આજની તારીખમાં પણ દેશવિદેશથી લોકો આ ઐતિહાસિક વારસાને જોવા આવે છે ત્યારે મુંબઈનો આ પહેલો ફાઉન્ટન કેવા સંજોગોમાં બન્યો અને સમયાંતરે એનું મહત્ત્વ કઈ રીતે વધ્યું એની સાથે સંકળાયેલાં કેટલાંક રોચક તથ્યો વિશે આર્કિયોલૉજિસ્ટ આનંદ કોઠારી પાસેથી જાણીએ.
સમય, સૌંદર્ય અને પરિવર્તનનું પ્રતીક છે ફોર્ટનો ફ્લોરા ફાઉન્ટન
કિલ્લેબંધીવાળા બૉમ્બેમાંથી આધુનિક બૉમ્બે સુધીના પરિવર્તનનો સાક્ષી એટલે ફોર્ટ વિસ્તારના હૃદયસ્થાને આવેલો ફ્લોરા ફાઉન્ટન. રોમન દેવીના નામ પરથી જાણીતી આ હેરિટેજ સાઇટની આસપાસથી દરરોજ સેંકડો લોકો પસાર થાય છે ત્યારે થોડો સમય રોકાઈને જોનારને એ ફાઉન્ટન માત્ર પથ્થરનું શિલ્પ નહીં; સૌંદર્ય, સમૃદ્ધિ અને સમયની કસોટી સામે અડગ રહેલી કળાની જીવંત વાર્તા લાગે છે
આજથી દોઢ સદી પહેલાં જ્યારે બ્રિટિશકાલીન બૉમ્બેના વિકાસનો પાયો નખાયો એની સાક્ષી ફોર્ટમાં આવેલો ફ્લોરા ફાઉન્ટન પૂરે છે. યુરોપિયન શૈલીનાં સ્મારકોનું નિર્માણ કરવું બ્રિટિશરો માટે તેમની સ્થિરતા, સભ્યતા અને સર્વોચ્ચ શાસનને પ્રદર્શિત કરવાનો એક માર્ગ હતો. આજની તારીખમાં પણ દેશવિદેશથી લોકો આ ઐતિહાસિક વારસાને જોવા આવે છે ત્યારે મુંબઈનો આ પહેલો ફાઉન્ટન કેવા સંજોગોમાં બન્યો અને સમયાંતરે એનું મહત્ત્વ કઈ રીતે વધ્યું એની સાથે સંકળાયેલાં કેટલાંક રોચક તથ્યો વિશે આર્કિયોલૉજિસ્ટ આનંદ કોઠારી પાસેથી જાણીએ.
ADVERTISEMENT
કેવા સંજોગોમાં નિર્માણ થયું?
ફ્લોરા ફાઉન્ટનનું નિર્માણ ૧૮૬૦ના દાયકામાં બૉમ્બેના તત્કાલીન ગવર્નર સર હેનરી બાર્ટલ ફ્રેરેની પ્રગતિશીલ નીતિઓનું પરિણામ હતું એમ જણાવતાં આર્કિયોલૉજિસ્ટ આનંદ કોઠારી ફાઉન્ટનના ઇતિહાસનું વર્ણન કરતાં કહે છે, ‘આ સમય દરમિયાન તેમણે શહેરના વિસ્તરણ માટે ૧૭મી સદીના બૉમ્બે કિલ્લાની દીવાલો તોડી પાડવાનો ક્રાન્તિકારી નિર્ણય લીધો હતો. આ નિર્ણયથી દક્ષિણ મુંબઈમાં વેપારી પ્રવૃત્તિઓ માટે વિશાળ જગ્યા ખુલ્લી થઈ, જેના કારણે ફોર્ટ વિસ્તારનું અર્બનાઇઝેશન થવાની શરૂઆત થઈ. ૧૮૧૮ સુધીમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મરાઠા સામ્રાજ્યને હરાવીને પેશવાપદ નાબૂદ કરી નાખ્યાં હતાં અને સમય જતાં ૧૮૫૮ સુધીમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી ભારતનો વહીવટ પૂર્ણપણે અંગ્રેજોએ પોતાના હાથમાં લઈ લીધો હોવાથી બૉમ્બે વેપારી કેન્દ્ર બની ગયું હતું. ફ્લોરા ફાઉન્ટન બૉમ્બેના આધુનિકીકરણ અને વિસ્તરણની યોજનાનો ભાગ હતો. કિલ્લાની દીવાલો તોડવાનો નિર્ણય જ એ વાતનો પુરાવો હતો કે બ્રિટિશરો સુરક્ષા કરતાં વહીવટી અને વેપારી વિકાસને વધુ મહત્ત્વ આપી રહ્યા હતા.’
