ગઈ સીઝનની ચૅમ્પિયન રહેલી રંગોલી વાઇકિંગ્સ અને આ સીઝનની બેસ્ટ રહેલી ટૉપ ટેન લાયન્સ ટીમ વચ્ચે રમાશે આખરી જંગ
VPL T20નો આજે જામશે જોરદાર ફાઇનલ મુકાબલો
આજે રવિવારે ૩૦ માર્ચ ૨૦૨૫ની સાંજે પાંચ વાગ્યાથી ઍર ઇન્ડિયા સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ-કાલિના, સાંતાક્રુઝ (ઈસ્ટ)માં VPL T20 2025નો નિર્ણાયક દિવસ છે. સમગ્ર વાગડવાસીઓ તેમ જ ક્રિકેટપ્રેમીઓમાં આજના ફાઇનલ મુકાબલાની ઇન્તેજારી રહી છે, કારણ કે VPL T20 2025માં ગયા વર્ષની વિનર રહેલી રંગોલી વાઇકિંગ્સની ટીમ ફરી એક વાર બનશે ચૅમ્પિયન કે ટૉપ ટેન લાયન્સની ટીમ બનશે ચૅમ્પિયન એની ઉત્સુકતા સર્વેને રહી છે.
આ ટુર્નામેન્ટની શરૂઆત ૨૦૨૫ની ૧૯ જાન્યુઆરીથી કરવામાં આવી હતી અને લગભગ ૩ મહિનાના ગાળામાં ટોટલ ૧૭ દિવસ ચાલી હતી. આ ટુર્નામેન્ટની બધી જ મૅચો ખૂબ જ રોમાંચક અને દિલધડક રહી હતી અને છેલ્લી લીગ મૅચ સુધી પ્લે-ઑફ રાઉન્ડમાં પહોંચવા બધી ટીમોએ પોતાનું જોર લગાડ્યું હતું અને આખરે છેલ્લી લીગ મૅચ બાદ ૪ ટીમોનો પ્લે-ઑફમાં પ્રવેશ થયો હતો જેમાં પહેલી હતી આર.એસ.એસ. વૉરિયર્સની ટીમ, બીજા નંબરે રહી હતી ટૉપ ટેન લાયન્સની ટીમ, ત્રીજા નંબર પર આવી હતી સ્કૉર્ચર્સની ટીમ અને ચોથા નંબર પર રહી હતી રંગોલી વાઇકિંગ્સની ટીમ.
ADVERTISEMENT
આજની આ ફાઇનલ મૅચની પહેલાં બન્ને ફાઇનલિસ્ટ ટીમોના તમામ ખેલાડીઓને મેડલ પહેરાવવામાં આવશે. ત્યાર બાદ મૅચની એક ઇનિંગ્સ પત્યા બાદ VPL T20 2025ની ક્લોઝિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ટુર્નામેન્ટના ટાઇટલ સ્પૉન્સર, કો-સ્પૉન્સર્સ તેમ જ દરેક ટીમના ટીમ-ઓનર્સનું મેમેન્ટો આપી બહુમાન કરવામાં આવશે. સાથે લીગ મૅચના પ્લેયર ઑફ ધ મૅચ રહેલા દરેક ખેલાડીનું તેમ જ હૅટ-ટ્રિક ટેકર રહેલા ખેલાડીઓનું ટ્રોફી અને પ્રાઇઝ આપી સન્માન કરવામાં આવશે. મૅચ પત્યા બાદ બેસ્ટ બૅટ્સમૅન, બેસ્ટ બોલર, બેસ્ટ ફીલ્ડર તેમ જ પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટને તેમ જ રનર-અપ ટીમ અને વિનર ટીમને ટ્રોફી અને પ્રાઇઝ આપી સન્માનિત કરવામાં આવશે.
સંપૂર્ણ ટુર્નામેન્ટને સ્પૉન્સર્સ, કો-સ્પૉન્સર્સ તેમ જ ટીમ-ઓનર્સનો ખૂબ સારો સાથસહકાર મળ્યો હતો. દરેક ટીમ-ઓનર પોતાની ટીમના ખેલાડીઓ સાથે જોડાઈ દરેક મૅચમાં ઉપસ્થિત રહી ઉત્સાહ વધારી પ્રોત્સાહન આપતા હતા જેથી દરેક ટીમનો ઉત્સાહ ડબલ થઈ જતો હતો. ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં ખેલદિલીપૂર્વક ઉચ્ચ દરજ્જાનું ક્રિકેટ રમ્યા હતા. દરેક સ્પૉન્સર્સ અને કો-સ્પૉન્સર્સ ટુર્નામેન્ટને સ્પૉન્સરશિપ આપી ગૌરવ અનુભવે છે અને ટુર્નામેન્ટમાં રમતા સમાજના ખેલાડીઓને પ્રોત્સાહન આપી સમાજમાંથી કોઈ ખેલાડી નૅશનલ સ્તર સુધી પહોંચે એવી આશા રાખે છે.
આજની આ ટીકે રૂબી VPL T20 2025ની ફાઇનલ મૅચનું જીવંત પ્રસારણ સાંજે પાંચ વાગ્યાથી યુટ્યુબ પર શ્રી વાગડ કલા કેન્દ્રના પેજ પર તેમ જ સેવન સ્ટાર કેબલ નેટવર્કની ચૅનલ નંબર ૯૫ પર લાઇવ માણી શકાશે તેમ જ ક્રિકહીરોઝ ઍપ પર પણ લાઇવ સ્કોર જોઈ શકાશે.
સંસ્થા તરફથી આજની આ ટીકે રૂબી VPL T20ની ફાઇનલ મૅચની રોમાંચક પળોને નજરે નિહાળવા તેમ જ ફાઇનલ મૅચનો આનંદ માણવા સમાજના દરેક ક્રિકેટપ્રેમી ભાઈ-બહેનો અને નાના ભૂલકાંઓને ગ્રાઉન્ડ પર પધારવા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે.

