આગામી ફિલ્મ કાલ ત્રિઘોરીના ટ્રેલર-લૉન્ચમાં સુપરસ્ટાર ભાઈ વિશે સવાલ કરતાં અરબાઝ બરાબરનો અકળાયો
અરબાઝ ખાન
હાલમાં અરબાઝ ખાન અને રિતુપર્ણા સેનગુપ્તાની આગામી ફિલ્મ ‘કાલ ત્રિઘોરી’ના ટ્રેલર-રિલીઝની ઇવેન્ટ હતી. આ ટ્રેલર-લૉન્ચ ઇવેન્ટની વાતચીત દરમ્યાન અરબાઝને તેના મોટા ભાઈ સલમાન ખાન વિશે સવાલ પૂછવામાં આવતાં તે બરાબરનો અકળાયો હતો અને સવાલ પૂછનારને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે શું અહીં સલમાનની વાત કરવી જરૂરી છે?
આ ઇવેન્ટમાં એક રિપોર્ટરે અરબાઝને ફિલ્મ વિશે પ્રશ્નો પૂછવાને બદલે સલમાન વિશે વાત શરૂ કરી ત્યારે અરબાઝે રિપોર્ટરને કહ્યું હતું કે ‘અહીં સાચે જ સલમાનની વાત કરવી જરૂરી છે? આ પ્રશ્ન તેનું નામ લીધા વગર પણ પૂછી શકાયો હોત. આપણે આ ફિલ્મ વિશે જ વાત કરીએ તો યોગ્ય રહેશે. જોકે હું તને બહુ વર્ષોથી જાણું છું. જ્યાં સુધી તું આવા પ્રશ્નો નહીં પૂછે ત્યાં સુધી તને શાંતિ નથી મળતી.’


