છેક ૧૯૯૭માં હાઈ કોર્ટે આ જંગલને બચાવવા માટે ગેરકાયદે ઝૂંપડાં હટાવીને ફરતે સેફ્ટી-વૉલ બાંધવાનો આદેશ આપ્યો હતો. આજ સુધી એનું કોઈ પાલન નથી થયું.
પ્રતીકાત્મક તસવીર
છેક ૧૯૯૭માં હાઈ કોર્ટે આ જંગલને બચાવવા માટે ગેરકાયદે ઝૂંપડાં હટાવીને ફરતે સેફ્ટી-વૉલ બાંધવાનો આદેશ આપ્યો હતો. આજ સુધી એનું કોઈ પાલન નથી થયું. કાયદાકીય ગૂંચવણો, રાજકીય અડચણો અને માનવ-અધિકારના પડકારો વચ્ચે મુંબઈનાં ‘ગ્રીન લંગ્સ’ને બચાવવાનો સંઘર્ષ વધુ ને વધુ પેચીદો થતો જાય છે
માત્ર ભારતની જ નહીં પણ આખી દુનિયાની અજાયબી છે મુંબઈનો સંજય ગાંધી નૅશનલ પાર્ક. દુનિયાનો એકમાત્ર એવો નૅશનલ પાર્ક જે ચારેય બાજુ શહેરીકરણ પછીયે સચવાયો છે. સંજય ગાંધી નૅશનલ પાર્કને મુંબઈનાં ફેફસાં માનવામાં આવે છે. ભારતને આઝાદી મળી એ પહેલાં કૃષ્ણગિરિ નૅશનલ પાર્ક તરીકે જાણીતું આ સ્થાન લગભગ ૨૪૦૦ વર્ષનો ઇતિહાસ ધરાવે છે. બૌદ્ધ સાધુઓએ ચોથી સદીમાં અહીં કાન્હેરી ગુફા બનાવી. એ સમયે આ મહત્ત્વનો વેપારી માર્ગ ગણાતો. આઝાદી પછી ૧૯૬૯માં એને ઑફિશ્યલી નૅશનલ પાર્કનો દરજ્જો મળ્યો અને ૧૯૮૧માં એનું નામ બોરીવલી નૅશનલ પાર્કથી બદલીને સંજય ગાંધી નૅશનલ પાર્ક કરવામાં આવ્યું. લગભગ ૧૦૪ ચોરસ કિલોમીટરનો વિસ્તાર ધરાવતા સંજય ગાંધી નૅશનલ પાર્કમાં લગભગ દસ-બાર ટકા એરિયામાં ગેરકાયદે એન્ક્રોચમેન્ટ છે જેને હટાવવા છેલ્લાં ત્રીસ વર્ષથી ફાઇટ ચાલી રહી છે.
ADVERTISEMENT
વિવાદનું બૅકગ્રાઉન્ડ સમજીએ
૧૯૯૫ની પહેલી જાન્યુઆરી પહેલાં જે લોકો નૅશનલ પાર્કમાં રહેતા હતા તેમને નૅશનલ પાર્કમાંથી સ્થળાંતરિત કરીને બીજી જગ્યાએ રીહૅબિલિટેટ કરો એવો આદેશ ૧૯૯૭માં હાઈ કોર્ટે પાસ કર્યો. ૨૮ વર્ષમાં આજ સુધી એ દિશામાં કોઈ જ કન્સ્ટ્રક્ટિવ કામ થયું નથી. આ સંદર્ભે ગયા વર્ષે ‘કન્ઝર્વેશન ઍક્શન ટ્રસ્ટ’ દ્વારા સરકાર વિરુદ્ધ ૧૯૯૭ના ઑર્ડરનું પાલન ન કરવા બદલ કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટની જનહિતની યાચિકા દાખલ થઈ ત્યારથી આ મુદ્દો ફરી ગરમાયો છે. આ યાચિકાની સુનાવણીમાં હાઈ કોર્ટે બે મુખ્ય બાબત પર ભાર મૂક્યો હતો. નૅશનલ પાર્કની ફરતે બાઉન્ડરી વૉલ બનાવો અને પુનર્વસન માટે પાત્ર પરિવારોને તાત્કાલિક બીજી જગ્યાએ શિફ્ટ કરીને નૅશનલ પાર્કને સંપૂર્ણ એન્ક્રોચમેન્ટ-ફ્રી કરો. એ માટે ફૉરેસ્ટ વિભાગ અને સરકારને હાઈ કોર્ટે ૧૫ મેએ છ અઠવાડિયાંનો સમય આપ્યો હતો જે પૂર્ણ થઈ ગયો છે. જોકે એ પછી બે વાર કોર્ટની તારીખ એક યા બીજા કારણે લંબાવાઈ અને હવે ૧૧ ઑગસ્ટે ફરી આ કેસની સુનાવણી થશે.
કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટની જનહિત યાચિકાના પગલે સંજય ગાંધી નૅશનલ પાર્કનાં ડિરેક્ટર અનીતા પાટીલે બૉમ્બે હાઈ કોર્ટમાં એક ઍફિડેવિટ ફાઇલ કરી છે જેમાં એલિજિબલ એન્ક્રોચરને રીહૅબિલિટેટ કરવા માટે જે પ્રયાસો થયા છે એની વિગતો આપવામાં આવી છે. દસ ઑલ્ટરનેટ જગ્યાઓ પુનર્વસન માટે પ્રપોઝ કરવામાં આવી હતી, પરંતુ થાણેના કલેક્ટર અને મ્હાડા દ્વારા ઇન્સ્પેક્શન વખતે એ સ્થાન પર સ્થળાંતર માટે વ્યવહારુતાના ગંભીર મુદ્દા વ્યક્ત કરવામાં આવ્યા હતા. બીજું, આ ઍફિડેવિટમાં એમ પણ કહેવાયું છે કે મે મહિનામાં નૅશનલ પાર્કમાં ગેરકાયદે ઊભા કરવામાં આવેલા કમર્શિયલ સ્ટ્રક્ચરને તોડવામાં પણ અસફળતા મળી હતી અને એને વારંવાર પોસ્ટપોન કરવું પડ્યું હતું, કારણ કે કોઈક વાર પોલીસની ગેરહાજરી હતી તો ક્યારેક ખરાબ વાતાવરણ હતું અને છેલ્લે જ્યારે બધી જ તૈયારીઓ સાથે વનવિભાગના અધિકારીઓ ગેરકાયદે બાંધકામ તોડવા પહોંચ્યા તો એ સમયે લોકલ રાજકારણી સાથે આવેલા વિશાળ ક્રાઉડને કારણે થયેલા પ્રોટેસ્ટને પગલે એ મોકૂફ રાખવું પડ્યું હતું. ઍફિડેવિટમાં એ પણ સજેસ્ટ કરવામાં આવ્યું છે કે તબક્કાવાર જ્યાં સુધી ત્યાં રહેતા લોકોને સ્થળાંતરિત કરવાનો પ્લાન અમલમાં ન મુકાય ત્યાં સુધી ત્યાં રહેલી ગેરકાયદે કમર્શિયલ પ્રૉપર્ટી પર પણ ઍક્શન લેવાનું કામ અઘરું છે.
નો ડેવલપમેન્ટ ઝોનમાં થશે શિફ્ટ?