સ્થાપત્યકલા
ફાઉન્ટનના આર્કિટેક્ચર વિશે સમજાવતાં આનંદ કોઠારી કહે છે, ‘ફાઉન્ટન બનાવવાનો વિચાર એ સમયના બૉમ્બેની હૉર્ટિકલ્ચરલ સોસાયટી દ્વારા આપવામાં આવ્યો હતો અને એ બૉમ્બેના ગવર્નર સર હેનરી બાર્ટલ ફ્રેરેની વિકાસયોજનાનો ભાગ હતો. આ શિલ્પ બનાવવાનું શ્રેય શિલ્પકાર આર. નૉર્મન શૉ અને જૉન ફોસ્ટરને આપવામાં આવે છે અને આ પ્રતિમા જે. સ્કૉટ દ્વારા લંડનમાં બનાવવામાં આવી હતી. એ સમયે એનો કુલ ખર્ચ લગભગ ૪૭,૦૦૦ જેટલો થયો હતો જે એ દિવસોમાં મોટી રકમ ગણાતી હતી. ફ્લોરા ફાઉન્ટન ૩૨ ફુટ ઊંચો છે. એમાં ફ્લોરા દેવીની પ્રતિમાની ઊંચાઈ સાત ફુટ જેટલી છે. એ યુરોપિયન કલા અને સ્થાપત્યનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આ મુખ્યત્વે યુરોપના ગૉથિક કલ્ચરના પ્રભાવ હેઠળ બનાવવામાં આવ્યું છે. બ્રિટિશરો રોમન કલ્ચરને બૉમ્બેમાં શા માટે લાવ્યા એવા પ્રશ્નો પણ ઘણા લોકોને થયા હતા. એની પાછળ પણ કારણ છે. યુરોપિયન સ્થાપત્ય અને કલામાં ગ્રીક અને રોમન શૈલીને શુદ્ધતા, સૌંદર્ય અને સભ્યતાનું સર્વોચ્ચ પ્રતીક માનવામાં આવતી હતી. બ્રિટન પોતે રોમન સામ્રાજ્યના વારસાનો એક ભાગ હોવાનો દાવો કરતું હોવાથી ભારતમાં પણ યુરોપિયન કલ્ચર ઝળકે એવી ઇચ્છા બ્રિટિશરોની હતી.
