ચોથી ટેસ્ટની પહેલી ઇનિંગ્સમાં તેણે ૧૫૧ બૉલમાં ૭ ફોરની મદદથી ૬૧ રનની ઇનિંગ્સ રમીને ટેસ્ટ-કરીઅરની પહેલી ફિફ્ટી ફટકારી હતી.
સાઈ સુદર્શન, રવિચન્દ્રન અશ્વિન
ટૉપ ઑર્ડર બૅટર સાઈ સુદર્શન ઇંગ્લૅન્ડ સામેની પહેલી ટેસ્ટમાં ૩૦ રન ફટકાર્યા બાદ ટીમમાંથી ડ્રૉપ થયો હતો, પરંતુ ચોથી ટેસ્ટની પહેલી ઇનિંગ્સમાં તેણે ૧૫૧ બૉલમાં ૭ ફોરની મદદથી ૬૧ રનની ઇનિંગ્સ રમીને ટેસ્ટ-કરીઅરની પહેલી ફિફ્ટી ફટકારી હતી. ભૂતપૂર્વ ભારતીય સ્પિનર રવિચન્દ્રન અશ્વિને તેની આ ઇનિંગ્સની પ્રશંસા કરી છે.
અશ્વિન કહે છે, ‘સાઈ સુદર્શને ટીમમાંથી બહાર થયા પછી ચોથી ટેસ્ટમાં જે રીતે પ્રદર્શન કર્યું એ સરળ નહોતું. મને લાગે છે કે ટીમને થોડી મજબૂતી આપવા માટે તેણે નજીકના ભવિષ્યમાં ત્રીજા નંબરે રમતા રહેવું પડશે. અમે ચેતેશ્વર પુજારા અને રાહુલ દ્રવિડને ત્રીજા નંબર પર બૅટિંગ કરતા જોયા છે. સાઈ સુદર્શને પણ એવી જ મજબૂતી બતાવી. તેનો મોટો શુભેચ્છક હોવાથી હું થોડો નિરાશ છું કે તે સદી ફટકારી શક્યો હોત.’
ADVERTISEMENT
અનુભવી બૅટર કરુણ નાયરને ડ્રૉપ કરવા વિશે અશ્વિને કહ્યું, ‘કરુણ નાયર ક્યારેય ત્રીજા નંબરે રમ્યો નથી. હવે તેને ત્રીજા નંબરે રમાડીને તમે તેની માનસિકતાને અવરોધિત કરી છે.’
કરુણ નાયરે પહેલી ટેસ્ટમાં છઠ્ઠા ક્રમે રહીને ઝીરો અને ૨૦ રનની ઇનિંગ્સ રમી હતી, જ્યારે બાકીની બે મૅચમાં ત્રીજા ક્રમે તેણે ૩૧, ૨૬, ૪૦ અને ૧૪ રનની ઇનિંગ્સ રમી હતી.
સાઈ સુદર્શન ત્રીજા નંબર માટે પર્ફેક્ટ પ્લેયર છે. તેને તક આપતા રહો. તે લાંબા સમય સુધી ટકી શકે છે અને નંબર ત્રણ પર ઉત્તમ પ્લેયર બનશે.
- ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને કોચ રવિ શાસ્ત્રી

