાઓ બંધ કરી દેવા પડ્યા હતા. દૂન અને બાગેશ્વર જિલ્લામાં ભારે વરસાદ માટે ઑરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવી છે. ભયજનક પરિસ્થિતિને લીધે બદ્રિનાથ-કેદારનાથ યાત્રાઓ સ્થગિત કરી દેવામાં આવી હતી.
બિહારના તમામ ૩૮ જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ૧૮ જિલ્લાઓમાં ઑરેન્જ અલર્ટ અને ૨૦ જિલ્લામાં યલો અલર્ટ જાહેર કરવામાં આવી છે. છેલ્લા ૨૪ કલાકમાં પટના સહિત ૧૩ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે. પટનામાં ૬૬.૨૦ મિમી વરસાદ નોંધાયો છે. અહીંના રસ્તાઓ પર બે ફુટ જેટલાં પાણી ભરાયાં છે
મિર્ઝાપુરના એક ગોડાઉનમાં પાણી ભરાઈ જતાં LPG સિલિન્ડરો તરતાં જોવા મળ્યાં હતાં.
દિલ્હીમાં જનજીવન ઠપ થયું
ગઈ કાલે દિલ્હી શહેરમાં ભારે વરસાદ પડ્યો હતો જેને કારણે દેવલી, પંચકુઇયા રોડ, મોતીબાગ, ઇન્કમ ટૅક્સ ઑફિસ, મુખરજીનગર અને પુલપ્રહ્લાદપુર સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. આ કારણે શહેરીજનોનું સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું. દિલ્હીમાં યમુના નદીના પાણીનું સ્તર ચેતવણી-સ્તરની નજીક પહોંચી ગયું છે. ૨૦૪.૫ મીટર સ્તર પર ચેતવણી જાહેર કરવામાં આવે છે, ગઈ કાલે પાણીનું સ્તર ૨૦૪.૧૪ મીટર હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે જો પાણીનું સ્તર વધતું રહેશે તો આગામી ૨૪.૪૬ કલાકમાં શહેરમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. દિલ્હીમાં છેલ્લે જુલાઈ ૨૦૨૩માં ૨૦૮.૬૬ મીટરનું સૌથી ખરાબ પૂરનું સ્તર જોવા મળ્યું હતું.
અનેક રાજ્યો યેલો એલર્ટ પર
મધ્ય પ્રદેશના ૯ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. રાજસ્થાનના ૯ જિલ્લાઓમાં યલો અલર્ટ છે. બિકાનેરના નોખામાં બે ઘર તૂટી પડ્યાં હતાં, જેના પગલે નજીકનાં ૭ ઘરોને પણ ખાલી કરાવવામાં આવ્યાં હતાં. હનુમાનગઢમાં પણ એક ઘર તૂટી પડ્યું હતું. હરિયાણામાં પણહથનીકુંડ બેરેજમાંથી છોડવામાં આવતાં પાણી સાથે સતત વરસાદને લીધે પાણીની સપાટીનું સ્તર વધી રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં પણ પાછલા દિવસોમાં પડેલા અનરાધાર વરસાદને લીધે તીસ્તા અને જલઢાકા સહિતની નદીઓ ગાંડીતૂર બની હતી. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને અનેક સ્ટેટહાઈવે બંધ થઈ જતા અનેક વિસ્તારો સાથે સંપર્ક તૂટી ગયો હતો. રાજ્યમાં હજી વધુ ભારે વરસાદ પડવાની શક્યતાને પગલે સમગ્ર હવામાન ખાતે એલર્ટ જાહેર કરેલા છે.

