રાજ્યમાં પર્યાવરણ અસંતુલન બાબતે સુપ્રીમ કોર્ટે સરકારને લગાવી ફટકાર
હિમાચલ પ્રદેશ
હિમાચલ પ્રદેશમાં ગંભીર પર્યાવરણીય અસંતુલનને કારણે આ રાજ્ય ભારતના નકશામાંથી ગાયબ થઈ જશે એવી ચેતવણી સુપ્રીમ કોર્ટે આપી હતી. જસ્ટિસ જે. બી. પારડીવાલા અને આર. મહાદેવનની બેન્ચે જણાવ્યું હતું કે પર્યાવરણના ભોગે આવક મેળવી શકાતી નથી અને રાજ્યના અધિકારીઓ તથા કેન્દ્ર સરકાર માટે રાજ્યમાં પર્યાવરણીય અસંતુલનને વધુ ખલેલ ન પહોંચે એ સુનિશ્ચિત કરવા માટે પગલાં લેવાનો સમય આવી ગયો છે. અમે એ વાત પર ભાર મૂકવા માગીએ છીએ કે આવક કમાવી એ જ બધું નથી. પર્યાવરણ અને ઇકોલૉજીના ભોગે આવક કમાઈ શકાતી નથી. જો વસ્તુઓ આજની જેમ ચાલુ રહી તો એ દિવસ દૂર નથી જ્યારે સમગ્ર હિમાચલ પ્રદેશ દેશના નકશામાંથી ગાયબ થઈ જશે. આજે અમે ફક્ત એટલું જ કહેવા માગીએ છીએ કે હિમાચલ પ્રદેશમાં આપણે જે જોઈએ છીએ એના પર ધ્યાન આપવું જોઈએ અને યોગ્ય દિશામાં વહેલી તકે જરૂરી પગલાં લેવાનું શરૂ કરવું જોઈએ. અલબત્ત, ઘણું નુકસાન થયું છે, પરંતુ એક કહેવત છે કે કંઈ ન હોવા કરતાં કંઈક સારું છે.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે નિષ્ણાતો અને વિવિધ અહેવાલો અનુસાર હિમાચલ પ્રદેશમાં પર્યાવરણીય વિનાશનાં મુખ્ય કારણો હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ, ફોર લેન રોડ્સ, વન-નાબૂદી, બહુમાળી બિલ્ડિંગો જેવા માળખાકીય વિકાસ છે. કોઈ પણ વિકાસ પ્રોજેક્ટ હાથ ધરતાં પહેલાં ભૂસ્તરશાસ્ત્રીઓ, પર્યાવરણીય નિષ્ણાતો અને સ્થાનિક લોકોનો અભિપ્રાય લેવો મહત્ત્વનો છે.

