ઑફિસના લોકો જાય એ પછી તે ટૉઇલેટ પર પડદો પાડીને ત્યાં જ ખાવાનું રાંધી લે છે અને સાફસૂફી કરીને ત્યાં જ સૂઈ જાય છે. દિવસ દરમ્યાન તેનો સામાન ગડી કરીને એને ચાદરથી ઢાંકીને પૅક કરી દે છે.
નવી જૉબ પર લાગેલી ૧૮ વર્ષની ચીની ટીનેજરે નવા શહેરમાં રૂમનું ભાડું બચાવવા માટે અનોખો જુગાડ શોધ્યો છે
નવી-નવી જૉબ પર લાગેલી ૧૮ વર્ષની ચીની ટીનેજરે નવા શહેરમાં રૂમનું ભાડું બચાવવા માટે અનોખો જુગાડ શોધ્યો છે. તે જે કંપનીમાં કામ કરે છે ત્યાંના જ વૉશરૂમમાં ભાડેથી રહે છે. એ માટે તે દર મહિને ૫૪૫ રૂપિયાનું ભાડું ચૂકવે છે. આ ફર્નિચરનો સ્ટોર છે અને સ્ટોરના કલાકો પૂરા થાય એ પછીથી તે વૉશરૂમને ઘરમાં તબદીલ કરી દઈ શકે છે. યાંગનો પગાર લગભગ ૩૪, ૫૭૦ રૂપિયા જેટલો છે, પણ બહેનને પૈસા બચાવવા છે. એટલે તે ઘર માટે સસ્તામાં સસ્તો ઑપ્શન અપનાવી રહી છે. પહેલાં તે બૉસના જ ઘરે રહેતી હતી, પણ તેને લાગ્યું કે લાંબો સમય એમ કરવું ઠીક નહીં રહે. એટલે તેણે બૉસને કહીને કંપનીના વૉશરૂમમાં જ ઘર બનાવવાનું નક્કી કર્યું. વૉશરૂમમાં અંદર બે ટૉઇલેટ છે અને બહાર ચેન્જિંગ રૂમ જેવી થોડીક જગ્યા છે. એમાં જ યાંગબહેને ઘરસંસાર વિકસાવ્યો છે. ઑફિસના લોકો જાય એ પછી તે ટૉઇલેટ પર પડદો પાડીને ત્યાં જ ખાવાનું રાંધી લે છે અને સાફસૂફી કરીને ત્યાં જ સૂઈ જાય છે. દિવસ દરમ્યાન તેનો સામાન ગડી કરીને એને ચાદરથી ઢાંકીને પૅક કરી દે છે.
યાંગબહેન ભલે કરકસરિયાં હોય, પણ કંજૂસ નથી. તેણે તો બૉસને આ જગ્યાનું ૨૨૫૦ રૂપિયા ભાડું આપવાની ઑફર કરેલી, પરંતુ તેના બૉસ એટલા ઉદાર છે કે તેની પાસેથી માત્ર ૫૪૫ રૂપિયા જ લે છે, જેમાંથી તેમનો ઇલેક્ટ્રિસિટી અને પાણીનો ખર્ચ નીકળી જાય છે.

