ટીમ ઇન્ડિયા પહેલી ઇનિંગ્સમાં ૩૮૭ રને આૅલઆઉટ, ત્રીજા દિવસે ઇંગ્લૅન્ડનો સ્કોર બે રન : ટેસ્ટ-ક્રિકેટમાં ૧૦૦મી વાર કોઈ બૅટર ૧૦૦ રનના સ્કોર પર આઉટ થયો, એક દાયદા બાદ બે ટીમનો એક ઇનિંગ્સનો સ્કોર ઇક્વલ થયો
કે. એલ. રાહુલે ૧૩ ફોર ફટકારી ૧૭૭ બૉલમાં ૧૦૦ રનની ઇનિંગ્સ રમી હતી.
લૉર્ડ્સ ટેસ્ટ-મૅચના ત્રીજા દિવસે પહેલી ઇનિંગ્સમાં ભારતીય ટીમે ૧૯૯.૨ ઓવરમાં ઑલઆઉટ થઈને ૩૮૭ રન કર્યા હતા. ત્રીજા દિવસના અંતે ઇંગ્લૅન્ડે એક ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વગર બે રન કર્યા હતા. ઇંગ્લૅન્ડે મૅચમાં બે રનની લીડ મેળવી હતી. બન્ને ટીમે એક ઇનિંગ્સનો સમાન સ્કોર કર્યો હોય એવી આ ટેસ્ટ-ક્રિકેટની ઓવરઑલ નવમી અને વર્ષ ૨૦૧૫ બાદની પહેલી ઘટના હતી.
અવે એટલે કે ઘરની બહાર વિદેશી ધરતી પર રમાયેલી ટેસ્ટ-સિરીઝમાં હાઇએસ્ટ સિક્સર ફટકારનારી ટીમનો રેકૉર્ડ હવે ભારતને નામે થયો છે. આ પહેલાં વર્ષ ૧૯૭૪-’૭૫માં વેસ્ટ ઇન્ડીઝે ભારતમાં અને ન્યુ ઝીલૅન્ડે વર્ષ ૨૦૧૪માં પાકિસ્તાન સામે UAEની ધરતી પર ૩૨-૩૨ સિક્સર ફટકારી હતી. ભારતે આ સિરીઝની ત્રણ ટેસ્ટમાં હમણાં સુધી ૩૬ સિક્સર ફટકારી છે.
ADVERTISEMENT
ભારતીય ટીમે ત્રીજા દિવસે ૪૪મી ઓવરમાં ૧૪૫-૩ના સ્કોરથી ઇનિંગ્સને આગળ વધારી હતી. કે.એલ. રાહુલ (૧૭૭ બૉલમાં ૧૦૦ રન) અને રિષભ પંતે (૧૧૨ બૉલમાં ૭૪ રન) ચોથી વિકેટ માટે ૧૯૮ બૉલમાં ૧૪૧ રનની ભાગીદારી કરી હતી. ૧૩ ફોર ફટકારનાર જ્યારે સદી ફટકારીને કૅચ આઉટ થયો એ ટેસ્ટ-ક્રિકેટના ઇતિહાસની ૧૦૦મી ઘટના હતી જ્યારે કોઈ બૅટર ૧૦૦ રને આઉટ થયો હતો. લૉર્ડ્સમાં બીજી વાર સદી કરીને તે એકથી વધુ ટેસ્ટ-સદી કરનાર દિલીપ વેન્ગસરકર (૩ વાર) માત્ર બીજો ભારતીય પણ બન્યો હતો. ૮ ફોર અને બે સિક્સર મારનાર રિષભ પંત એક રન ઝડપથી લેવાના ચક્કરમાં સરળતાથી રનઆઉટ થયો હતો.
કરીઅરમાં પહેલી વાર એક
ટેસ્ટ-સિરીઝમાં ત્રણ ૫૦ પ્લસ રનની ઇનિંગ્સ રમનાર રવીન્દ્ર જાડેજા (૧૩૧ બૉલમાં ૭૨ રન)એ બે મહત્ત્વપૂર્ણ ભાગીદારીથી ટીમનો સ્કોર ૩૫૦ રનને પાર કર્યો હતો. તેણે નીતીશ કુમાર રેડ્ડી (૯૧ બૉલમાં ૩૦ રન) સાથે છઠ્ઠી વિકેટની ૭૨ રન અને વૉશિંગ્ટન સુંદર (૭૬ બૉલમાં ૨૩ રન) સાથે સાતમી વિકેટની ૫૦ રનની પાર્ટનરશિપ કરી હતી. ઇંગ્લૅન્ડ તરફથી પહેલી ઇનિંગ્સમાં ફાસ્ટ બોલર ક્રિસ વૉક્સ (૮૪ રનમાં ત્રણ વિકેટ), બેન સ્ટોક્સ (૬૩ રનમાં બે વિકેટ) અને જોફ્રા આર્ચર (બાવન રનમાં બે વિકેટ) સૌથી વધુ સફળતા મળી હતી.
