કાર્યક્રમમાં ડાન્સ-પર્ફોર્મન્સને બદલે મોટા ભાગનો સમય બોરિંગ ટૉક-શોમાં પસાર થયો હોવાનો આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
માધુરી દીક્ષિતનો હાલમાં કૅનેડાના ટૉરોન્ટોમાં યોજાયેલો લાઇવ શો ભારે વિવાદમાં સપડાયો છે. સોશ્યલ મીડિયા પર અનેક લોકોએ આ શોને છેતરપિંડી ગણાવીને આક્રોશ વ્યક્ત કર્યો છે. ટૉરોન્ટોના ગ્રેટ કૅનેડિયન કસીનો રિસૉર્ટ ખાતે બીજી નવેમ્બરે યોજાયેલા આ શોનું ટાઇટલ ‘દિલ સે... માધુરી’ હતું. આ શોના પ્રમોશન માટે લખવામાં આવ્યું હતું કે ‘ટૉરોન્ટો, તમે તૈયાર છો? બૉલીવુડની ‘ધક ધક ગર્લ’ માધુરી દીક્ષિત સ્ટેજ પર આગ લગાવવા માટે LIVE આવી રહી છે! તેના મૅજિક, મૂવ્સ અને જાદુઈ આકર્ષણનો અનુભવ કરો - બધું એક જ રાતમાં.’
આ પ્રમોશન પછી દર્શકોને એક ધમાકેદાર કૉન્સર્ટની અપેક્ષા હતી. જોકે શોમાં હાજરી આપ્યા પછી અનેક લોકોએ સોશ્યલ મીડિયા પર પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું છે કે એ ઇવેન્ટને કૉન્સર્ટ તરીકે પ્રમોટ કરવામાં આવી હતી, પણ માધુરીએ થોડી મિનિટોનો જ પર્ફોર્મન્સ આપ્યો હતો. આ પ્રકારના મૅનેજમેન્ટને કારણે ઇવેન્ટ કૉન્સર્ટને બદલે માત્ર એક ટૉક-સેશન કે વાતચીતનો કાર્યક્રમ બની રહી હતી.
ADVERTISEMENT
આ શોમાં હાજરી આપનારા દર્શકોએે પોતાનો અનુભવ જણાવતાં કહ્યું હતું કે હજારો રૂપિયા ખર્ચીને લીધેલી ટિકિટ પર શો શરૂ થવાનો સમય સાંજે ૭.૩૦ વાગ્યાનો હતો, પરંતુ માધુરીની એન્ટ્રી રાત્રે ૧૦ વાગ્યે થઈ હતી અને આ વિલંબ માટે કોઈ માફી નહોતી માગવામાં આવી કે કોઈ સ્પષ્ટતા નહોતી કરવામાં આવી. લોકોએ આ કૉન્સર્ટને નકામી વાતોથી ભરેલો ફ્લૉપ શો ગણાવ્યો હતો.


