દુલ્હાએ બધી લાઇટો બંધ કરાવીને અંધારામાં જ વિધિ ચાલુ રખાવી
લગ્ન ચાલી રહ્યાં હતાં અને બ્લૅકઆઉટની સાઇરન વાગી
બુધવારે ભારતમાં ઠેર-ઠેર મૉક ડ્રિલ થઈ ત્યારે રાજસ્થાનના જોધપુર પાસેના એક ગામમાં એક જગ્યાએ લગ્ન ચાલી રહ્યાં હતાં. જોકે રાતે ૮ વાગ્યે સાઇરન વાગતાં આખું શહેર ૧૫ મિનિટ માટે બ્લૅકઆઉટ થઈ ગયું ત્યારે આ લગ્નસમારંભની લાઇટો પણ બંધ કરી દેવામાં આવી હતી. દુલ્હાએ જાતે જ સાઇરન વાગી ત્યારે પહેલ કરીને હૉલની લાઇટો બંધ કરાવી હતી અને તમામ મહેમાનોએ મોબાઇલની લાઇટના અજવાળે લગ્નની વિધિ ચાલુ રાખી હતી. સાઇરનને પગલે આખું શહેર અંધકારમય થઈ ગયું ત્યારે દુલ્હાએ પણ એક નાગરિક તરીકેની જવાબદારી પહેલાં નિભાવતાં હાજર મહેમાનોએ તાળીઓ પાડીને તેની નાગરિક ભાવનાને બિરદાવી હતી. ૧૫ મિનિટ પછી બ્લૅકઆઉટ પૂરો થયો ત્યારે ફરી લાઇટો કરીને લગ્નની વિધિ કન્ટિન્યુ કરવામાં આવી હતી.