થોડાક દિવસો પહેલાં અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટે જાહેર કર્યું કે નૅશનલ પાર્કના ઝૂંપડાવાસીઓ માટે ‘ડેવલપમેન્ટ કન્ટ્રોલ ઍન્ડ પ્રમોશન રેગ્યુલેશન્સ (DCPR)-૨૦૨૪’ અંતર્ગત આવતા ‘નો ડેવલપમેન્ટ ઝોન’ના નિયમમાં ફેરફાર કરવામાં આવશે અને સંજય ગાંધી નૅશનલ પાર્કમાં વસતા લગભગ ૨૦૦૦ જેટલા આદિવાસી પરિવારોને આખા મુંબઈમાં હવે કોઈ જગ્યા ન વધી હોવાથી નો ડેવલપમેન્ટ ઝોનમાં જગ્યા ફાળવીને ત્યાં સ્થળાંતરિત કરવામાં આવશે. એની નોંધ હાઈ કોર્ટમાં સબમિટ કરાયેલા ઍફિડેવિટમાં પણ છે. જોકે પ્રકૃતિના સંવર્ધકોએ આનો પણ વિરોધ કર્યો છે. અહીં ખૂબ જ આક્રોશમય સૂર સાથે એક અગ્રણી ઍક્ટિવિસ્ટ કહે છે, ‘ભૂતકાળમાં તમે સ્થળાંતરિત કરેલા લોકો ત્યાં જ રહે છે કે નહીં એની કોઈ તપાસ કરી નથી અને હવે નેચરના સંવર્ધનની દૃષ્ટિએ જે જગ્યાઓ નો ડેવલપમેન્ટ ઝોનમાં ફાળવવામાં આવી છે એના પર કબજો કરવાનું વિચારી રહ્યા છો? તમે વિચાર તો કરો કે તમારા નાક નીચે હજારો નવાં ઝૂંપડાંઓ જંગલની જમીન પર બેધડક પનપી રહ્યાં હોય, એમને વીજળી ને પાણી મળી રહ્યાં હોય એ શક્ય જ કેવી રીતે છે? સ્લમ-લૉર્ડ્સની ખુલ્લી દુકાન ચાલે છે. પાંચ હજાર રૂપિયે તમને પણ ભાડા પર ઝૂંપડું જોઈતું હશે તો અહીં મળી જશે અને છતાં BMC, રેવન્યુવાળા, ફૉરેસ્ટ વિભાગવાળા એમ કોઈ જ ઍક્શન નથી લેતું. લોકલ રાજકારણીઓના સપોર્ટ વગર આ સંભવ છે? બધું જ ખુલ્લેઆમ થઈ રહ્યું છે, પણ કોર્ટનું નથી સાંભળતા તો આપણી તો શું વિસાત અહીં? એ વાત યાદ રહે કે સંજય ગાંધી નૅશનલ પાર્ક આપણી બહુ જ મોટી ઍસેટ છે. જો તમે સિટી બચે એવું ઇચ્છતા હો તો તમારે નૅશનલ પાર્કના સર્વાઇવલ માટે વિચારવું પડશે.’
યે દીવાર કબ બનેગી?
આપાપાડા, યેઉર, શાસ્ત્રીનગર, કેતકીપાડા જેવા લગભગ દરેક વિસ્તારમાં લોકો રહે છે. ‘વનશક્તિ’ નામની પર્યાવરણ માટે કામ કરતી સંસ્થાના ફાઉન્ડર સ્ટૅલિન બી કહે છે, ‘તમે કોઈ જગ્યાએ ગેરકાયદેસર ઘર બનાવીને રહી શકો? આજે સ્થિતિ એવી છે કે ઇલ્લીગલી ફૉરેસ્ટની જગ્યા પર ઘરો જ નહીં, ઇન્ડસ્ટ્રીઝ ને દુકાનો પણ આવી ગયાં છે. આ બધાંને
વીજળી-પાણી મળી રહ્યાં છે. તેમને રીલોકેટ કરવાં અઘરાં છે. સ્થળાંતરની વાત જવા દો, સતત નવાં ઝૂંપડાંઓનો ઉમેરો થઈ રહ્યો છે. સૌથી પહેલાં એને અટકાવવા જે ખાલી જગ્યા છે એ પાર્કમાં સમાવવા બાઉન્ડરી-વૉલ બનાવો. એ ખૂબ જ તાત્કાલિક થવું જોઈએ. બાકી આટલા હજારો લોકોને રીલોકેટ કરવાનું કામ અસંભવ છે. બીજાં ૨૮ વર્ષ નીકળી જશે તોય એ નહીં થાય. બીજું, ધારો કે અમુક ટકા લોકોને રીલોકેટ કરવામાં સફળતા મળે તો સરકારને નિવેદન છે કે દરેકેદરેક સભ્યના બાયોમેટ્રિક્સ લો અને પછી તેમને નવું ઘર અલૉટ કરો. એટલે ધારો કે તેઓ પાછા અહીં નવાં ઝૂંપડાં બાંધે તો પકડાઈ જાય, સરકાર પાસે રેકૉર્ડ રહે.’