શિલ્પના નિર્માણ માટે ઇંગ્લૅન્ડથી આયાત કરાયેલા પોર્ટલૅન્ડ સ્ટોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઇંગ્લૅન્ડથી આયાત કરવામાં આવતો સૌથી મોંઘો પોર્ટલૅન્ડ સ્ટોન એક પ્રકારનો ચૂનાનો પથ્થર છે. આ પથ્થર મુખ્યત્વે ઇંગ્લૅન્ડમાં ડૉર્સેટ કાઉન્ટીના કિનારે આવેલા પોર્ટલૅન્ડ ટાપુ પરથી ખોદીને કાઢવામાં આવે છે. એ જુરાસિક યુગનો હોવાથી સામાન્ય રીતે એનો રંગ ઑફવાઇટ હોય છે. આ પથ્થર આમ ટકાઉ હોય છે પણ કોતરણી માટેની સરળતા અને કોઈ પણ પ્રકારના હવામાન સામે ટકી રહેવાની ક્ષમતા માટે જાણીતો છે. બ્રિટનમાં પોર્ટલૅન્ડ સ્ટોનનો ઉપયોગ રોમન સમયથી શરૂ થયો છે અને એ લંડન શહેરની ઓળખ બની ગયો છે. સેન્ટ કથીડ્રલ, લંડન બ્રિજ અને બકિંગહૅમ પૅલેસના નિર્માણમાં આ પથ્થરનો ઉપયોગ થયો છે. ફાઉન્ટનની ટોચ પર ૭ ફુટ ઊંચી રોમન દેવી ફ્લોરાની પ્રતિમા સ્થાપિત છે જે ફૂલો, વસંત અને ફળદ્રુપતાનું પ્રતિનિધિત્વ કરે છે. બ્રિટિશરો દ્વારા રોમન ક્લાસિકલ આર્ટનો ઉપયોગ સભ્યતા અને સમૃદ્ધિની યુરોપિયન વિભાવનાઓ પ્રદર્શિત કરવા માટે કરવામાં આવ્યો હતો. દેવી ફ્લોરાના પગ પાસે ચાર માછલીઓ કંડારેલી છે. ફાઉન્ટન પર સિંહનાં ૨૦ માથાં કોતરવામાં આવ્યાં છે. પાયાના ચાર ખૂણામાં બનાવેલાં શિલ્પો અનાજ અને વનસ્પતિજન્ય ખોરાકનું પ્રતિનિધિત્વ કરે છે. આના પરથી એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે શિલ્પ બનાવવામાં ભારતીય શિલ્પકારોનો પણ હાથ રહ્યો છે. જોકે હજી સુધી એના કોઈ પુરાવા મળ્યા નથી.’
પરિવર્તનનું કેન્દ્ર
૧૮૬૦ના દાયકામાં મુંબઈની ઝડપી વૃદ્ધિ અને વેપારી પ્રવૃત્તિઓ માટે જગ્યા ઓછી પડતી હતી. કિલ્લાની જૂની દીવાલો તોડવાથી દક્ષિણ મુંબઈના ફોર્ટ માટે નવી જગ્યા ખૂલી અને આધુનિક શહેરના આયોજન માટે માર્ગ મોકળો થયો. ફ્લોરા ફાઉન્ટનનું નિર્માણ ૧૮૬૪માં થયું ત્યારે એ સમય બૉમ્બે બ્રિટિશ સામ્રાજ્યના મુખ્ય વેપારી કેન્દ્ર તરીકે વિકસી રહ્યું હતું. આ ફાઉન્ટન એ સ્થળે રાખવામાં આવ્યો જ્યાં પહેલાં બૉમ્બે ફોર્ટનું મુખ્ય પ્રવેશદ્વાર હતું. કિલ્લાની દીવાલો તોડ્યા પછી આ વિસ્તાર શહેરના નાગરિક જીવનના નવા કેન્દ્ર તરીકે વિકસ્યો એટલે ફ્લોરા ફાઉન્ટન બૉમ્બેના પરિવર્તનનું પ્રતીક બની ગયો. સર હેનરી બાર્ટલ ફ્રેરેના શહેરી વિકાસ કાર્યક્રમ હેઠળ બૉમ્બેને નવી રીતે ગોઠવવાનો નિર્ણય લેવાયો. ત્યારે આ ફાઉન્ટન બૉમ્બે બ્યુટિફિકેશન સ્કીમનો ભાગ હતો. જ્યારે શિલ્પકામ પૂર્ણ થયું ત્યારે આ સ્મારકને વિક્ટોરિયા ગાર્ડન એટલે કે આજના ભાયખલામાં સ્થિત રાણીબાગ તરીકે ફેમસ વીરમાતા જીજાબાઈ ઉદ્યાનમાં સ્થાપિત કરવાનો વિચાર હતો. જોકે બાદમાં એને ચોકમાં જ રાખવાનો નિર્ણય લીધો. જેમ લંડનમાં બિગ બેન અને પૅરિસમાં આઇફલ ટાવર છે એમ મુંબઈના ઇતિહાસ અને સૌંદર્યનું વિઝ્યુઅલ આઇકન ફ્લોરા ફાઉન્ટન બની ગયો છે એમ કહેવું ખોટું નથી. એને યુનેસ્કો એશિયા-પૅસિફિક હેરિટેજ કન્ઝર્વેશન અવૉર્ડ્સ હેઠળ ૨૦૧૯ના એપ્રિલમાં માન્યતા મળી હતી અને ત્યાર બાદથી એ પર્યટનનું મુખ્ય આકર્ષણ બન્યો છે. હેરિટેજ વૉક્સ અને યુનેસ્કો ગાઇડેડ ટૂર્સમાં આ ફાઉન્ટન મહત્ત્વનું સ્થાન ધરાવે છે.’
