આૅસ્ટ્રેલિયાના આક્રમક ક્રિકેટે એક વ્યક્તિ અને ક્રિકેટર તરીકે તેને ઘડ્યો હોવાનું તેણે સ્વીકાર્યું, છેલ્લાં ૧૫-૨૦ વર્ષના ક્રિકેટમાં મેં બિલકુલ આરામ નથી કર્યો, હવે પરિવાર સાથે અદ્ભુત સમય માણી રહ્યો છું : વિરાટ કોહલી
ગઈ કાલે મૅચ પહેલાં ઍડમ ગિલ્ક્રિસ્ટ અને રવિ શાસ્ત્રીને ઇન્ટરવ્યુ આપી રહેલો વિરોટ કોહલી.
પર્થમાં સમાયેલી વન-ડે મૅચ પહેલાં સ્ટાર બૅટર વિરાટ કોહલીએ ક્રિકેટમાંથી મળેલા બ્રેક અને ઑસ્ટ્રેલિયન ક્રિકેટ વિશે મોટું નિવેદન આપ્યું હતું. ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ૭ મહિના બાદ વાપસી કરી રહેલા કોહલીએ કૉમેન્ટેટર્સ રવિ શાસ્ત્રી અને ઍડમ ગિલક્રિસ્ટને સ્પેશ્યલ ઇન્ટરવ્યુ આપ્યો હતો.
ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી મળેલા બ્રેક વિશે કોહલીએ કહ્યું હતું કે ‘ટેસ્ટ-ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધાને મને ઘણો સમય થઈ ગયો છે. હું હમણાં જ જીવન સાથે અનુકૂલન સાધી રહ્યો છું. હું આટલાં વર્ષોથી કંઈ કરી શક્યો નથી અને હવે ફક્ત મારાં બાળકો અને પરિવાર સાથે ઘરે થોડો સમય વિતાવી રહ્યો છું. આ એક અદ્ભુત સમય રહ્યો છે અને મેં એનો ખૂબ આનંદ માણ્યો છે. છેલ્લાં ૧૫-૨૦ વર્ષના ક્રિકેટમાં મેં બિલકુલ આરામ નથી કર્યો. હું કદાચ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં સૌથી વધુ મૅચ રમ્યો છું જેમાં IPLનો પણ સમાવેશ છે એથી આ મારા માટે ખૂબ તાજગીભર્યો સમય હતો. હું પોતાને પહેલાં કરતાં વધુ ફિટ અનુભવી રહ્યો છું.’
ADVERTISEMENT
ઑસ્ટ્રેલિયન ક્રિકેટ વિશે વાત કરતાં વિરાટે કહ્યું હતું કે ‘ઑસ્ટ્રેલિયન ટીમનું સેટઅપ, તેમનું ક્રિકેટ, તેમની રમવાની રીત અને હંમેશાં તમારી સામે રહેવું, તમને ડરાવવું અને રમતને નિયંત્રિત કરવી એ કંઈક એવી વસ્તુ હતી જેણે મને અહીં આવવા અને એવી જ વસ્તુઓ કરવા માટે પ્રેરણા આપી હતી. શરૂઆતમાં મને લાગ્યું કે એ આક્રમક વાતાવરણનો ભાગ બનવા કરતાં ટેલિવિઝન પર જોવું વધુ સરળ છે, પરંતુ હું એ બધી ક્ષણો માટે ખરેખર આભારી છું, કારણ કે એણે મને એક ક્રિકેટર અને એક વ્યક્તિ તરીકે આકાર આપ્યો છે. અહીં તમારી માનસિક શક્તિ અને કૌશલ્યની કસોટી થાય છે.’

