વર્લ્ડ કપની સુપરસ્ટારના આગરાના ઘરે જામ્યો દિવાળીનો માહોલ : વન-ડે ક્રિકેટના ઇતિહાસમાં નૉકઆઉટ મૅચમાં ફિફ્ટી અને પાંચ વિકેટની ડબલ કમાલ કોઈ પુરુષ ખેલાડી પણ નથી કરી શક્યા
					
					
દીપ્તિ શર્મા વિમેન્સ વર્લ્ડ કપ 2025માં પ્લેયર આૅફ ધ સિરીઝ બની છે
ભારતીય ટીમને પ્રથમ વાર વર્લ્ડ ચૅમ્પિયન બનાવવામાં સૌથી મોટું યોગદાન હતું દીપ્તિ શર્માનું. તે હાઇએસ્ટ બાવીસ વિકેટ અને કુલ ૨૧૫ રન સાથે શાનદાર ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ વડે પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટની ટ્રોફી જીતીને છવાઈ ગઈ હતી. તેનો વર્લ્ડ કપ ફાઇનલનો પર્ફોર્મન્સ પણ ઐતિહાસિક હતો. હાફ સેન્ચુરી અને પાંચ વિકેટની કમાલના પર્ફોર્મન્સ વડે તેણે ઇતિહાસ રચી દીધો છે. વન-ડે ક્રિકેટના ઇતિહાસમાં નૉકઆઉટ મૅચોમાં આજ સુધી કોઈ મહિલા કે કોઈ પુરુષ ખેલાડી પણ આવી કમાલ નથી કરી શક્યાં. વિમેન્સ વર્લ્ડ કપમાં આવી કમાલ પહેલી વાર જોવા મળી છે.
નવી મુંબઈમાં જ્યારે ટીમ વિજેતા બની કે તરત દીપ્તિના આગરાના ઘરે દિવાળી જેવું વાતાવરણ જોવા મળ્યું હતું. બધાં સગાંસંબંધીઓ અને પાડોશીઓ તેના ઘરે પહોંચી ગયાં હતાં અને ફટાકડા ફોડીને તથા મીઠાઈ વહેંચીને ઉજવણી કરી હતી. અનેક પત્રકારો અને ન્યુઝ-ચૅનલવાળાઓ પણ તેના ઘરે પહોંચી ગયા હતા. તેના ખુશખુશાલ પપ્પા ભગવાન શર્માએ ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘અમારી લાગણીઓને શબ્દોમાં વર્ણવવી અઘરી છે. અમે બધા
ADVERTISEMENT
ફૅમિલી-મેમ્બરોએ ભેગા મળીને આખી મૅચ માણી હતી અને અમે બધા દીપ્તિ ઘરે આવે એની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ. તે ઘરે આવશે ત્યારે તેની ઉપલબ્ધિની મોટા પાયે ઉજવણી કરવામાં આવશે. અમારી અપેક્ષાઓ કરતાં અનેકગણું પર્ફોર્મ તેણે કરી બતાવ્યું છે.’
દીપ્તિનાં મમ્મી સુશીલા શર્માએ પણ દીકરીના પરાક્રમ વિશેની લાગણીઓ વ્યક્ત કરતાં કહ્યું હતું, ‘દીપ્તિએ અમારી ફૅમિલીનું અને ભારત દેશનું નામ રોશન કર્યું છે. તેની સફળતાનું શ્રેય તેના ભાઈ સુમિતને જાય છે જે તેને બાળપણથી ક્રિકેટની તાલીમ આપી રહ્યો છે. સુમિતે મુંબઈ જઈને ફાઇનલ માણી હતી અને તે બહેનને ચિયર કરતો રહ્યો હતો. આખા દેશને અને અમારા પરિવારને દીપ્તિની સફળતા બદલ ગર્વ થઈ રહ્યો છે.’
એક થ્રોએ બદલી નાખી જિંદગી
દીપ્તિના પપ્પા ગવર્નમેન્ટ જૉબ કરતા હતા અને મમ્મી સ્કૂલમાં પ્રિન્સિપાલ હતાં. પરિવારમાં કોઈને ક્રિકેટમાં રસ નહોતો, સિવાય મોટા ભાઈ સુમિતને. સુમિત કૉલોનીમાં રેગ્યુલર મૅચ રમવા જતો હતો. આઠેક વર્ષની દીપ્તિને પણ ત્યારે ભાઈ સાથે જવું હતું, પણ મમ્મીને ગમતું નહોતું એટલે દીપ્તિને ઘરમાં પૂરી દેતાં હતાં, પણ દીપ્તિ ચોરીછૂપી ભાઈની મૅચ જોવા પહોંચી જતી હતી. સાંજે સુમિત મૅચ રમીને ઘરે આવતો ત્યારે દીપ્તિ મૅચમાં જે થયું એ બધું તેને કહેતી ત્યારે સુમિતને ખૂબ નવાઈ લાગતી. એક વખત તે સુમિતની મૅચ જોતી હતી ત્યારે એક બૉલ તેની તરફ આવ્યો હતો. દીપ્તિએ ઝડપથી ઉપાડીને એ બૉલ તરત પાછો ફેંક્યો હતો. જોકે એ થ્રોએ ભૂતપૂર્વ ક્રિકેટર હેમલતા કાલાનું ધ્યાન ખેંચ્યું હતું અને દીપ્તિની જિંદગીની દિશા બદલાઈ ગઈ હતી. દીપ્તિની ટૅલન્ટ અને ક્રિકેટ પ્રત્યેની લગન જોઈને સુમિતે મમ્મી-પપ્પાને તેની સાથે ક્રિકેટ રમવા દેવા માટે રાજી કરી લીધાં હતાં. સુમિત ક્રિકેટમાં પોતાની કરીઅર બનાવવાનું પડતું મૂકીને નોકરીએ લાગી ગયો અને દીપ્તિને કોચિંગ આપવાનું શરૂ કરી દીધું હતું.