રોચક તથ્યો
ફ્લોરા ફાઉન્ટન જે ચોક પર સ્થિત છે એનું મૂળ નામ ફાઉન્ટન ચોક હતું પણ ૧૯૬૦માં સંયુક્ત મહારાષ્ટ્ર આંદોલન દરમિયાન પોલીસ દ્વારા થયેલા ગોળીબારમાં આંદોલનકારીઓ શહીદ થતાં તેમની યાદમાં આ ચોકનું નામ બદલીને હુતાત્મા ચોક કરવામાં આવ્યું હતું. જોકે ઘણા લોકો આજે પણ આ એરિયાને ફાઉન્ટનના નામથી જ જાણે છે.
ફ્લોરા ફાઉન્ટનનું મૂળ નામ બૉમ્બેના તત્કાલીન ગવર્નર સર હેનરી બાર્ટલ ફ્રેરેના સન્માનમાં ફ્રેરે ફાઉન્ટન રાખવાનો વિચાર હતો, પણ એના અનાવરણ પહેલાં જ એનું નામ રોમન દેવી ફ્લોરાના નામ પરથી ફ્લોરા ફાઉન્ટન રાખવામાં આવશે એવું નક્કી થયું.
૧૮૬૪માં ૪૭,૦૦૦ રૂપિયાના ખર્ચે ફ્લોરા ફાઉન્ટનનું નિર્માણ થયું હતું. આ રકમમાંથી ૨૦,૦૦૦ ધનાઢ્ય પારસી ઉદ્યોગપતિ કર્સેટજી ખરદૂનજી પારેખે આપ્યા હતા.
ફ્લોરા ફાઉન્ટન ભારતનો કદાચ પહેલો ફાઉન્ટન છે. આ ફાઉન્ટનથી પ્રેરાઈને કલકત્તા અને મદ્રાસમાં પણ ફાઉન્ટન બાંધવાનું ચલણ વધ્યું હતું.
૨૦૧૭-’૧૯માં મુંબઈ મહાનગરપાલિકા દ્વારા રીસ્ટોરેશનનું કાર્ય હાથ ધરાયું હતું. એમાં લેઝર સ્કૅનિંગ, વૉટરપ્રૂફિંગ અને લાઇટિંગ જેવી નવી ટેક્નિક્સનો ઉપયોગ થયો હતો. રીસ્ટોરેશનના કામ પહેલાં ફાઉન્ટનની યોગ્ય રીતે જાળવણી થઈ નહોતી પણ એની સફાઈ કર્યા બાદ મૂળ બેજ કલરમાં દેખાવા લાગ્યું. આ દરમિયાન ફાઉન્ટનની નીચે કૉન્ક્રીટથી સીલ કરેલી એક ગુપ્ત ચેમ્બર મળી આવી હતી જેમાં વૉટર-એન્જિનિયરિંગની જટિલ હાઇડ્રોલિક સિસ્ટમ છુપાયેલી હતી. શિલ્પો પરની વિગતો પુનઃસ્થાપિત થતાં એક આકૃતિ પર ચોટલો અને બીજી પર સ્મિત જેવી સૂક્ષ્મ કલાત્મક વિગતો ફરીથી સ્પષ્ટ થઈ હોવાનું પણ કહેવાય છે.


