યુવતીને છેડવાનું યુવકને ભારે પડી ગયું હતું
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
ઉત્તર પ્રદેશના કાનપુર પાસેના એક ગામમાં રસ્તે જતી યુવતીને છેડવાનું યુવકને ભારે પડી ગયું હતું. ચંપી નામની એક યુવતીની પાછળ ગામનો જ એક યુવક ઘણા દિવસથી પડ્યો હતો. જ્યારે પણ તે ગામમાં બહાર નીકળતી ત્યારે પેલો યુવાન તેની પાછળ પડતો. ચંપીનાં લગ્ન થઈ ચૂક્યાં છે અને તેને બે સંતાનો પણ છે. અનેક વાર સમજાવવા છતાં યુવક પીછો છોડતો જ નહોતો. સોમવારે બપોરે ચંપી ખેતર પર માટી લેવા ગઈ ત્યારે આ યુવક પણ ચૂપચાપ પાછળ પહોંચી ગયો અને તેને પકડી લીધી. યુવકે યુવતી સાથે ફિઝિકલ છૂટછાટ લેવાની શરૂ કરી. ચંપીએ ખૂબ કોશિશ કરી પણ યુવકના સકંજામાંથી છટકવામાં સફળતા નહોતી મળતી. એવામાં યુવકે તેને જબરદસ્તી ચૂમવાની કોશિશ કરી. એ સમયે ચંપીએ પોતાનું મોં ખોલીને બધી તાકાત વાપરીને યુવકની જીભ કાપી લીધી હતી. પહેલાં તો યુવક ચિલ્લાયો, જીભ કપાતાં યુવકના મોંમાંથી પુષ્કળ લોહી નીકળ્યું અને પછી તે ખેતરમાં જ બેહોશ થઈને પડી ગયો. એ પછી છોકરીએ ફોન કરીને પોતાના ભાઈઓને બોલાવ્યા. યુવકના પરિવારજનોને પણ બોલાવવામાં આવ્યા અને તેને ડૉક્ટર પાસે લઈ જવામાં આવ્યો. શરૂઆતમાં તો યુવકના પરિવારજનોએ ચંપીના ભાઈઓએ જીભ કાપી હોવાનો આરોપ લગાવ્યો, પરંતુ પોલીસની તપાસમાં ખબર પડી હતી કે એ સમયે ભાઈઓ ગામમાં હતા જ નહીં.


