એશિયન ગેમ્સમાં મૉન્ગોલિયા સામે અભૂતપૂર્વ આતશબાજી ઃ ટી૨૦માં પહેલી વાર ૩૦૦ રનનો ટીમ-સ્કોર, કુશાલે મિલર-રોહિતનો ફાસ્ટેસ્ટ સેન્ચુરીનો અને દીપેન્દ્ર સિંહે યુવરાજ સિંહનો ફાસ્ટેસ્ટ ફિફ્ટીનો વિશ્વવિક્રમ તોડ્યો
મલ્લાની ૩૪ બૉલમાં ફાસ્ટેસ્ટ સેન્ચુરી
ચીનની એશિયન ગેમ્સમાં ક્રિકેટના નાના દેશો રમી રહ્યા છે એમાં દાયકાઓ જૂના વિશ્વવિક્રમ તૂટવા માંડ્યા છે. ગઈ કાલે હાન્ગજોમાં ૧૩ દેશ વચ્ચેની મેન્સ ટી૨૦ સ્પર્ધાની પહેલી જ મૅચમાં રનનો વરસાદ થયો હતો. ગ્રુપ ‘એ’માં નેપાલે મૉન્ગોલિયા સામે મુકાબલામાં બૅટિંગ મળતાં જ આતશબાજી શરૂ કરી દીધી હતી જે ૨૦મી ઓવર સુધી ચાલી હતી. નેપાલે ત્રણ વિકેટે ૩૧૪ રન બનાવ્યા હતા જેના જવાબમાં મૉન્ગોલિયાની ટીમ ૧૩.૧ ઓવરમાં ફક્ત ૪૧ રન બનાવી શકી હતી અને નેપાલનો ૨૭૩ રનના વિક્રમજનક માર્જિનથી વિજય થયો હતો. નેપાલના સંદીપ લમીછાને, અબિનાશ બોહરા અને કરણ કેસીએ બે-બે વિકેટ લીધી હતી.
નેપાલ અને મૉન્ગોલિયા ક્રિકેટમાં હજી બહુ નાના દેશ છે, પરંતુ તેઓ ટી૨૦ ઇન્ટરનૅશનલ ક્રિકેટની રેકૉર્ડ-બુકમાં આવી ગયા છે. નેપાલનો કુશાલ મલ્લા (૧૩૭ અણનમ, ૫૦ બૉલ, ૧૨ સિક્સર, ૮ ફોર) ગઈ કાલનો સુપરસ્ટાર હતો. નેપાલની પ્રથમ વિકેટ ૪૨મા રને, બીજી વિકેટ ૬૬મા રને અને ત્રીજી વિકેટ ૨૫૯ રનના સ્કોર પર પડી હતી.
ADVERTISEMENT
ભારત સીધું ક્વૉર્ટર ફાઇનલમાં
ઋતુરાજ ગાયકવાડના સુકાનમાં ભારતીય ટીમને રૅન્કિંગના આધારે સીધો ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ મળ્યો છે. ટીમમાં રિન્કુ, યશસ્વી, જિતેશ, શિવમ દુબે, તિલક, રાહુલ ત્રિપાઠી, વૉશિંગ્ટન
સુંદર, શાહબાજ, અર્શદીપ, આવેશ, બિશ્નોઈ અને મુકેશકુમાર પણ છે. ભારતની ક્વૉર્ટર ફાઇનલ ૩ ઑક્ટોબરે રમાશે અને ભારતનું હરીફ હવે
જાહેર થશે.
એશિયન ગેમ્સની પ્રથમ ટી૨૦માં વિક્રમની વણજાર : ૫૦૦-પ્લસનો સ્ટ્રાઇક-રેટ પહેલી જ વાર
(૧) ગઈ કાલ પહેલાં ટી૨૦ના ઇતિહાસમાં ક્યારેય કોઈ ટીમ ૩૦૦ રનના સ્કોર સુધી નહોતી પહોંચી શકી. જોકે નેપાલે ૨૦ ઓવરમાં ત્રણ વિકેટે ૩૧૪ રન બનાવીને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો હતો. આ પહેલાં ટી૨૦ના ઇતિહાસમાં ૨૭૮ રન (૨૦૧૯માં અફઘાનિસ્તાન, આયરલૅન્ડ સામે અને ચેક રિપબ્લિક, ટર્કી સામે) હાઇએસ્ટ ટીમ-સ્કોર હતો.
