સ્ટાર બૅટર વિરાટ કોહલીના ટેસ્ટ-રિટાયરમેન્ટ બાદ ભૂતપૂર્વ ભારતીય સ્પિનર અનિલ કુંબલેએ ટેસ્ટ-ટીમમાં ચોથા ક્રમાંક માટે પોતાની આદર્શ પસંદગી જાહેર કરી છે.
અનિલ કુંબલે અને કરુણ નાયર
સ્ટાર બૅટર વિરાટ કોહલીના ટેસ્ટ-રિટાયરમેન્ટ બાદ ભૂતપૂર્વ ભારતીય સ્પિનર અનિલ કુંબલેએ ટેસ્ટ-ટીમમાં ચોથા ક્રમાંક માટે પોતાની આદર્શ પસંદગી જાહેર કરી છે. એક ઇન્ટરવ્યુમાં કુંબલે કહે છે, કરુણે જે પ્રકારનું ડોમેસ્ટિક ક્રિકેટમાં પ્રદર્શન દર્શાવ્યું છે એને ધ્યાનમાં લેતાં તે ભારતીય ટીમમાં વાપસી કરવા માટેનો હકદાર છે.
૫૪ વર્ષના કુંબલેએ આગળ કહ્યું, ‘કદાચ તે ભારત માટે નંબર ફોર પર હોઈ શકે છે, કારણ કે મને લાગે છે કે તમારે થોડો અનુભવ જોઈએ છે. તમને ઇંગ્લૅન્ડમાં કોઈ એવી વ્યક્તિની જરૂર છે જે ત્યાં રહીને એ કામ કરી ચૂકી હોય. તે કાઉન્ટી ક્રિકેટ રમ્યો છે, એથી તે ત્યાંની પરિસ્થિતિઓ જાણે છે. કરુણ ભલે ૩૦થી વધુ ઉંમરનો હોય, પણ તે હજી પણ યુવાન છે. જો તેને તક મળે તો આ યુવા પ્લેયર્સ માટે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ રમવાની ઘણી આશા રહેશે. જો ડોમેસ્ટિક ક્રિકેટમાં પ્રદર્શનને માન્યતા ન મળે તો એ પડકાર બની જાય છે.’
ડોમેસ્ટિક ક્રિકેટમાં ખૂબ જ પ્રભાવશાળી પ્રદર્શન કર્યું છે કરુણ નાયરે
૩૩ વર્ષના કરુણ નાયરે રણજી ટ્રોફી ૨૦૨૪-૨૫માં ૧૬ ઇનિંગ્સમાં ચાર સેન્ચુરી અને બે ફિફ્ટીની મદદથી ૮૬૩ રન બનાવ્યા હતા. વિજય હઝારે ટ્રોફી ૨૦૨૪-૨૫માં તેણે આઠ ઇનિંગ્સમાં ૭૭૯ રન અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ૨૦૨૪-૨૫માં છ ઇનિંગ્સમાં ૨૫૫ રન ફટકારીને સિલેક્ટર્સનું ધ્યાન ખેંચ્યું છે. ભારત માટે ટેસ્ટ-ક્રિકેટમાં છ મૅચની સાત ઇનિંગ્સમાં એક ત્રિપલ સેન્ચુરી સહિત ૩૭૪ રન ફટકારનાર નાયર છેલ્લે માર્ચ ૨૦૧૭માં ભારત માટે ઇન્ટરનૅશનલ ક્રિકેટ રમ્યો હતો.