મીડિયમ પેસરમાંથી બની સ્પિનર
દીપ્તિ પહેલાં મીડિયમ પેસર હતી પણ ભાઈની સલાહ માનીને તે ઑફ-સ્પિનર બની ગઈ હતી અને આ નિર્ણય આજે ગેમ-ચેન્જિંગ સાબિત થઈ રહ્યો છે. સુમિતને લાગતું હતું કે પેસ બોલરના ઇન્જર્ડ થવાના ચાન્સિસ વધુ હોય છે એથી દીપ્તિને ઇન્જરીમુક્ત રાખવા તે ઑફ-સ્પિન માટે મહેનત કરવા માંડ્યો હતો.
ભાઈ-બહેનની મહેનત રંગ લાવી અને ૧૨ વર્ષની ઉંમરે દીપ્તિએ ઉત્તર પ્રદેશની સ્ટેટ ટીમમાં પ્રવેશ કરી લીધો હતો. ડોમેસ્ટિક ક્રિકેટમાં ઉત્તર પ્રદેશ અને ત્યાર બાદ બંગાળ વતી રમતાં શાનદાર પર્ફોર્મ કરીને ૧૭ વર્ષની ઉંમરે દીપ્તિ ૨૦૧૪માં ભારતીય ટીમમાં પહોંચી ગઈ હતી. ૨૦૧૭માં વન-ડેમાં ૧૮૮ રનની ઇનિંગ્સ અને પૂનમ રાઉત સાથેની ૩૨૦ રનની વર્લ્ડ રેકૉર્ડ પાર્ટનરશિપે દીપ્તિને દેશભરમાં ઓળખાણ અપાવી દીધી હતી.
દીપ્તિ શર્માનાં વર્લ્ડ કપમાં કારનામાં
૫૮ રન અને પાંચ વિકેટ - ફાઇનલમાં દીપ્તિના આ પર્ફોર્મન્સે ઇતિહાસ રચી દીધો છે. વન-ડે ક્રિકેટના ઇતિહાસમાં નૉકઆઉટ મૅચમાં આજ સુધી કોઈ મહિલા તો શું, કોઈ પુરુષ ખેલાડી પણ આવી ડબલ કમાલ નથી કરી શક્યો. વિમેન્સ વર્લ્ડ કપની એક મૅચમાં હાફ સેન્ચુરી અને પાંચ વિકેટ લેનાર તે પ્રથમ ખેલાડી બની છે.
૨૦૦+ રન, ૨૦+ વિકેટ - કુલ ૨૧૫ રન અને ૨૧ વિકેટ સાથે દીપ્તિ વિમેન્સ વર્લ્ડ કપના એક એડિશનમાં ૨૦૦થી રન અને ૨૦ પ્લસ વિકેટ લેનાર પ્રથમ ખેલાડી બની છે.
ફાઇનલમાં પાંચ વિકેટ - વિમેન્સ વર્લ્ડ કપની ફાઇનલમાં પાંચ વિકેટ લેનાર દીપ્તિ શર્મા સેકન્ડ ખેલાડી બની છે. આ પહેલાં ૨૦૧૭ની ફાઇનલમાં ઇંગ્લૅન્ડની આન્યા શ્રુબસોલે ૪૬ રનમાં ૬ વિકેટ લઈને ભારતનું ચૅમ્પિયન બનવાનું સપનું તોડી નાખ્યું હતું.
દીપ્તિની કરીઅર પર એક નજર
૨૮ વર્ષની દીપ્તિ શર્મા ભારતીય ટીમમાં ત્રણેય ફૉર્મેટમાં રમી રહી છે અને એક આધારસ્તંભ ઑલરાઉન્ડર છે. તેણે ટીમ ઇન્ડિયા વતી પાંચ ટેસ્ટમાં ચાર હાફ સેન્ચુરી સાથે ૩૧૯ રન બનાવ્યા છે અને ૨૦ વિકેટ લીધી છે. ૧૨૧ વન-ડેમાં એક સેન્ચુરી અને ૧૮ હાફ સેન્ચુરી સાથે તેણે ૨૭૩૯ રન બનાવ્યા છે અને ૧૬૨ વિકેટ લીધી છે. T20 ઇન્ટરનૅશનલમાં ૧૨૯ મૅચમાં બે હાફ સેન્ચુરી સાથે ૧૧૦૦ રન કર્યા છે અને ૧૪૭ વિકેટ લીધી છે.
વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)માં દીપ્તિ શર્મા કમાલ કરી રહી છે. દીપ્તિને તેના હોમ-સ્ટેટની ફ્રૅન્ચાઇઝી યુવી વૉરિયર્સે સેકન્ડ હાઇએસ્ટ ૨.૬ કરોડ રૂપિયામાં ઑક્શનમાં ખરીદી હતી. તેણે અત્યાર સુધી ૨૫ મૅચમાં ૩ હાફ સેન્ચુરી સાથે ૫૦૭ રન કર્યા છે અને ૨૫ વિકેટ લીધી છે. ગઈ સીઝનમાં રેગ્યુલર કૅપ્ટન ઍલિસા હીલીની ગેરહાજરીમાં તેને ટીમની કૅપ્ટન બનાવવામાં આવી હતી.
અર્જુન અવૉર્ડી ક્રિકેટર દીપ્તિ શર્મા માર્ગ પર આપનું સ્વાગત છે

૨૦૨૦માં દીપ્તિ શર્માને અર્જુન અવૉર્ડથી નવાજવામાં આવી ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથનું ધ્યાન દીપ્તિના રહેઠાણ અવધપુરીના આસપાસના રસ્તાઓની બિસમાર હાલત પર ગયું હતું. તેમણે તરત જ રસ્તાની હાલત સુધારવા માટેનો આદેશ આપ્યો હતો. ત્યાર બાદ એ પરિસરની રોનક બદલાઈ જતાં સ્થાનિક રહેવાસીઓએ દીપ્તિની ઉપલબ્ધિઓ પર ગર્વ અનુભવતાં રોડનું નામકરણ કરીને ‘અર્જુન અવૉર્ડી ક્રિકેટર દીપ્તિ શર્મા માર્ગ’ કરી નાખ્યું હતું. આજે તેની કૉલોની એક લૅન્ડમાર્ક બની ગઈ છે અને રહેવાસીઓ ગર્વથી કહી રહ્યા છે કે દીપ્તિ રહે છે એ અવધપુરી કૉલોનીમાં અમે રહીએ છીએ.
દીપ્તિ બની DSP
૨૦૨૩માં કૉમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યા બાદ જાન્યુઆરી ૨૦૨૪માં રમતક્ષેત્રે તેના અમૂલ્ય યોગદાનને જોતાં ઉત્તર પ્રદેશ પોલીસે તેને ૩ કરોડ રૂપિયાના ઇનામ ઉપરાંત ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ (DSP) તરીકે નિયુક્ત કરી હતી. ૨૦૨૫માં એક સમારોહ દરમ્યાન તેને પોલીસનો યુનિફૉર્મ પહેરાવવામાં આવ્યો હતો.
જેઓ ટીકા કરતા હતા તેઓ આજે તેને મળવા આતુર : પપ્પા

વિમેન્સ વર્લ્ડ કપની ફાઇનલ મૅચની મજા માણી રહેલો દીપ્તિ શર્માનો પરિવાર
દરેક મહિલા ખેલાડીની જેમ ભારતની સ્ટાર ઑલરાઉન્ડર દીપ્તિ શર્માએ પણ જ્યારે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું ત્યારે તેણે સગાંસંબંધીઓની ટીકાનો સામનો કરવો પડ્યો હતો. આજે દીપ્તિ શર્મા ભારતની જ નહીં, મહિલા વર્લ્ડ ક્રિકેટની એક ટૉપની ઑલરાઉન્ડર છે. અનેક કટોકટી વખતે તેણે ટીમને એકલા હાથે તારી છે. શરૂઆતના દિવસોને યાદ કરતાં તેના પપ્પા ભગવાન શર્માએ કહ્યું હતું કે ‘જ્યારે દીપ્તિએ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું અને સ્ટેડિયમમાં જવા માંડી ત્યારે સગાંસંબંધીઓ અને પાડોશીઓ તેની ટીકા કરતાં કહેતાં હતાં કે આ મહિલાઓની રમત નથી, પુરુષોની છે; તમે એક છોકરીને આમ ક્યાં મોકલી રહ્યા છો? તેણે ભણીગણીને ડૉક્ટર કે એન્જિનિયર બનવું જોઈએ.’
ભગવાન શર્માએ બધી ટીકાઓને અવગણી અને પરિણામે દીપ્તિ આજે ભારતીય મહિલા ટીમ માટે એક આધારસ્તંભ બની ગઈ છે. આ બદલાયેલા સંજોગે વિશે ભગવાન શર્મા ઉમેરે છે કે તેની ટીકા કરનારાઓ જ આજે તેને મળવા આતુર છે અને પૂછતા રહે છે કે તે પાછી ક્યારે આવશે.
		        	
		         
        

