આઝમ ખાને બૅટ પર પૅલેસ્ટીનનો ફ્લૅગ બતાવીને આઇસીસીનો નિયમ તોડ્યો હોવા છતાં તેને દંડ ન કરાયો
આઝમ ખાન
પાકિસ્તાનના ભૂતપૂર્વ વિકેટકીપર-બૅટર મોઇન ખાનનો પુત્ર આઝમ ખાન ત્રણ દિવસ પહેલાં કરાચીમાં નૅશનલ ટી૨૦ કપની મૅચ દરમ્યાન પોતાના બૅટ પર પૅલેસ્ટીનના ધ્વજનું સ્ટિકર લગાવીને રમ્યો હતો અને એ સાથે ઇઝરાયલ સાથે યુદ્ધમાં ઊતરેલા હમાસ આતંકવાદી જૂથને સપોર્ટ કરતા પૅલેસ્ટીન પ્રત્યે આઝમે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી તથા અન્યોને પણ ઇઝરાયલની વિરુદ્ધમાં અભિગમ અપનાવવાનો આડકતરો સંકેત આપ્યો હતો.પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ આ ટુર્નામેન્ટમાં કરાચી વાઇટ્સ ટીમ વતી રમતા અને પાકિસ્તાન વતી પાંચ ટી૨૦ રમી ચૂકેલા વિકેટકીપર-બૅટર આઝમને પૅલેસ્ટીનના ફ્લૅગનો પ્રચાર કરવા બદલ મૅચ-ફીના ૫૦ ટકા ભાગનો દંડ કર્યો હતો. આઇસીસીના નિયમ મુજબ ખેલાડીઓ અને અમ્પાયર સહિતના મૅચ ઑફિશ્યલ્સ પોતાના ક્રિકેટ બોર્ડની પરવાનગી વગર પોતાના કોઈ પણ ક્રિકેટ-સંબંધિત સાધનો પર અંગત સંદેશ ન બતાવી શકે. આઝમ ખાને આ સંબંધમાં પીસીબીની આચારસંહિતાની કલમ ૨.૪નો ભંગ કર્યો હતો.
મૅચ-રેફરીએ આઝમ ખાનને મૅચ ફીના ૫૦ ટકાનો દંડ કર્યો હતો, પરંતુ ગઈ કાલે મળેલા અહેવાલ મુજબ પીસીબીએ આ દંડ સંપૂર્ણપણે માફ કર્યો હતો અને એ વિશે કોઈ કારણ નહોતું આપ્યું.
ભારતમાંના વર્લ્ડ કપ દરમ્યાન પાકિસ્તાનના વિકેટકીપર-બૅટર મોહમ્મદ રિઝવાને ટ્વિટર પર ગાઝા પટ્ટીમાં વસતા પૅલેસ્ટીનના લોકોને સપોર્ટ વ્યક્ત કર્યો હતો.

