ભારતના ગોલ્ડ મેડલની સંખ્યા વધીને 21 થઈ ગઈ છે

તસવીર સૌજન્ય: એએફપી
કૉમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતીય ખેલાડીઓ સતત સારું પ્રદર્શન કરી રહ્યા છે. ભારતના મેડલની સંખ્યા સતત વધી રહી છે. હવે ટેબલ ટેનિસમાં અચંતા શરથ કમલે વધુ એક ગોલ્ડ મેડલ ભારતની ઝોળીમાં નાખ્યો છે. તેણે લિયામ પિચફોર્ડને હરાવ્યો હતો. આ રીતે હવે કૉમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતના ગોલ્ડ મેડલની સંખ્યા વધીને 21 થઈ ગઈ છે. આ સાથે જ ભારત મેડલ ટેલીમાં ચોથા નંબર પર છે.
કૉમનવેલ્થ ગેમ્સમાં અચંતા શરથ કમલનો 7મો મેડલ
નોંધનીય છે કે કોમનવેલ્થ ગેમ્સમાં અચંતા શરથ કમલનો આ 7મો મેડલ છે. આ પહેલાં અચંતા શરથ કમલે કૉમનવેલ્થ ગેમ્સ 2006, 2010, 2014 અને 2018માં મેડલ જીત્યા છે. આ રીતે તેણે સતત પાંચમી કૉમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીત્યો છે. અચંતા શરથ કમલે પ્રથમ વખત 2006 મેલબોર્ન કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીત્યો હતો. જોકે, અચંતા શરથ કમલે 40 વર્ષની ઉંમરે ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે.
પીવી સિંધુ અને લક્ષ્ય સેને પણ ગોલ્ડ જીત્યો
આ સાથે જ ભારતની સ્ટાર શટલર પીવી સિંધુએ શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે બેડમિન્ટન મહિલા સિંગલ્સ મેચમાં કેનેડાની મિશેલ લીને હરાવીને ગોલ્ડ જીત્યો હતો. સિંધુએ આ પહેલાં સેમિફાઇનલ મેચમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે તેને જાળવી રાખ્યો અને ગોલ્ડ જીત્યો. આ સિવાય ભારતીય બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેને પુરુષ સિંગલ્સની ફાઈનલ મેચમાં મલેશિયાના તઝે યોંગ એનજીને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે જી યોંગને 19-21, 21-9, 21-16થી હરાવ્યો હતો.