(૨) ૧૯ વર્ષના લેફ્ટ-હૅન્ડ બૅટર કુશાલ મલ્લાએ ફક્ત ૩૪ બૉલમાં સેન્ચુરી પૂરી કરી હતી. ટી૨૦ ઇન્ટરનૅશનલ્સમાં હવે આ ફાસ્ટેસ્ટ છે. તેણે ૩૫ બૉલમાં સદી ફટકારનાર ડેવિડ મિલર, રોહિત શર્મા અને ચેક રિપબ્લિકના સુદેશ વિક્રમાશેખરાનો વિશ્વવિક્રમ તોડ્યો હતો.
(૩) નેપાલના ૨૩ વર્ષના રાઇટ-હૅન્ડ બૅટર દીપેન્દ્રસિંહ એઇરી (બાવન અણનમ, ૧૦ બૉલ, આઠ સિક્સર)એ માત્ર ૯ બૉલમાં અડધી સદી પૂરી કરી હતી. ટી૨૦માં આ ફાસ્ટેસ્ટ ફિફ્ટી છે. તેણે યુવરાજ સિંહ, ક્રિસ ગેઇલ અને હઝરતુલ્લા ઝઝાઈનો ૧૨ બૉલની હાફ સેન્ચુરીનો વિશ્વવિક્રમ તોડી નાખ્યો હતો. યુવીએ ૧૨ બૉલમાં ફિફ્ટી બનાવ્યા હતા.
(૪) નેપાલે મૉન્ગોલિયાને ૨૭૩ રનથી હરાવ્યું. તમામ ટી૨૦ મૅચોમાં જીતનો આ હાઇએસ્ટ માર્જિન છે. અગાઉનું માર્જિન ૨૫૭ રનનું હતું. ૨૦૧૯માં ચેક રિપબ્લિકે ટર્કીને આટલા તફાવતથી હરાવ્યું હતું.
(૫) ટી૨૦ના કોઈ બૅટરે મૅચમાં ૫૦૦-પ્લસનો સ્ટ્રાઇક-રેટ નોંધાવ્યો હોય એવું પહેલી વાર બન્યું છે. તેણે ૧૦ બૉલમાં અણનમ બાવન રન ખડકી દીધા હતા અને ૫૨૦ તેનો સ્ટ્રાઇક-રેટ હતો.
(૬) નેપાલના બૅટર્સે ગઈ કાલે કુલ ૨૬ સિક્સર ફટકારી હતી. ટી૨૦ ઇન્ટરનૅશનલમાં કોઈ એક ટીમે એક ઇનિંગ્સમાં ફટકારેલી આ હાઇએસ્ટ સિક્સર્સ છે. નેપાલે અફઘાનિસ્તાનની આયરલૅન્ડ સામેની અને વેસ્ટ ઇન્ડીઝની સાઉથ આફ્રિકા સામેની બાવીસ સિક્સરનો વિક્રમ તોડી નાખ્યો હતો. નેપાલનો વિક્રમ હવે સમગ્ર ટી૨૦ ફૉર્મેટમાં નવો છે.
(૭) કુશાલ મલ્લા અને કૅપ્ટન રોહિત પૉડેલ (૬૧ રન, ૨૭ બૉલ, છ સિક્સર, બે ફોર) વચ્ચેની ત્રીજી વિકેટ માટેની ૧૯૩ રનની ભાગીદારી ટી૨૦ ઇન્ટરનૅશનલ્સમાં સર્વશ્રેષ્ઠ છે.
23
ગઈ કાલે મૉન્ગોલિયાએ બનાવેલા ૪૧ રનમાં આટલા એક્સ્ટ્રા રન હતા.

