મનોજકુમારે મારી અકળામણ જોઈ કહ્યું, ‘યંગ મૅન, ખડે ક્યૂં હો, બૈઠો.’ અને હું થોડો સ્વસ્થ થયો.
મનોજકુમાર
મેહબૂબ સ્ટુડિયોમાં એક વિશાળ કૅબિનમાં મેં પ્રવેશ કર્યો અને મને જોઈને મનોજકુમારે બાજુમાં બેઠેલા પ્રોડ્યુસર ડિરેક્ટર રાજ ખોસલાને કહ્યું, ‘This boy will come up very fast.’ એક લોકપ્રિય ફિલ્મસ્ટારે મારા માટે જે ભવિષ્યવાણી કરી એ સાંભળી પોરસાવાને બદલે હું શું બોલું એની ગડમથલમાં હતો. મનોજકુમારે મારી અકળામણ જોઈ કહ્યું, ‘યંગ મૅન, ખડે ક્યૂં હો, બૈઠો.’ અને હું થોડો સ્વસ્થ થયો.
આ કિસ્સો છે ૧૯૬૬નો. હું ભાયખલા સાબુ સિદીક પૉલિટેક્નિકમાં એન્જિનિયરિંગનો ડિપ્લોમા કરતો હતો. એ દિવસોમાં ભારતીય વિદ્યા ભવનની ઇન્ટરકૉલેજિએટ ડ્રામા કૉમ્પિટિશનમાં ખૂબ રસાકસી થતી. વિખ્યાત ડાયલૉગ રાઇટર અને અભિનેતા કાદર ખાન પૉલિટેક્નિકમાં મેકૅનિક્સના પ્રોફેસર હતા. તેમણે લખેલાં ‘જબ ભૂખ કશ્મીર કો બંગાલ બના દેતી હૈ’ અને ‘હમારે ભી હૈં મહેરબાં કૈસે કૈસે’ (બન્ને રાજકીય પરિસ્થિતિ પરનાં પ્રહસન)ને સતત બે વર્ષ પ્રથમ ઇનામ મળ્યું. આ નાટકોમાં ભરત કપૂર (જે પાછળથી ફિલ્મોમાં અભિનેતા બન્યા) મુખ્ય પાત્ર ભજવે. અમે બન્ને એક ક્લાસમાં. ફિલ્મ અને સંગીત અમારો કૉમન સબ્જેક્ટ એટલે મૈત્રી થઈ. આમ હું પણ નાટકોમાં અભિનય કરતો.
ADVERTISEMENT
એ દિવસોમાં હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના લોકો નવી પ્રતિભાઓ શોધવા આ નાટકો જોવા આવતા. એક દિવસ પૉલિટેક્નિકની લાઇબ્રેરીમાં હું મૅગેઝિન વાંચતો બેઠો હતો ત્યાં લાઇબ્રેરિયન આવીને કહે, ‘જો તને કોઈ મળવા આવ્યું છે.’ પેલી વ્યક્તિએ તેની ઓળખાણ આપીને કહ્યું કે તે ડિરેક્ટર રાજ ખોસલાનો અસિસ્ટન્ટ છે. બે દિવસ પછી મારે તેમને મળવા જવાનું છે. મારા ચહેરા પર પ્રશ્નાર્થ ચિહન જોઈ તેણે કહ્યું, ‘સુદેશજીને ભવન્સ મેં તુમ્હારા પર્ફોર્મન્સ દેખા. વો સાધના ઔર મનોજકુમાર કો લે કર ‘અનીતા’ બના રહે હૈ. ઉસમેં એક છોટા રોલ હૈ. તૂ આ જાના.’
વાત સાંભળી મેં સીધી ના પાડી. તેને નવાઈ લાગી. થોડા આક્રોશ સાથે કહે, ‘લોગ ઇન્ડસ્ટ્રી મેં આને કે લિએ મરતે હૈં ઔર તૂ ભાવ ખાતા હૈ? તેરા પ્રૉબ્લેમ ક્યા હૈ?’
તેને શું કહું? મને બા (માતા)નો ચહેરો નજર સામે આવ્યો. ભણવામાં હોશિયાર એટલે તેમને હતું કે મારો દીકરો ડૉક્ટર કે એન્જિનિયર થાય. મારે સંગીતમાં આગળ વધવું હતું અથવા લિટરેચરમાં PhD કરવું હતું. SSCમાં ૭૪ ટકા આવ્યા એટલે તેમની ઇચ્છાને વશ થઈ (એ દિવસોમાં આપણા સંસ્કારમાં માબાપ સામે બળવો કરવાની હિંમત નહોતી) સેન્ટ ઝૅવિયર્સ કૉલેજમાં સાયન્સમાં ઍડ્મિશન લીધું. પહેલા વર્ષે જ સમજાયું કે આપણો સંઘ કાશીએ નહીં પહોંચે. એટલે કૉલેજ બદલી એન્જિનિયરિંગનો ત્રણ વર્ષનો ડિપ્લોમા કોર્સ જૉઇન કર્યો.
