પ્લેયર ઑફ ધ મૅચ માર્ક ચૅપમૅને ૧૧૧ બૉલમાં ફટકાર્યા ૧૩૨ રન : પહેલી વન-ડેમાં ન્યુ ઝીલૅન્ડના ૩૪૫ રનના ટાર્ગેટ સામે પાકિસ્તાન ૨૭૧ રનમાં ઑલઆઉટ
માર્ક ચૅપમૅન
ગઈ કાલે નેપિયરમાં રમાયેલી પહેલી વન-ડે મૅચમાં યજમાન ન્યુ ઝીલૅન્ડે ૭૩ રને પાકિસ્તાનને હરાવીને ત્રણ મૅચની સિરીઝમાં ૧-૦થી લીડ મેળવી છે. કિવી ટીમે ૫૦ ઓવરમાં નવ વિકેટ ગુમાવીને ૩૪૪ રનનો સ્કોર ફટકાર્યો હતો. ૩૪૫ રનના ટાર્ગેટ સામે પાકિસ્તાની ટીમ ૪૪.૧ ઓવરમાં ૨૭૧ રન બનાવીને ઑલઆઉટ થઈ હતી. ૧૩ ચોગ્ગા અને ૬ છગ્ગા ફટકારીને ૧૧૧ બૉલમાં ૧૩૨ રનની ઇનિંગ્સ રમનાર ઑલરાઉન્ડર માર્ક ચૅપમૅન પ્લેયર ઑફ ધ મૅચ બન્યો છે. આ કિવી બૅટર દ્વારા પાકિસ્તાન સામે રમાયેલી સૌથી મોટી વ્યક્તિગત ઇનિંગ્સ પણ હતી.
ટૉસ હારીને બૅટિંગ કરવા ઊતરેલી કિવી ટીમે ૧૨.૪ ઓવરમાં ૫૦ રનના સ્કોર પર ત્રણ વિકેટ ગુમાવી હતી. અહીંથી માર્ક ચૅપમૅન અને ડેરિલ મિચલે (૮૪ બૉલમાં ૭૬ રન) ચોથી વિકેટ માટે ૧૭૪ બૉલમાં ૧૯૯ રનની ભાગીદારી કરીને ૪૧.૩ ઓવર સુધીમાં ટીમનો સ્કોર ૨૪૯/૪ સુધી પહોંચાડ્યો હતો. પાકિસ્તાની મૂળના ઑલરાઉન્ડર મુહમ્મદ અબ્બાસે (૨૬ બૉલમાં બાવન રન) કિવી ટીમ માટે ડેબ્યુ મૅચમાં ૨૦૦ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરતાં ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકારી અંતિમ બૉલ સુધીમાં સ્કોર ૩૪૪ સુધી પહોંચાડ્યો હતો. પાકિસ્તાનના ઑલરાઉન્ડર ઇરફાન ખાને મીડિયમ ફાસ્ટ બોલર તરીકે પહેલી વાર બોલિંગ કરી ટીમ માટે પાંચ ઓવરમાં ૫૦ રન આપી સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.
ADVERTISEMENT
સ્ટાર બૅટર બાબર આઝમની ૮૩ બૉલમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી ૭૮ રનની ઇનિંગ્સની મદદથી ૩૮.૩ ઓવર સુધીમાં પાકિસ્તાનનો સ્કોર ૨૪૯/૩ હતો, પરંતુ અહીંથી ન્યુ ઝીલૅન્ડે ૩૮.૪થી ૪૪.૧ ઓવર સુધીમાં બાવીસ રનની અંદર સાત વિકેટ લઈને પાકિસ્તાનના હાથમાંથી જીત છીનવી લીધી હતી. કિવી ટીમના મીડિયમ ફાસ્ટ બોલર્સ નૅથન સ્મિથ (૬૦ રનમાં ચાર વિકેટ) અને જેકબ ડફી (૫૭ રનમાં બે વિકેટ)એ સૌથી વધુ વિકેટ ઝડપી હતી.