અહીં ઉલ્લેખનીય છે કે
બાઉન્ડરી-વૉલની દિશામાં પણ એક લેટેસ્ટ ડેવલપમેન્ટ થયું. ૧૯૯૭માં મુંબઈ હાઈ કોર્ટે સંજય ગાંધી નૅશનલ પાર્કની ફરતે દીવાલ બનાવવાનું સૂચન આપ્યું હતું. કુલ ૧૫૪.૬ કિલોમીટરના વિસ્તારમાંથી ૭૬.૪૨૩ કિલોમીટરના વિસ્તારમાં વિવિધ પ્રાઇવેટ પ્રૉપર્ટીની વૉલને કારણે અલગથી વૉલ બનાવવાની જરૂર નહોતી. એટલે વધેલા કુલ ૪૯.૪૬ કિલોમીટરની બાઉન્ડરી-વૉલનો પ્રોજેક્ટ હતો. રાજ્ય સરકાર પાસેથી મળેલા ક્લિયરન્સ બાદ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (PWD) દ્વારા ૨૦૧૭ના નવેમ્બરમાં એનું કામ શરૂ થયું અને ત્યારથી આજ સુધી ૨.૩૭ કિલોમીટરની વૉલ બાંધી શકાઈ હતી. એ પછી વિવિધ ઘર્ષણના નામે આ કામને અટકાવી દેવાયું હતું. હવે ૨૮ વર્ષ પછી ફરી રાજ્ય સરકારે આ કામ શરૂ કરવા માટે ૧૯૪ કરોડ રૂપિયા પણ ફાળવ્યા છે. જોકે અહીં પણ નેચર-ઍક્ટિવિસ્ટોનો અનુભવ તો એ જ કહે છે કે ભલે પૈસા ફાળવાયા હોય, આ કામ કંઈ આગળ વધવાનું નથી.
પ્રયાસો થયા છે, પણ...
ફૉરેસ્ટ વિભાગે પણ પોતાના સ્તર પર ઘણી વાર એન્ક્રોચમેન્ટને હટાવવા માટેના પ્રયાસો કર્યા છે એમ જણાવીને અહીં ફૉરેસ્ટ વિભાગના એક અગ્રણી અધિકારી કહે છે, ‘એ કામ સરળ નથી. સ્ટેટ પાસેથી પૂરતો સહયોગ નથી. મહાનગરપાલિકા, પોલીસ, રેવન્યુ વિભાગ, સ્લમ રીહૅબિલિટેશન ઑથોરિટી (SRA), મ્હાડા એમ ઘણાબધા લેવલ પર આ કામ જોડાયેલું છે. બધા જ ઍક્શનમાં આવે તો કામ સંભવ છે. બીજું, અત્યાર સુધી એવા પ્રયાસો થયા છે જેમાં ટોટલી ગેરકાયદે હોય એવા એન્ક્રોચમેન્ટને હટાવવામાં આવ્યાં તો એમાં સાથે જોડાયેલા અને જેમને રીહૅબિલિટેટ કરવાનાં હતાં એવાં ઝૂંપડાંઓને પણ ડૅમેજ થયું હોય તો તેઓ ફરિયાદ લઈને ગયા. એક વાર જે ઝૂંપડાંઓને રીલોકેટ કરવાનાં છે એ લોકોને એક-એક એરિયાને કવર કરીને તેમને સ્થળાંતરિત કરાય અને બાકીનાં ગેરકાયદેસર ઝૂંપડાંને સાથે હટાવાય તો જ આ કામ સંભવ થશે. એક-એક વિસ્તારને ફોકસ કરો અને સ્ટેપ-બાય-સ્ટેપ આગળ વધો. પણ એમાં સૌથી પહેલાં જેમણે સાત હજાર રૂપિયા ભરીને રીહૅબની માન્યતા મેળવી છે તેમના માટે ઘર હોવાં જરૂરી છે જે અમારા હાથમાં નથી.’
