પાટનગર પટનામાં માત્ર ૫૫.૦૨ ટકા જ્યારે સૌથી વધુ બેગુસરાયમાં ૬૭.૩૨ ટકા અને સૌથી ઓછું શેખપુરામાં ૫૨.૩૬ ટકા વોટિંગ થયું
ગઈ કાલે નીતિશ કુમારે પટનામાં મતદાન કર્યું હતું.
બિહાર વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન ગઈ કાલે પૂરું થયું હતું. ૧૮ જિલ્લામાં ૧૨૧ બેઠકો પર મતદાન થયું જે રેકૉર્ડબ્રેક ૬૪.૬૬ ટકા જેટલું થયું હતું. વિધાનસભાની ચૂંટણીમાં રેકૉર્ડબ્રેક મતદાન થયું છે એ બતાવે છે કે જનતા રાજનીતિથી દૂર નથી જતી, પરંતુ સીધી ભાગીદારી ઇચ્છે છે. જોકે હવે સવાલ એ છે કે મતદાતા પરિવર્તન ઇચ્છે છે કે પછી સરકાર પર ખૂબ ભરોસો રાખી રહી છે?
બિહારમાં શહેરી મતદાતાઓમાં વધુ ઉત્સાહ જોવા નહોતો મળ્યો. પટનામાં ૫૫.૦૨ ટકા મતદાન થયું હતું. સૌથી વધુ ૬૭.૩૨ ટકા બેગુસરાયમાં અને સૌથી ઓછું ૫૨.૩૬ ટકા વોટિંગ શેખપુરામાં થયું હતું. વિધાનસભાની ચૂંટણીમાં આ પહેલાંનું હાઇએસ્ટ મતદાન ૨૦૦૦ની સાલમાં ૬૨.૬૭ ટકા નોંધાયું હતું.
ADVERTISEMENT
આ વખતે મહિલાઓ અને જેન-ઝી એટલે કે નવા મતદાતાઓમાં વોટિંગને લઈને ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો. પહેલા તબક્કાના મતદાનમાં ૧૮ જિલ્લાની ૧૨૧ સીટો પર ૧૩૧૪ ઉમેદવારોનું ભાગ્ય EVMમાં કેદ થઈ ગયું છે. પહેલા તબક્કામાં બે ડેપ્યુટી મુખ્ય પ્રધાન સહિત ૧૮ પ્રધાનોનું ભવિષ્ય નિશ્ચિત થશે. ૧૦ હૉટ સીટો છે જેમાં તેજસ્વી યાદવ, તેજ પ્રતાપ યાદવ, સમ્રાટ ચૌધરી, વિજયકુમાર સિન્હા જેવા મોટા ચહેરાઓ છે.
મુઝફ્ફરપુરમાં લિચી થીમથી સજ્યાં મતદાન-કેન્દ્રો

બિહારનો મુઝફ્ફરપુર જિલ્લો લિચીના મબલક ઉત્પાદન માટે ભારતભરમાં જાણીતો છે. અહીંની લિચી મીઠી અને મોટી હોય છે એને ધ્યાનમાં રાખીને જિલ્લાનાં ત્રણ મતદાન-કેન્દ્રોને લિચી થીમથી સજાવવામાં આવ્યાં હતાં. બૂથમાં ચોતરફ ગુલાબી રંગનાં ફૂલો અને લિચીના ગુચ્છા જેવી સજાવટ હતી અને ગુલાબી પડદા હતા. મહિલા મતદાતાઓનો ઉત્સાહ વધારવા માટે આ બૂથ પર આખી ટીમ મહિલા કર્મચારીઓની તહેનાત કરવામાં આવી હતી.

પટનામાં એક વડીલને મત આપવા માટે સ્વજનો ખાટલા પર ઊંચકીને મતદાન-કેન્દ્ર પર લઈને ગયા હતા.

પટનામાં બૂથ પર મતદાતાઓનું સ્વાગત લોકપરંપરાગત આર્ટિસ્ટો દ્વારા કરવામાં આવ્યું હતું.
દેશી સવારી પર બેસીને મતદાન

લાલુ પ્રસાદના નજીકના દોસ્ત ગણાતા વૈશાલીમાં ભગવાનપુર ગામમાં રહેતા રાષ્ટ્રીય જનતા દલ (RJD)ના નેતા કેદાર પ્રસાદ યાદવે ગઈ કાલે તેમના અનોખા અંદાજમાં મતદાન-પ્રક્રિયાને રોચક બનાવી હતી. તેઓ ભેંસ પર બેસીને વોટ આપવા નીકળ્યા હતા અને તેમની સાથે કેટલીક મહિલાઓએ લોકગીતો ગાઈને ઘરથી મતદાનમથક સુધીની યાત્રાને રોચક બનાવી દીધી હતી. કેદાર યાદવે કહ્યું હતું કે ચૂંટણીને કારણે ગાડીઓ અને ઘોડા બંધ છે અને મતદાન-કેન્દ્ર બે કિલોમીટર દૂર છે એટલે બીજા વાહનની રાહ જોવાને બદલે મેં પરંપરાગત સવારી પસંદ કરી હતી.


RJD નેતા તેજસ્વી યાદવે પરિવાર સાથે મતદાન કર્યું હતું. પાર્ટી અને પરિવારમાંથી કાઢી મુકાયેલા તેજ પ્રતાપ યાદવે પણ મતદાન કર્યું હતું.

ઇલેક્શન કમિશન ઑફ ઇન્ડિયા દ્વારા ઇન્ટરનૅશનલ ઇલેક્ટર્સ વિઝિટર્સ પ્રોગ્રામ (IEVP) અંતર્ગત ૬ દેશોના ૧૬ પ્રતિનિધિઓએ ગઈ કાલે બિહારમાં મતદાનમથકોની મુલાકાત લીધી હતી.


