પ્રિયંકા ચોપડાએ હિરોઇનો સાથે થતા ભેદભાવ વિશે લાગણી વ્યક્ત કરી
પ્રિયંકા ચોપડા
પ્રિયંકા ચોપડાનો હાલમાં એક જૂનો વિડિયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં તે બૉલી વુડની કડવી વાસ્તવિકતા વિશે વાત કરી રહી છે. પ્રિયંકાએ આ વિડિયોમાં અસમાન વેતન અને પુરુષપ્રધાન સંસ્કૃતિ વિશે વાત કરી છે. આ વાઇરલ વિડિયોમાં પ્રિયંકા સ્પષ્ટપણે કહે છે કે હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં બધું જ હીરો પર કેન્દ્રિત છે. સેટ પર હિરો અને હિરોઇન બન્ને સમાન મહેનત કરે છે પરંતુ તેમની ફીમાં પણ ભારે અસમાનતા છે. તેણે કહ્યું કે ઘણી વાર હીરો નક્કી કરે છે કે શૂટિંગ ક્યારે શરૂ થશે અને બધાને તેની રાહ જોવી પડે છે, જ્યારે અભિનેત્રીઓનાં મંતવ્ય કે સમયને કોઈ મહત્ત્વ આપવામાં આવતું નથી.
બૉલીવુડમાં ફીની ચુકવણી વિશે વાત કરતાં પ્રિયંકાએ કહ્યું છે કે ‘મારી કરીઅરની શરૂઆતના દિવસોમાં એવી પરિસ્થિતિઓ જોઈ જ્યારે કોઈ ફિલ્મમાં હીરોને આપવામાં આવેલી ફીનો દસમો ભાગ પણ મને મળ્યો નહોતો. ઘણી વાર જ્યારે મેં સમાનતાની વાત ઉઠાવી તો મને ‘વધુપડતી ડિમાન્ડ કરનારી’ કે ‘ઘમંડી’ ગણવામાં આવી અને તકો પણ છીનવાઈ ગઈ.’