જંગલનો સતત ધ્વસ્ત
થોડાક સમય પહેલાં પુણે યુનિવર્સિટીના પ્રોફેસરે ‘અસેસિંગ ફૉરેસ્ટ હેલ્થ ઑફ સંજય ગાંધી નૅશનલ પાર્ક’ના નામે એક અભ્યાસ રજૂ કર્યો હતો, જેના તારણમાં કહેવામાં આવ્યું કે સંજય ગાંધી નૅશનલ પાર્કનું ૩૯. ૫૨ ટકા જંગલ આછું થઈ ગયું છે એટલે કે ગીચ વૃક્ષો ઘટ્યાં છે. ગીચતા હોય એવો જંગલનો વિસ્તાર હવે માત્ર ૩.૩૬ ટકા જેટલો જ બચ્યો છે. યુરોપિયન સૅટેલાઇટ ‘સેન્ટિનેલ 2A’ દ્વારા મળેલી હાઈ રેઝોલ્યુશન ઇમેજ, જ્યોગ્રાફિક ઇન્ફર્મેશન સિસ્ટમ સૉફ્ટવેર, વિવિધ વનસ્પતિના ઇન્ડિકેટર વગેરે થકી આ ડેટા મેળવવામાં આવ્યો હતો. આની પાછળનાં કારણોમાં પણ મુખ્ય કારણ વધી રહેલા એન્ક્રોચમેન્ટને ગણાવવામાં આવ્યું છે.
એક તરફ ઝૂંપડાવાસીઓનો ગેરકાયદે પગપેસારો તો બીજી બાજુ સરકારની પણ ડેવલપમેન્ટના નામે જંગલનો ખાતમો બોલાવવાની ઝુંબેશ ચાલી રહી હોય એવાં કામ થઈ રહ્યાં છે. અહીં ઉલ્લેખનીય છે કે આ અતિક્રમણને કારણે વન્યસૃષ્ટિને પણ નુકસાન થયું જ છે. એ વિશે વાત કરતાં વાઇલ્ડલાઇફ માટે સક્રિયપણે કામ કરતાં કૃષ્ણા તિવારી કહે છે, ‘ઘણા જીવો નૅશનલ પાર્કમાંથી ખતમ થઈ રહ્યા છે. જેમ કે હાયના નૅશનલ પાર્કમાં જોવા મળતાં હતાં પરંતુ એનું સાઇટિંગ લગભગ બંધ થઈ ગયું. છેલ્લે ૨૦૦૩માં એ જોવા મળેલું. શિયાળ, શાહુડી જેવા જીવો પણ નૅશનલ પાર્કમાંથી જાણે કે ગાયબ જ થઈ ગયા છે. એકમાત્ર લેપર્ડની સંખ્યા છે જેમાં પણ હ્યુમન કૉન્ફ્લિક્ટને કારણે ડેન્જર ઊભો થયો છે.’
કેટલા પરિવારોનું એન્ક્રોચમેન્ટ?
ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટના રેકૉર્ડ મુજબ સંજય ગાંધી નૅશનલ પાર્કમાં રીસેટલમેન્ટ ઍન્ડ રીહૅબિલિટેશન હાઉસ અંતર્ગત સાત હજાર રૂપિયા ભરીને હાઈ કોર્ટના આદેશ મુજબ રીહૅબિલિટેશન માટે એલિજિબલ પરિવારોની સંખ્યા ૨૫,૧૪૪ છે જેમાંથી ફેઝ વન અંતર્ગત ૧૧,૩૫૯ને ચાંદિવલીમાં રીલોકેટ કરવામાં આવ્યા હતા. ફેઝ વનના હજી પણ ૨૯૯ પરિવારો અને ફેઝ ટૂના ૧૩,૪૮૬ પરિવારોને રીહૅબિલિટેટ કરવાના બાકી છે. જોકે ઇલ્લીગલ અને સરકારના રીહૅબ પ્લાનમાં અનફિટ ગણાતા પરિવારોનો આંકડો પણ લગભગ ૨૫,૦૦૦થી વધુનો માનવામાં આવે છે.
આખો મુદ્દો અટવાયો છે એમાં ક્યાંક રાજકારણીઓનું ઇન્વૉલ્વમેન્ટ પણ છે જવાબદાર?
એક સમયે લગભગ ૬૦ હજારથી ૮૦ હજારની આસપાસના (યસ, અંદાજિત આંકડામાં આટલું મોટું વેરિએશન છે) પરિવારો સંજય ગાંધી નૅશનલ પાર્કમાં દહિસરથી આરે, ભાંડુપ અને મુલુંડ સુધી વિસ્તરેલા છે. નૅશનલ પાર્કમાં સૌથી વધુ વિવાદિત કોઈ સ્થળ હોય તો એ છે કેતકીપાડાનો વિસ્તાર. કહેવાય છે કે સંજય ગાંધી નૅશનલ પાર્ક જ્યારે બન્યો એ સમયે ઘણીબધી જમીન સરકારે ફૉરેસ્ટ લૅન્ડ અંતર્ગત હસ્તગત કરી હતી. એ સમયે કેતકીપાડાની જમીન પ્રાઇવેટ પ્રૉપર્ટી અંતર્ગત આવતી હતી. આ જ વાતને ધ્યાનમાં રાખીને મુંબઈ ઉપનગરીય જિલ્લાના પાલક પ્રધાન આશિષ શેલારે ફરીથી આ જમીનને કાયદાકીય રીતે ફૉરેસ્ટ લૅન્ડમાંથી બાકાત કરી દેવામાં આવે અને અહીં જ રીડેવલપમેન્ટ કરાય તેમ જ વધેલી જગ્યા ફૉરેસ્ટમાં રાખીને બાઉન્ડરી-વૉલ બની જાય તો ઇશ્યુ સૉલ્વ થઈ જાય એવી પ્રપોઝલ રાજ્ય સરકારને આપી છે. આ જ વાતને ભારતીય જનતા પાર્ટીના લોકલ નેતા પ્રવીણ દરેકરે પણ કહી હતી. ઇન ફૅક્ટ, દરેકરે તો કેતકીપાડા અને એની આસપાસના દિંડોશી સુધીની ફૉરેસ્ટ લૅન્ડ ખાલી કરવાની કોઈ જરૂર નથી એવું એક રેઝોલ્યુશન પાસ કર્યું. BJPના બોરીવલીના વિધાનસભ્ય સંજય ઉપાધ્યાયનો એને સપોર્ટ મળ્યો અને ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ કમિટીની બાંદરામાં યોજાયેલી મીટિંગમાં એ સર્વસહમતીથી પાસ પણ થઈ ગયું. એ સમયે રાજ્ય સરકારે થાણે ડિસ્ટ્રિક્ટમાં લગભગ દસ એવા પ્લૉટ પસંદ કર્યા હતા જ્યાં નૅશનલ પાર્કના એન્ક્રોચરોને શિફ્ટ કરી શકાય. જોકે એવું કહેવાઈ રહ્યું છે કે આવી રહેલા ઇલેક્શનને જોતાં રાજ્ય