પુત્રીઓને પેટમાં દુખાવાની અને માનસિક તનાવની ફરિયાદ સાથે હૉસ્પિટલમાં પહોંચી હતી. બન્નેની હાલત ખરાબ હતી. જ્યારે ડૉક્ટરે પૂછપરછ કરી ત્યારે હકીકતની જાણ થઈ હતી.
પ્રતીકાત્મક તસવીર
બે સગીર પુત્રીઓ પર લગભગ પાંચ વર્ષ સુધી બળાત્કાર કરવાના આરોપસર ગુરુવારે એક પિતાની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો.
છોકરીઓ અને તેમની માતાનાં નિવેદનો ગુપ્ત કૅમેરા દ્વારા નોંધ્યા બાદ પોલીસે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કર્યો હતો. સમાજ અને તેના પતિના ડરથી મહિલાએ કેસ દાખલ કરવાનો ઇનકાર કર્યો હતો.
ADVERTISEMENT
પેટમાં દુખાવાની ફરિયાદ
આ સંદર્ભમાં દિલ્હીમાં સદર પોલીસ-સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો અને તપાસ એક વરિષ્ઠ પોલીસ અધિકારીને સોંપવામાં આવી હતી. આ કેસ સંદર્ભે દિલ્હી (પશ્ચિમ)ના નાયબ પોલીસ-કમિશનર અમિત કુમારે જણાવ્યું હતું કે ‘૨૦ જૂને માતા બે પુત્રીઓને પેટમાં દુખાવાની અને માનસિક તનાવની ફરિયાદ સાથે હૉસ્પિટલમાં પહોંચી હતી. બન્નેની હાલત ખરાબ હતી. જ્યારે ડૉક્ટરે પૂછપરછ કરી ત્યારે હકીકતની જાણ થઈ હતી.’
કાઉન્સેલિંગમાં સત્ય બહાર આવ્યું
બાળમજૂરી અને બાળકો સાથે થતી જાતીય હિંસા સામે કામ કરતી સંસ્થા અસોસિએશન ફૉર વૉલન્ટરી ઍક્શનને ૨૧ જૂને આસરા ફાઉન્ડેશન તરફથી માહિતી મળી હતી કે સદર પોલીસ-સ્ટેશન વિસ્તારની એક મહિલા તેની પુત્રીઓના જાતીય શોષણ વિશે વાત કરવા માગે છે. આ અંગે નૉન-ગવર્નમેન્ટલ ઑર્ગેનાઇઝેશન (NGO)એ મહિલાનો સંપર્ક કર્યો હતો. માતા અને સગીર પુત્રીઓને કાઉન્સેલિંગ માટે સલામત અને શાંત જગ્યાએ લઈ જવામાં આવ્યાં હતાં. તેમની વાતચીતમાં સગીર છોકરીઓ પર તેમના પિતા દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું.
કાઉન્સેલિંગ વખતે રેકૉર્ડિંગ
NGOના રિપોર્ટ અને કાઉન્સેલિંગમાં પૂરતા પુરાવા મળવાથી પોલીસે FIR નોંધ્યો હતો, પણ મહિલાએ કેસ નોંધવાનો ઇનકાર કર્યો હતો. આથી પોલીસે એક અૅક્શન-પ્લાન બનાવ્યો હતો. કાઉન્સેલિંગનો વિડિયો ગુપ્ત કૅમેરાથી બનાવવા માટે ચિત્રકૂટ સર્કલ ઇન્સ્પેક્ટર અંતિમ શર્માને NGOની હાજરીમાં મહિલા અને છોકરીઓનું કાઉન્સેલિંગ કરવાનું કહેવામાં આવ્યું હતું. આ પછી મેડિકલ બોર્ડ દ્વારા છોકરીઓની તપાસ કરવામાં આવી હતી અને મેડિકલ રિપોર્ટમાં હકીકતોની પુષ્ટિ થયા બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

