વિરાટે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરતાં પત્ની અનુષ્કા શર્માએ લખી ઇમોશનલ પોસ્ટ
અનુષ્કા શર્મા, વિરાટ કોહલી
વિરાટ કોહલીએ ૧૪ વર્ષ બાદ ટેસ્ટક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી એ વિશે પત્ની અને ઍક્ટ્રેસ અનુષ્કા શર્માએ પ્રતિક્રિયા આપીને ઇમોશનલ નોટ લખી છે. વિરાટ પત્નીને પોતાની સૌથી મોટી સપોર્ટર માને છે ત્યારે અનુષ્કાએ ક્રિકેટના મેદાન પર બન્ને સાથેની એક તસવીર શૅર કરીને લખ્યું છે, ‘લોકો રેકૉર્ડ્સ અને માઇલસ્ટોનની વાત કરશે, પરંતુ હું એ આંસુઓને યાદ કરીશ જે તેં ક્યારેય બતાવ્યાં નહીં, એ લડાઈઓ જે કોઈએ જોઈ નહીં અને આ રમત પ્રત્યે તારો અડગ પ્રેમ. હું જાણું છું કે દરેક ટેસ્ટ સિરીઝ બાદ તું થોડો વધુ સમજદાર, થોડો વધુ નમ્ર બનીને પાછો ફર્યો અને તારી આ સફરમાં તને વિકાસ પામતો જોવો મારા માટે સૌભાગ્યની વાત રહી. મેં હંમેશાં એવું ઇમૅજિન કર્યું હતું કે તું વાઇટ્સ પહેરીને ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈશ પણ તેં હંમેશાં તારા દિલની વાત સાંભળી છે એથી હું ફક્ત એટલું જ કહેવા માગું છું કે માય લવ, તું આ ગુડ-બાયની દરેક ક્ષણ ડિઝર્વ કરે છે.’

