મણિપુરના રોનાલ્ડો સિંહ લૈતોન્જામ ગઈ કાલે એશિયાડની સાઇક્લિંગની હરીફાઈમાં આગળના રાઉન્ડમાં જવામાં નિષ્ફળ રહ્યો હતો
ભારતનો સાઇકલ સ્પર્ધક ડેવિડ બેકહૅમ, ભારતનો સાઇકલવીર રોનાલ્ડો સિંહ.
ઇંગ્લૅન્ડના ફુટબૉલ-લેજન્ડ ડેવિડ બેકહૅમ જેવું જ નામ ભારતીય સાઇક્લિંગમાં ડેવિડ બેકહૅમ એલ્કાટોચુન્ગોનું છે અને તેણે ગઈ કાલે ચીનની એશિયન ગેમ્સમાં મેન્સ સ્પ્રિન્ટ ઇવેન્ટની ક્વૉર્ટર ફાઇનલમાં એન્ટ્રી કરી હતી. તેણે અંતિમ રેપશાઝ રાઉન્ડમાં કઝાખસ્તાનના બે હરીફો પૉનોમારિયોવ અને કાઝચુગેને પાછળ રાખીને ક્વૉર્ટરમાં સ્થાન મેળવી લીધું હતું. ફુટબૉલમાં અગાઉના બ્રાઝિલના રોનાલ્ડો અને છેલ્લા એક દાયકાથી ધૂમ મચાવી રહેલા પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડો જેવું નામ ભારતના સાઇકલવીરનું છે. મણિપુરના રોનાલ્ડો સિંહ લૈતોન્જામ ગઈ કાલે એશિયાડની સાઇક્લિંગની હરીફાઈમાં આગળના રાઉન્ડમાં જવામાં નિષ્ફળ રહ્યો હતો.
ડેવિડ બેકહૅમ અને રોનાલ્ડો નામ કેવી રીતે પડ્યાં?
ADVERTISEMENT
ભારતનો ૨૦ વર્ષનો સાઇકલવીર ડેવિડ બેકહૅમ આંદામાનનો છે. તે ગયા વર્ષે કૉમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેવા ઇંગ્લૅન્ડ ગયો હતો ત્યારે બર્મિંગહૅમમાં ઇમિગ્રેશન વિભાગના અધિકારીઓ તેના આગમન વખતે તેના દસ્તાવેજ જોઈને ચોંકી ગયા હતા. તેમણે તેનો પાસપોર્ટ અનેક વાર તપાસ્યો હતો. બીજો કોઈ ડેવિડ બેકહૅમ પણ છે એ તેમના માનવામાં જ નહોતું આવતું. અનેક સાઇકલ સ્પર્ધામાં ભાગ લઈ ચૂકેલા ભારતના ડેવિડ બેકહૅમે એક મુલાકાતમાં કહ્યું કે ‘મારા પપ્પા સ્ટ્રીટ ફુટબૉલ રમતા હતા. તેમને ઇંગ્લૅન્ડનો ડેવિડ બેકહૅમ બેહદ પ્રિય હતો. હું જ્યારે મારી મમ્મીના ગર્ભમાં હતો ત્યારે જ મારા પપ્પાએ મારી મમ્મીને કહી દીધું હતું કે જો છોકરો અવતરશે તો તેનું નામ ડેવિડ બેકહૅમ રાખીશું. તેમણે નક્કી થયા મુજબ મારું નામ ડેવિડ બેકહૅમ પાડ્યું. જોકે હું બહુ નાનો હતો ત્યારે મારા પપ્પાનું સુનામીમાં મૃત્યુ થયું હતું અને ૨૦૧૪માં મારી મમ્મીનો દેહાંત થયો હતો.’
મણિપુરના ઇમ્ફાલનો ૧૯ વર્ષનો રોનાલ્ડો સિંહ લૈતોન્જામ પણ ભારતનો ટોચનો સાઇકલવીર છે. તેનું નામ તેના પપ્પાએ બ્રાઝિલના રોનાલ્ડિન્યોના નામ પરથી પાડ્યું હતું, કારણ કે રોનાલ્ડો સિંહના પપ્પા રોનાલ્ડિન્યોના ફૅન હતા અને એક મિત્ર સાથે એક ચૅલેન્જ જીતી ગયા ત્યારે તેમણે પુત્રનું નામ રોનાલ્ડો સિંહ રાખવાનો નિર્ણય લઈ લીધો હતો.

