એલિમિનેટર અને ક્વૉલિફાયર-ટૂમાં અનુક્રમે સૅન ફ્રાન્સિસ્કો યુનિકૉર્ન અને ટેક્સસ સુપર કિંગ્સને જબરદસ્ત ટક્કર આપીને કૅપ્ટન નિકોલસ પૂરનની ટીમ ન્યૂ યૉર્કે ફાઇનલમાં સ્થાન પાકું કર્યું હતું.
પ્રતીકાત્મક તસવીર
અમેરિકાની મેજર લીગ ક્રિકેટ (MLC) ટુર્નામેન્ટની ત્રીજી સીઝનની બે ફાઇનલિસ્ટ ટીમ નક્કી થઈ ગઈ છે. ભારતીય સમય અનુસાર ૧૪ જુલાઈએ સવારે ૫.૩૦ વાગ્યાથી MI ન્યુ યૉર્ક અને વૉશિંગ્ટન ફ્રીડમ વચ્ચે ફાઇનલનો જંગ જામશે. ૨૦૨૩માં MI ન્યુ યૉર્ક અને ૨૦૨૪માં વૉશિંગ્ટન ફ્રીડમ ચૅમ્પિયન બન્યું હોવાથી બન્ને ટીમ વચ્ચે બીજી વાર વિજેતા બનવાની રસાકસી જોવા મળશે.
ક્વૉલિફાયર-વન વરસાદને કારણે રદ થતાં કૅપ્ટન ગ્લેન મૅક્સવેલની ટીમ વૉશિંગ્ટન ફ્રીડમે ફાઇનલમાં ડાયરેક્ટ એન્ટ્રી કરી હતી, જ્યારે ગ્રુપ સ્ટેજમાં ૧૦માંથી માત્ર ત્રણ મૅચ જીતનાર MI ન્યુ યૉર્કે ૬ ટીમો વચ્ચે ચોથા ક્રમે રહીને પ્લેઑફમાં એન્ટ્રી કરી હતી. એલિમિનેટર અને ક્વૉલિફાયર-ટૂમાં અનુક્રમે સૅન ફ્રાન્સિસ્કો યુનિકૉર્ન અને ટેક્સસ સુપર કિંગ્સને જબરદસ્ત ટક્કર આપીને કૅપ્ટન નિકોલસ પૂરનની ટીમ ન્યૂ યૉર્કે ફાઇનલમાં સ્થાન પાકું કર્યું હતું.
ADVERTISEMENT
બન્ને ટીમો વચ્ચે આમને-સામને ૬ T20 મૅચ રમાઈ છે જેમાંથી MI ન્યુ યૉર્કે ૨૦૨૩માં શરૂઆતની બે મૅચ જીતી હતી, બાકીની ચારેય મૅચમાં વૉશિંગ્ટન ફ્રીડમે બાજી મારી છે. વૉશિંગ્ટન ફ્રીડમ વર્તમાન સીઝનમાં ૧૦માંથી માત્ર બે મૅચ હાર્યું છે.