સરકાર આ નિર્ણય લેશે તો લગભગ મુંબઈ મહાનગરપાલિકાના પંદરથી વીસ વૉર્ડમાંથી એનો વિરોધ નોંધાશે. કેતકીપાડાના રહેવાસીઓને મુંબઈ મહાનગરપાલિકાની માલિકીની દહિસર-વેસ્ટની દસ એકર જમીન પર બિલ્ડિંગ બનાવીને શિફ્ટ કરવાનું સજેશન આપી ચૂકેલા ભૂતપૂર્વ સંસદસભ્ય અને અગ્રણી રાજનેતા ગોપાલ શેટ્ટી કહે છે, ‘કેતકીપાડાની જમીન સરકારે લીધી અને એને ફૉરેસ્ટ ઝોન જાહેર કરી એ પહેલાંથી ત્યાં લોકો રહે છે. તમે હવે તેમને એન્ક્રોચર કહીને ત્યાંથી તગેડવા માગો એ તો યોગ્ય નથીને? અમારું માત્ર એટલું જ કહેવું છે કે નજીકમાં જ તેમને રીલોકેટ કરી શકાય અને સારામાં સારું ઘર આપી દો એટલે એ લોકો શિફ્ટ થઈ જશે. કારણ વગર તેઓ છેલ્લાં ત્રીસ વર્ષથી સતત કોર્ટકચેરીના અને વિસ્થાપિત થઈ જવાના ભય તળે જીવી રહ્યા છે. તમે તેમને હટાવવાની વાત કરતાં પહેલાં તેમને નવું રહેઠાણ ક્યાં આપશો એની ચર્ચા તો કરો. જુઓ હું પણ એન્વાયર્નમેન્ટ-ફ્રેન્ડ્લી વ્યક્તિ છું અને મેં મારા જીવનમાં ઘણાં ઝાડ વાવ્યાં છે, પરંતુ તમે પ્રકૃતિને બચાવવાના નારા સાથે માનવ-અધિકારોનું શોષણ કરીને તેમને રઝળતા તો ન કરી શકોને?’
આ જ વાતનો પડઘો નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીનાં નેતા અને છેલ્લાં વીસ વર્ષથી આ મુદ્દા માટે કેતકીપાડાના રહેવાસીઓના હિત માટે લડી રહેલાં વિદ્યા ચવાણ કહે છે, ‘જરાક વિચાર કરો કે આખા મુંબઈનું ક્ષેત્રફળ લગભગ ચારસો ચોરસ કિલોમીટરની આસપાસનું છે. એક સમયે કૃષ્ણગિરિ નૅશનલ પાર્કનું ક્ષેત્રફળ માત્ર વીસ ચોરસ કિલોમીટરનું હતું. સરકારે એ સમયે જંગલ વધારતાં-વધારતાં ૧૦૪ ચોરસ કિલોમીટર જેટલું કર્યું. લગભગ સિત્તેરના દશકમાં સરકારે કેટલીયે પ્રાઇવેટ ઓનરશિપ હેઠળ આવતી જમીન ફૉરેસ્ટ હેઠળ લઈ લીધી એટલે એ પહેલાંથી ત્યાં રહેનારા લોકો તેમની કોઈ ભૂલ વિના ફૉરેસ્ટ લૅન્ડમાં આવી ગયા. કેતકીપાડામાં રહેતા પાંચ હજારથી વધારે પરિવારો છેલ્લાં ૨૮ વર્ષથી પોતાનું ઘર છીનવાઈ જવાના ભય તળે જીવી રહ્યા છે. પેઢીઓથી ત્યાં રહેતા, ત્યાંના ઘરનાં રૅશનિંગ બિલ, લાઇટ બિલ, પ્રૉપર્ટી ટૅક્સ ભરતા હોવા છતાં તેમને કહેવાઈ રહ્યા છે એન્ક્રોચર. કેતકીપાડા ફૉરેસ્ટ લૅન્ડ હતી જ નહીં અને એને અત્યારે પણ ફૉરેસ્ટ લૅન્ડના સ્ટેટસમાંથી બહાર લાવવી જોઈએ એ અમારી લડાઈ છે.’