એક નિખાલસ એકરાર કરવો છે. એક વાર તો આવી ઑફર આવી એટલે મન લલચાઈ ગયું પણ સખત દમની વ્યાધિથી પીડાતી બાને ખબર પડે કે દીકરો ફિલ્મી લાઇનમાં જવાનું વિચારે છે તો તેના સપનાનું શું? એ ઉપરાંત ફિલ્મ જગતની અનિશ્ચિતતાના અનેક કિસ્સાઓ જાણીતા હતા. આ જ કારણે મેં ઇનકાર કર્યો. પેલાનો ખૂબ આગ્રહ હતો એટલે લાઇબ્રેરિયન મિત્રે સલાહ આપી કે એક વાર મળી તો આવ.
મજાની વાત એ હતી કે મુલાકાત વખતે મારે શર્ટ-પૅન્ટની ઉપર ટાઇ અને કોટ પહેરવાનાં હતાં. મારી પાસે ટાઇ હતી પણ કોટ નહોતો. ઉધારનો કોટ લઈ ઘરે કીધા વિના હું મેહબૂબ સ્ટુડિયો, બાંદરા પહોંચ્યો.
સવારના ૧૧ વાગ્યા હતા અને પાર્ટી સીનનું શૂટિંગ ચાલતું હતું. ‘અનીતા’ના ડિરેક્ટર સુદેશ ઇસ્સર (જે આજ સુધી રાજ ખોસલાના પ્રથમ અસિસ્ટન્ટ હતા અને ‘કૂલી’ના મુક્કાબાજ વિલન પુનિત ઇસ્સરના પિતા) સાથે મારી મુલાકાત થઈ. તેમણે કહ્યું કે રાઇટ ટાઇમે આવ્યો છે. તેમણે ફિલ્મના સેકન્ડ લીડ કૃષ્ણકાંતની બાજુમાં મને ઊભો રાખ્યો. અમે બન્ને વાતો કરતા હોઈએ છીએ એવું દૃશ્ય હતું જેમાં ભંગ પડે છે જ્યારે ઉપરના મજલેથી નોકરાણી દોડતી આવીને કહે છે કે અનીતા ઘર છોડીને ભાગી ગઈ છે.
રીટેક પર રીટેક થતા હતા. હું ગૂંગળામણ અનુભવતો હતો. ગરમી સખત હતી. રીટેકના વચ્ચેના બ્રેકમાં બીજાં જુનિયર આર્ટિસ્ટ યુવક-યુવતીઓ મારી સામે અજીબ નજરથી જોઈ રહ્યાં હતાં. એકાદ-બે યુવતીએ મને એવા ગર્ભિત ઇશારા કર્યા કે મનમાં થયું કે ક્યાં ફસાઈ ગયો. એ ઉપરાંત હું એ વાતથી ડરેલો હતો કે ફિલ્મ રિલીઝ થશે અને બાને આ વાતની ખબર પડશે ત્યારે તેમની શું હાલત થશે? અંતે લંચ બ્રેક થયો ત્યારે સુદેશ ઇસ્સર મને લઈને રાજ ખોસલા અને મનોજકુમાર પાસે આવ્યા. એ લોકોને એ વાતની ખબર હતી કે હું કામ કરવા માટે રાજી નથી.
મનોજકુમારે મને બેસવા કહ્યું એટલે મારામાં થોડી હિંમત આવી. મેં કહ્યું, ‘સર, આપકા બહોત શુક્રિયા, સચ બાત યે હૈ કિ મૈં પઢાઈ ખતમ કરના ચાહતા હૂં ઔર માતાજી કી ઇચ્છા હી મેરે લિએ સબકુછ હૈ.’ મનોજકુમારે કહ્યું, ‘મૈં ભી માનતા હૂં કિ માંબાપ કે આશીર્વાદ કે બિના હમ કુછ ભી નહીં હૈ. પર ઐસે મોકે બાર બાર નહીં આતે. જબ સક્સેસ મિલેગી તો સબ ખુશ હોંગે. You are young and handsome with right expressions. એક બાર ફિર સે સોચ લો.’
મેં કહ્યું, ‘સર, આપને જો ભરોસા દિખાયા ઉસકા બહુત શુક્રિયા. મૈંને સોચ લિયા હૈ.’ આટલું કહી મેં હાથ મેળવી રજા લીધી ત્યારે કહે, ‘Wish you all the best.’
