સોનુ સૂદે પંજાબના લોકોની મદદ માટે લોકોને આગળ આવવાની અપીલ કરી છે.
સોનુ સૂદ
પંજાબના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદને કારણે સતલજ, બિયાસ અને રાવી નદીઓમાં ભારે પાણી આવવાના કારણે પંજાબમાં પૂરમાં સ્થિતિ સર્જાઈ છે અને લોકો મુસીબતમાં મુકાઈ ગયા છે. આવા કપરા સંજોગોમાં તેમની મદદે સોનુ સૂદ આવ્યો છે. તેણે સોશ્યલ મીડિયાની મદદથી પોતાનો મદદ કરવાનો સંદેશ તમામ જરૂરિયાતમંદો સુધી પહોંચાડ્યો છે અને કહ્યું છે કે પંજાબ તેનો આત્મા છે અને એના માટે તે ગમે તે બલિદાન આપવા તૈયાર છે.
સોનુ સૂદે પંજાબના લોકોની મદદ માટે લોકોને આગળ આવવાની અપીલ કરી છે. તેણે કૅપ્શનમાં લખ્યું, ‘હું પંજાબની સાથે છું. આ વિનાશકારી પૂરથી પ્રભાવિત કોઈ પણ વ્યક્તિ એકલી નથી. આપણે બધા મળીને દરેક વ્યક્તિને ફરીથી પોતાના પગ પર ઊભા થવામાં મદદ કરીશું. જો તમને કોઈ પણ પ્રકારની મદદની જરૂર હોય તો નિઃસંકોચ અમને સંદેશ મોકલો. અમે તમારી શક્ય તેટલી મદદ કરવાનો સંપૂર્ણ પ્રયાસ કરીશું. પંજાબ મારો આત્મા છે. ગમે તે બલિદાન આપવું પડે, હું પાછળ હટીશ નહીં. અમે પંજાબીઓ છીએ અને અમે હાર નથી માનતા.’

