મનોજ જરાંગેએ આંદોલનકારીઓને કહ્યું તો ખરું કે મુંબઈગરાઓને તકલીફ ન થવી જોઈએ, પણ....
ગઈ કાલે ઈસ્ટર્ન ફ્રીવે સંપૂર્ણપણે જૅમ હતો.
મરાઠા આંદોલનકારીઓ મોટી સંખ્યામાં પોતાનાં વાહન લઈને મુંબઈમાં દાખલ થયા હતા. ગઈ કાલે સવારે તેઓ થાણેમાં હતા. રોડની બાજુમાં જ સાથે લાવ્યા હતા એ સાધનસામગ્રીનો ઉપયોગ કરીને તેમણે રોડની બાજુમાં જ ચૂલો સળગાવીને નાસ્તો તૈયાર કર્યો હતો અને એ પછી મુંબઈ તરફ કૂચ કરી હતી.
આંદોલન માટે અનેક વાહનો સાથે મરાઠાઓ મુંબઈમાં દાખલ થયા હોવાથી મનોજ જરાંગેએ આંદોલનકારીઓને કહ્યું હતું કે ‘મુંબઈગરાઓને તકલીફ ન થવી જોઈએ. ડ્રાઇવરને ફોન કરીને કહી દેજો કે પોલીસ જ્યાં કહે ત્યાં જઈને વાહનો પાર્ક કરે, પછી ભલે એ જગ્યા ગમે એટલી દૂર કેમ ન હોય. આપણે બે કલાક સુધી મુંબઈને જૅમ કરી તો બે કલાકમાં આપણાં વાહનો હટાવી લેવાની જવાબદારી પણ આપણી જ છે.’
ADVERTISEMENT
ગઈ કાલે સવારે આંદોલનકારીઓ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) સામે BMC ચોકમાં અને ફોર્ટના મુખ્ય રસ્તાઓ તથા જંક્શનો પર રસ્તા પર જ બેસી ગયા હતા અને ચારે તરફનો ટ્રાફિક જૅમ કરી દીધો હતો. તેઓ લોકોને આગળ જવા નહોતા દેતા. ટૂ-વ્હીલરવાળાઓને પણ જવા નહોતા દીધા.
CSMT પર મરાઠા આંદોલનકારીઓ. તસવીરો : આશિષ રાજે
એક આંદોલનકારીએ તો હદ કરી નાખી હતી, BMC સામે જ ગણેશોત્સવ માટે બનાવવામાં આવેલા આર્ટિફિશ્યલ પોન્ડમાં જ જાહેરમાં સ્નાન કર્યું હતું અને અને આ રીતે તેણે આંદોલનને પોતાનો સપોર્ટ જાહેર કર્યો હતો.
રાજ્યભરમાંથી અંદાજે ૬૫૦૦ જેટલાં વાહનો લઈને આંદોલનકારી મરાઠાઓ મુંબઈ આવ્યા છે એને લીધે મુંબઈમાં સખત ટ્રાફિક જૅમ થયો હતો. ઈસ્ટર્ન ફ્રીવે આખેઆખો પૅક કરી દીધો હતો. મોટા ભાગના ફ્લાયઓવર અને સાયન-પનવેલ હાઇવે પણ પૅક થઈ ગયો હતો.
આઝાદ મેદાનમાં ઝાડ પર ચડી ગયેલા આંદોલનકારીઓ.
મુંબઈ પોલીસે આંદોલન કરનારાઓનાં વાહનોના પાર્કિંગ માટે કૉટનગ્રીન, વાડીબંદર તથા અન્ય જગ્યાઓએ પાર્કિંગ-પ્લેસ અલૉટ કરી હતી છતાં અનેક વાહનો રસ્તા પર જ પાર્ક કરી દેવામાં આવ્યાં હતાં.
પોલીસે વાશીમાં આંદોલનકારીઓને રોકતાં તેમણે પોતાનાં વાહનો ત્યાં જ પાર્ક કરી દીધાં હતાં અને એ પછી તેઓ ટ્રેનમાં CSMT પહોંચ્યા હતા.
રસ્તા પર જ રસોઈ કરતા આંદોલનકારીઓ.
આંદોલનકારીઓએ મોટી સંખ્યામાં CSMT સ્ટેશન પહોંચીને ધમાલ મચાવી હતી અને કેટલાક આંદોલનકારીઓ તો પાટા પર ઊતરી ગયા હતા અને સૂત્રોચ્ચાર કરવા માંડ્યા હતા. તેમને પાટા પરથી હટાવવામાં ગવર્નમેન્ટ રેલવે પોલીસ અને રેલવે પ્રોટેક્શન ફોર્સના જવાનોની હાલત કફોડી થઈ હતી. આંદોલનકારીઓએ ધમાલ મચાવી હોવાની જાણ મનોજ જરાંગેને થતાં તેમણે કહ્યું હતું કે ‘CSMT પર જે છોકરાઓ (આંદોલનકારી) છે તેમણે શાંત રહેવું અન્યથા તેમણે પોતપોતાના ગામ ચાલ્યા જવું અને ત્યાં ધમાલ મચાવવી. જો આવું જ ચાલ્યું તો હું આંદોલન છોડી દઈશ. CSMT પર ૨૫-૩૦ વાંદરાઓ (તોફાનીઓ) છે જેમને કારણે આંદોલન બદનામ થઈ રહ્યું છે. આ ધમાલ મચાવનારા છોકરાઓ આપણા નથી. આ છોકરાઓને કોઈકે ઘુસાડ્યા હોવા જોઈએ. દરેક જિલ્લાના એક સભ્યએ ત્યાં જઈને પરિસ્થિતિ શાંત પાડવી અને એ ધમાલ મચાવનાર કોણ છે એની માહિતી લઈને તેમને યોગ્ય સૂચના આપવી.’