આ હતી મનોજકુમાર સાથેની મારી ટૂંકી પણ યાદગાર મુલાકાત. એક ફિલ્મસ્ટાર આટલી સહજતાથી મારા જેવા અજાણ્યાની પ્રશંસા કરીને સલાહસૂચન આપે એ તેમના વ્યક્તિત્વનો પરિચય આપે છે. ‘અનીતા’ રિલીઝ થઈ પરંતુ બૉક્સ-ઑફિસ પર નિષ્ફળ રહી. બાને ઊડતી-ઊડતી મારા પરાક્રમની ખબર પડી પણ વાંધો ન આવ્યો. ત્રણ મિનિટના એ લૉન્ગ શૉટમાં હું દૂરથી અને અડધી મિનિટ માટે ક્લોઝ અપમાં દેખાઉં છું એની થ્રિલ થોડા દિવસ રહી. (યુટ્યુબ પર ફિલ્મનું આ દૃશ્ય જોઈને મિત્રો અને પરિવાર મારી ખૂબ ફિરકી લે છે) કોઈએ પૂછ્યું કે આવી તક ગુમાવી એનો કોઈ વસવસો નથી? મારો જવાબ છે, ફિલ્મી દુનિયાની ઝાકઝમાળ ક્ષણજીવી છે. મને જે સંગીત અને સાહિત્ય મળ્યું છે, એ શાશ્વત છે.
મનોજકુમારના વ્યક્તિત્વનાં અનેક પાસાં હતાં. સંગીતકાર આણંદજીભાઈ તેમની સાથેનાં સંસ્મરણો તાજાં કરતાં મને કહે છે, ‘તેઓ એકદમ સરળ સ્વભાવના હતા. અમને એકબીજાની વાતોમાં રસ પડે એટલે અમારું સારું ટ્યુનિંગ હતું. તેમનું વાંચન વિશાળ. આપણાં કલ્ચર, પરંપરા અને રીતિરિવાજની ઊંડી જાણકારી હતી. ઇન્ડસ્ટ્રીમાં લોકો તેમને પંડિતજી કહીને બોલાવતા. અમને કહેતા, ‘હું ફિલ્મો બનાવીશ તો ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી ફિલ્મો બનાવીશ. આપણી સભ્યતા અને મર્યાદામાં રહીને મનોરંજન સાથે સંદેશ મળે એ માટે જ મારે ફિલ્મો બનાવી છે.’
‘ફિલ્મના ગીત-સંગીતમાં તે ઊંડો રસ લે. ‘ઉપકાર’ માટે હું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક કરતો હતો ત્યારે મને કહે કે આપણે બ્રાસ સેક્શનનો (ટ્રમ્પેટ, ક્લેરિનેટ જેવાં વિદેશી વાદ્યો) ઉપયોગ નથી કરવો. એ દિવસોમાં એક સિનિયર મ્યુઝિક-ડિરેક્ટર કહેતા કે બૅકગ્રાઉન્ડમાં વિદેશી વાદ્યોનો ઉપયોગ ખૂબ વધી ગયો છે. બ્રાસ સેક્શન વાપરો અને થોડું સ્ટૉક મ્યુઝિક નાખો એટલે વાત પૂરી. બૅકગ્રાઉન્ડ મ્યુઝિક કરવું સાવ સહેલું છે. એટલે મેં મનોજકુમારની વાતને એક ચૅલેન્જ તરીકે સ્વીકારી લીધી.
‘અમે નક્કી કર્યું કે બને ત્યાં સુધી ભારતીય વાદ્યોનો જ ઉપયોગ કરવો. એટલે પડદા પર વિલન આવે એટલે પિંજારો રૂ કાંતતી વખતે જે ટાંઉ, ટાંઉ અવાજ આવે એ રેકૉર્ડ કર્યો. ફાઇટ સીક્વન્સ હોય તો ઢોલ અને લાકડીના અવાજ રેકૉર્ડ કર્યા. એક દૃશ્યમાં તબલા તરંગનો ઉપયોગ કર્યો. ‘પૂરબ ઔર પશ્ચિમ’માં એક ગીત ‘હૈ પ્રીત યહાં કી રીત સદા’ની શરૂઆત ચપટી વગાડતાં થાય છે. આમ અમે અનેક નવા પ્રયોગો કર્યા. આવું શક્ય ત્યારે જ બને કે ડિરેક્ટરને સંગીતની સાચી સમજ હોય.
સુરા અને સુંદરીથી અલિપ્ત રહેલા મનોજકુમાર કોઈ પણ જાતના દેખાડા વિના ફિલ્મી સ્કૅન્ડલ અને વાડાબંધીથી અલિપ્ત રહ્યા. ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ તેમના અમૂલ્ય યોગદાનની પૂરતી કદર નથી કરી. દુનિયા તેમને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી ફિલ્મોના અભિનેતા, પ્રોડ્યુસર, ડિરેક્ટર તરીકે હંમેશાં યાદ રાખશે.

