હરિયાણાના સોનીપત જિલ્લામાં એક એવી ઘટના સામે આવી છે જેણે ભલભલાને ઝંઝોળી નાખ્યા છે
ઘટનાસ્થળનું દૃશ્ય
હરિયાણાના સોનીપત જિલ્લામાં એક એવી ઘટના સામે આવી છે જેણે ભલભલાને ઝંઝોળી નાખ્યા છે. પૂનમ નામની પંચાવન વર્ષની એક મહિલાએ તેના ૬૦ વર્ષના પતિ સુરેશને પહેલાં લાકડીથી ફટકાર્યો અને પછી માથામાં ઈંટ મારી-મારીને તેનો જીવ લઈ લીધો. આવું પૂનમે પહેલી વાર નહોતું કર્યું. તે પતિને વારંવાર મારતી હતી, પરંતુ સોમવારે તેનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. એનું કારણ એટલું જ હતું કે પતિ તેના ખર્ચા પૂરા કરી શકે એટલું કમાતો નહોતો. દંપતી વચ્ચે વારંવાર ઝઘડો થતો હતો. સુરેશ પહેલાં ઑટો ચલાવતો હતો, પરંતુ માંદગીને કારણે તે રિક્ષા ચલાવવા જઈ શકતો નહોતો. એને કારણે પૂનમના શોખ પૂરા થઈ નહોતા રહ્યા. પૂનમ તેને માંદગીની હાલતમાં પણ કમાવા માટે જવા દબાણ કરતી હતી, પરંતુ સુરેશ જઈ શકતો નહોતો એટલે તેણે બીમાર પતિને ઢોરમાર માર્યો હતો. જ્યારે તેને ખબર પડી કે પતિનો જીવ નીકળી ગયો છે ત્યારે તે ઘરમાંથી મેકઅપની કિટ લઈ આવીને પોતાના ચહેરાને સાફ કરીને લાલી-લિપસ્ટિક લગાવવા લાગી હતી. આ ઘટના પાડોશીઓની સામે જ થઈ હતી. પાડોશીઓએ પોલીસને નજરે જોયેલી ઘટનાનું વર્ણન કર્યું હતું અને પોલીસે તેને પતિની હત્યાના ગુનાસર પકડી લીધી હતી.