36
આટલી હાઇએસ્ટ ટેસ્ટ-સિક્સ ઇંગ્લૅન્ડ સામે ફટકારીને રિષભ પંતે વેસ્ટ ઇન્ડીઝના સર વિવ રિચર્ડ્સ (૩૪ સિક્સ)નો રેકૉર્ડ તોડ્યો.
ઇંગ્લૅન્ડની ધરતી પર એક ટેસ્ટ-સિરીઝમાં ૬૦૦ રન ફટકારનાર પહેલો ભારતીય કૅપ્ટન બન્યો શુભમન ગિલ
ઇંગ્લૅન્ડ સામેની ત્રીજી ટેસ્ટ-મૅચના બીજા દિવસે ભારતીય કૅપ્ટન શુભમન ગિલે બે ફોરની મદદથી ૪૪ બૉલમાં ૧૬ રનની ઇનિંગ્સ રમી હતી. પહેલી બે ટેસ્ટ-મૅચમાં ૫૮૫ રન કરનાર શુભમન ગિલે સિરીઝની ત્રીજી મૅચમાં જ ૬૦૧ રન બનાવી લીધા છે.
આ સાથે તે ઇંગ્લૅન્ડની ધરતી પર એક ટેસ્ટ-સિરીઝમાં ૬૦૦ રન કરનાર પહેલો ભારતીય કૅપ્ટન બન્યો છે. ૨૦૧૮માં વિરાટ કોહલીએ કૅપ્ટન તરીકે ઇંગ્લૅન્ડમાં પાંચ મૅચમાં ૫૯૩ રન બનાવ્યા હતા. શુભમન ગિલે કોહલીનો ભારતીય કૅપ્ટન તરીકે ઇંગ્લૅન્ડમાં ટેસ્ટ-સિરીઝમાં હાઇએસ્ટ રન કરવાનો રેકૉર્ડ પણ તોડ્યો હતો.
ઇંગ્લૅન્ડમાં એક ટેસ્ટ-સિરીઝમાં ૪૦૦ પ્લસ રન કરનાર પહેલો હરીફ ટીમનો વિકેટકીપર-બૅટર બન્યો રિષભ પંત
ઇંગ્લૅન્ડના કૅપ્ટન બેન સ્ટોક્સના શાનદાર થ્રોને કારણે રિષભ પંત રનઆઉટ થયો હતો.
રિષભ પંતે (૧૧૯૭ રન) ભારત-ઇંગ્લૅન્ડ ટેસ્ટ-સિરીઝના ઇતિહાસમાં વિકેટકીપર-બૅટર તરીકે હાઇએસ્ટ રન કરનાર એમ. એસ. ધોની (૧૧૫૭ રન)નો રેકૉર્ડ તોડ્યો.
ઇંગ્લૅન્ડ સામે હાઇએસ્ટ ટેસ્ટ-રન ફટકારનાર એશિયન વિકેટકીપર તરીકે પણ મહેન્દ્ર સિંહ ધોનીનો રેકૉર્ડ તોડ્યો.
ઇંગ્લૅન્ડમાં એક ટેસ્ટ-સિરીઝમાં હરીફ ટીમના વિકેટકીપર તરીકે ૪૦૦ પ્લસ રન કરનાર પહેલો પ્લેયર બન્યો રિષભ પંત (૪૧૬ રન).
રિષભ પંત અને કે. એલ. રાહુલ ઇંગ્લૅન્ડમાં ટેસ્ટ-ક્રિકેટમાં ૩ વાર ૧૦૦ પ્લસ રનની ભાગીદારી કરનાર પહેલી ભારતીય
જોડી બન્યા.
ઇંગ્લૅન્ડમાં હરીફ ટીમના વિકેટકીપર તરીકે ૮ વાર ૫૦ પ્લસ રનની ઇનિંગ્સ રમવા મામલે ધોનીના રેકૉર્ડની બરાબરી કરી.
સાઉથ આફ્રિકા, ઇંગ્લૅન્ડ, ન્યુ ઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયા (SENA)માં ભારતીય વિકેટકીપર- બૅટર તરીકે પણ ૧૩ વાર ૫૦ પ્લસ રનની ઇનિંગ્સ રમવાના ધોનીના રેકૉર્ડની બરાબરી કરી.

