કરોડરજ્જુ સાથે જોડાયેલી હોવાથી પીડા થતી હતી એટલે ડૉક્ટરોએ સર્જરી કરી
સૂર્યાંશ નામના છોકરાને કમર પર એક પૂંછડી ઊગી
ઉત્તર પ્રદેશમાં લખીમપુરમાં રહેતા દોઢ વર્ષના સૂર્યાંશ નામના છોકરાને કમર પર એક પૂંછડી ઊગી આવી હતી. તેના પિતા સુશીલકુમાર ખેડૂતનું કામ કરે છે. સામાન્ય રીતે પૂંછડી જો સ્નાયુઓનો ગુચ્છો જ હોય તો વાંધો નથી આવતો, કેમ કે માણસોના પૂર્વજોને પણ પૂંછડી હતી જ. જોકે સૂર્યાંશને જે પૂંછડી ઊગી હતી એ કરોડના મણકા અને એમાંથી પસાર થતી નર્વ સાથે જોડાયેલી હોવાથી બાળકને ખૂબ દુખાવો થતો હતો. તે પીઠભેર સૂઈ શકતો નહોતો. ચાલવાથી પણ તેને અસહ્ય દર્દ થતું હતું. પૂંછડી ખૂબ સંવેદનશીલ હોવાથી અડવાથી પણ તેને દુખાવો થતો હતો. આ પૂંછડી બાળકની ઉંમર જેમ-જેમ વધતી હતી એમ મોટી થઈ રહી હતી. પહેલાં તો ગામલોકો અને પરિવારજનોએ બાળકને હનુમાનજીનું વરદાન મળ્યું છે એમ માની લીધું, પરંતુ જ્યારે બાળકની પીડા અસહ્ય થતી ગઈ ત્યારે તેના ઇલાજ માટે ડૉક્ટર પાસે ગયા. ડૉક્ટરોએ તપાસ કરીને કહ્યું કે જો આની સારવાર અને સર્જરી નહીં કરવામાં આવે તો બાળકના જીવ પર જોખમ છે. સ્થાનિક ડૉક્ટરો આ સર્જરી કરવા તૈયાર ન હોવાથી બલરામપુર હૉસ્પિટલના નિષ્ણાતોએ તેની સર્જરી કરી હતી. આ સર્જરી જટિલ કહેવાય છે કેમ કે એમાં થોડીક પણ ભૂલ થાય તો કરોડરજ્જુને નુકસાન થઈ શકે છે.


