ભારતીય ટીમના હેડ કોચ બનશે તો શું કરશે એનો ખુલાસો કર્યો યુવીના પપ્પા યોગરાજ સિંહે
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યોગરાજ સિંહ
ભૂતપૂર્વ ભારતીય ઑલરાઉન્ડર યુવરાજ સિંહના પપ્પા અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યોગરાજ સિંહે ફરી એક વાર ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ બનવાની ઇચ્છા વ્યક્ત કરી છે. એક ઇવેન્ટમાં તેમણે હેડ કોચ તરીકે તેઓ શું કરશે એનો પણ ખુલાસો કરી દીધો છે.
પચીસ માર્ચે ૬૭ વર્ષના થયેલા યોગરાજ સિંહ કહે છે, ‘જો તમે મને ભારતીય ટીમનો કોચ બનાવો છો તો હું એ જ પ્લેયર્સનો ઉપયોગ કરીશ અને ટીમને એવી બનાવીશ કે એ હંમેશાં અજેય રહે. તેમની ક્ષમતા કોણ બહાર લાવશે? તમે હંમેશાં તેમને ટીમની બહાર રાખવા તૈયાર છો - રોહિત શર્માને બહાર રાખો કે કોહલીને બહાર રાખો - પણ શા માટે? તેઓ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છે અને હું મારાં બાળકોને કહેવા માગું છું કે હું તેમની સાથે છું. હું તેમને કહીશ કે ચાલો રણજી ટ્રોફી રમીએ. રોહિતને દરરોજ ૨૦ કિલોમીટર દોડવાનું કહીશ. હું તેમને કહીશ કે હું તેમને પ્રેમ કરું છું. કોઈ એવું કરતું નથી. આ પ્લેયર્સ હીરા જેવા છે. તમે તેને બાકાત રાખી શકતા નથી. હું તેના પપ્પા જેવો બનીશ. મેં ક્યારેય યુવરાજ અને બીજા લોકો વચ્ચે ભેદભાવ કર્યો નથી, ધોનીમાં પણ નહીં, પણ જે ખોટું છે એ ખોટું જ છે.’

