આ સપ્તાહે અમદાવાદથી એક સુખદ સમાચાર આવ્યા છે. આશ્ચર્ય થયું? સહજ છે. વાત જાણે એમ છે કે એક દરજીએ એક મહિલા ગ્રાહકે સીવવા આપેલું બ્લાઉઝ તેણે કહેલી સ્ટાઇલ અને ડિઝાઇન પ્રમાણે ન સીવ્યું.
પ્રતીકાત્મક તસવીર
આ સપ્તાહે અમદાવાદથી એક સુખદ સમાચાર આવ્યા છે. આશ્ચર્ય થયું? સહજ છે. વાત જાણે એમ છે કે એક દરજીએ એક મહિલા ગ્રાહકે સીવવા આપેલું બ્લાઉઝ તેણે કહેલી સ્ટાઇલ અને ડિઝાઇન પ્રમાણે ન સીવ્યું. સ્વાભાવિક છે કે સગાંના લગ્નપ્રસંગે પહેરવાનું બ્લાઉઝ બગાડી નાખ્યું એટલે મહિલા ભારે નારાજ થઈ જ હોય. એમાંય તેણે તો સિલાઈના પૈસા પણ ચૂકવી દીધા હતા. વાંક દરજીનો હતો એટલે તેણે કહ્યું કે હું તમારી સૂચના મુજબ ઠીક કરી દઈશ અને સમયસર આપી દઈશ. પણ આ વખતેય દરજી તેનું વચન પાળી ન શક્યો.
આટલું વાંચી ઘણી બહેનોને પોતાની અને દરજી વચ્ચેનાં ઢગલાબંધ એન્કાઉન્ટર્સ અને મનોમન દરજીને ચોપડાવેલી ગાળો પણ યાદ આવી ગયાં હશે. પરંતુ અમદાવાદી મહિલા ખરી વીરાંગના નીકળી. તેણે અમદાવાદના કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રીડ્રેસલ કમિશનમાં દરજી વિરુદ્ધ ફરિયાદ કરી. કમિશને દરજીએ કરેલા વચનભંગ અને પરિણામે મહિલાને પડેલી તકલીફ અને ભોગવવા પડેલા માનસિક પરિતાપ માટે દરજીને સજા કરી – મહિલાને સાત હજાર રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો!
ADVERTISEMENT
ગણિતમાં આપણે ત્રિરાશી શીખ્યા છીએ: એને આ કિસ્સામાં લાગુ પાડી એના આધારે કેટલાક સવાલો પૂછી શકીએ: એક દરજીને એક બ્લાઉઝ સમયસર સીવીને ન આપવા માટે આટલી સજા થઈ તો મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન, બૅન્ગલોર મ્યુનિસિપલ કૉર્પોરેશન કે અન્ય કોઈ પણ શહેરના મ્યુનિસિપલ કૉર્પોરેશનને દર વર્ષે રસ્તા પરના ખાડાઓ ભરવાનું વચન આપવા છતાં રસ્તાઓ ખાડા-ખબડાવાળા જ રહેવા દેવા માટે કેટલી સજા થવી ઘટે? વધારાનો પ્રશ્ન – આ ખાડાઓને કારણે મોતનો શિકાર બનતા લોકોની અને તેમના સ્વજનોની જિંદગીમાં વ્યાપી જતાં અસહ્ય દુ:ખદર્દ માટે ભોગ બનનારના પરિવારને કેટલું વળતર મળવું જોઈએ? એ જ રીતે ચૂંટણી સમયે છૂટે મોઢે અને હાથે વચનો આપતા રાજકીય પક્ષોને ચૂંટાઈ આવ્યા બાદ એ વચનો પૂરાં નહીં કરવા બદલ કેવી અને કેટલી સજા થવી જોઈએ? અને એ જ ન્યાયે અશક્ય લાગતા દાવાઓ કરતી અને ખોટી-ખોટી ડિંગો હાંકતી જાહેરખબરો કરાનારાને તો આકરામાં આકરી સજા જ થવી જોઈએ, બરાબરને!
ખરેખર, દરજીને પડેલો દંડનો દંડૂકો દરેક વચનતોડુને ફટકારવા માટે ઉગામવામાં આવવો જોઈએ એમ નથી લાગતું?


