જાવેદ અખ્તર સાવ સાચી ફિકર કરે છે પણ મુંબઈગરાને “હર ફિક્ર કો ધુંએ મેં” ઉડાવતાં આવડે છે કારણ કે મુંબઈ જીવે છે, બેસુમાર જીવે છે. અગવડોને ઑફિસ બૅગમાં ભરીને જીવે છે. તકલીફોને ટ્રેનમાં ટિંગાડીને જીવે છે.
પ્રતીકાત્મક તસવીર
સબ કા ખુશી સે ફાંસલા એક કદમ હૈ; હર ઘર મેં બસ એક હી કમરા કમ હૈ...
જાવેદ અખ્તર સાવ સાચી ફિકર કરે છે પણ મુંબઈગરાને “હર ફિક્ર કો ધુંએ મેં” ઉડાવતાં આવડે છે કારણ કે મુંબઈ જીવે છે, બેસુમાર જીવે છે. અગવડોને ઑફિસ બૅગમાં ભરીને જીવે છે. તકલીફોને ટ્રેનમાં ટિંગાડીને જીવે છે. ગલીએ-ગલીએ ગભરામણ છે તો નાકે-નાકે નાનકડી દેરીઓ પણ છે. સિંદૂરિયા દેવમાં મુંબઈકરને ગજબની આસ્થા છે. ચોરે ને ચૌટે માથું નમાવી બેફિકરાઈથી જીવે છે. સાંજ પડે બૉસની રોકટોકને દરિયામાં નાખીને જીવે છે. મિત્રોની મહેફિલમાં રોજ રીચાર્જ થાય છે. સપનાના પ્રદેશનો પાસપોર્ટ અહીં દરેકને ફ્રીમાં મળે છે. ક્યોંકિ યે બમ્બઈ હૈ બાબુ!
ટ્રેનમાં હોળી રમે છે, પત્તાં રમે છે, જન્માષ્ટમીની મટકી ફોડે છે, ગણેશસ્થાપન કરે છે. ટ્રેનમાં જ ગરબાય રમે છે ને દિવાળીની મીઠાઈ પણ વહેંચે છે. મુંબઈ જીવે છે, બેસુમાર જીવે છે.
ADVERTISEMENT
નાનકડી ખોલીમાં કોઈ દોસ્ત રહેતો હોય તો પણ મુંબઈગરો સુગાળવું મોં નથી કરતો કારણ કે એ કદાચ તેનો ભૂતકાળ હોઈ શકે. અને ભવિષ્ય અહીં કેટલું અનિશ્ચિત છે! ભાગ્યનું ચક્ર ક્યારે કેટલું ફાસ્ટ ફરી જાય એ કહેવાય નહીં. હોટેલ પાસેનો રેંકડીવાળો એ જ હોટેલનો માલિક બની જાય છે. દરિયાકિનારાના ફ્લૅટમાં રહેનારો પડખાં ઘસે ને એ જ બિલ્ડિંગની ફુટપાથ પર રહેનારો ઠંડી હવાની બાદશાહી ઊંઘ ભોગવે છે. ભુલેશ્વરની જય હિન્દ એસ્ટેટના ટૂ-રૂમમાં રહેનારા દેશ ‘આખ્ખાના રિચેસ્ટ’ માનવી બની જાય છે. દસ-દસ રૂપિયાના શૅરના કાગળની મિલકત પર હજ્જારો મુંબઈગરાને જીવનમાં લાખ્ખો ખર્ચતા કરી મૂકે છે. તો વળી સાત દિવસની સાત અલગ ગાડીમાં ફરનારા અલબેલાને જીવનની સંધ્યા કોઈ ચાલીની સિંગલ રૂમમાં એકલપેટે ગુજારવી પડે છે, કિસ્મત કી હવા કભી નરમ કભી ગરમ ગાતાં-ગાતાં. ક્યોંકિ યે બમ્બઈ હૈ બાબુ!
મુંબઈ એક વિશાળ ઘર છે. ચારે તરફ ખુલ્લા દરવાજાવાળું. બધ્ધા માટે ખુલ્લું. પણ એક વાર જે અહીંથી બહાર જાય છે તે આ પૂચ્છ વિનાની મગરીને પછી તરસે છે, જીવનભર. કારણ મુંબઈ જીવે છે, બેસુમાર જીવે છે.
બાય ધ વે, મેરી જાન મેરી જાન સન્ડે કે સન્ડે ભરપૂર જીવતી મુંબઈ માઝી લાડકી આહે, તુમચી?


