જાણીતા નાટ્યનિર્માતા અને પ્રસ્તુતકર્તા કૌસ્તુભ ત્રિવેદી ગઈ કાલે કૅન્સર સામેનો જંગ હારી ગયા હતા. ૬૯ વર્ષના કૌસ્તુભભાઈ હિન્દુજા હૉસ્પિટલમાં ઍડ્મિટ હતા.
કૌસ્તુભ ત્રિવેદી
ગઈ કાલે હિન્દુજા હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લેનારા ગુજરાતી રંગભૂમિના જાણીતા નિર્માતા-પ્રસ્તુતકર્તા કૌસ્તુભ ત્રિવેદી ખાવાના એ સ્તરના શોખીન કે અત્યંત અગત્યના કામ વચ્ચે પણ આવું પૂછે અને પછી બેસ્ટમાં બેસ્ટ જગ્યાનું ફૂડ પણ મગાવે. કૌસ્તુભભાઈ અપસેટ હોય તો પણ તેમને ફૂડ યાદ આવે અને જો તેઓ બહુ મૂડમાં હોય તો પણ તેમને ફૂડ યાદ આવે
જાણીતા નાટ્યનિર્માતા અને પ્રસ્તુતકર્તા કૌસ્તુભ ત્રિવેદી ગઈ કાલે કૅન્સર સામેનો જંગ હારી ગયા હતા. ૬૯ વર્ષના કૌસ્તુભભાઈ હિન્દુજા હૉસ્પિટલમાં ઍડ્મિટ હતા. આજે સવારે ૯ વાગ્યે કાંદિવલી-વેસ્ટમાં મથુરાદાસ રોડ પર આવેલા મયૂર સિનેમા નજીકની દેવ પ્રયાગ સોસાયટી ખાતેના નિવાસસ્થાનેથી તેમની અંતિમયાત્રા નીકળશે.
ADVERTISEMENT
ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ નિર્માતા-પ્રસ્તુતકર્તા અને શો પીપલ નામના પ્રોડક્શન-હાઉસના માલિક કૌસ્તુભ ત્રિવેદીએ ગઈ કાલે ૬૯ વર્ષની ઉંમરે હિન્દુજા હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. છેલ્લા આઠેક મહિનાથી તેઓ કૅન્સરનો સામનો કરતા હતા. આ સમયગાળા દરમ્યાન તેમણે કામ લગભગ બંધ જ કરી દીધું હતું અને એ પછી પણ નિર્માતાઓ તેમની પાસે જઈને તેમના નામની માગણી કરતા અને તેમને પાર્ટનરશિપ ઑફર કરીને કહેતા કે તમારા નામ વિના અમે નાટક ઓપન નહીં કરીએ. હમણાં ઓપન થનારાં ત્રણ નાટકોના તેઓ પ્રસ્તુતકર્તા અને પાર્ટનર છે. તબિયતને કારણે તેઓ એ નાટકમાં પોતાનું કોઈ પ્રકારનું યોગદાન આપી શકે એમ નહોતા એટલે તેમણે નામ મૂકવાની ના પાડી હતી, પણ કૌસ્તુભ ત્રિવેદી નામની શાખને કારણે નિર્માતાઓ તેમના નામ વિના આગળ વધવા રાજી નહોતા.
કૌસ્તુભ ત્રિવેદીનું નામ હોય એટલે નાટક અવ્વલ જ હોય એવું દરેક સંસ્થા અને ઑડિયન્સ માની લે, જેનું બેસ્ટ એક્ઝામ્પલ એ છે કે શો પીપલમાં તેમણે નિર્માણ કરેલાં ૭૧માંથી ૬૪ નાટક સુપરહિટ રહ્યાં.
જયા બચ્ચન સાથે.
બનવું હતું ઍક્ટર
ગુજરાતી ફિલ્મોના પહેલા સુપરસ્ટાર ઉપેન્દ્ર ત્રિવેદી અને દિગ્ગજ ઍક્ટર અરવિંદ ત્રિવેદીના મોટા ભાઈ ભાલચંદ્ર ત્રિવેદીના દીકરા કૌસ્તુભભાઈને બનવું ઍક્ટર હતું. તેમણે વીસેક જેટલાં નાટકોમાં ઍક્ટિંગ પણ કરી તો આઠથી ૧૦ જેટલી ફિલ્મોમાં કામ પણ કર્યું. પૉપ્યુલર ટીવી-સિરિયલ ‘રામાયણ’માં તેમણે ભગવાન શ્રીરામને સરયૂ નદી પાર કરાવતા કેવટની ભૂમિકા પણ ભજવી હતી. એક તબક્કે ઉપેન્દ્ર ત્રિવેદી અને અરવિંદ ત્રિવેદી ફિલ્મ-ડિસ્ટ્રિબ્યુશનમાં દાખલ થયા હતા, જેનું કામ ઉપેન્દ્રભાઈએ કૌસ્તુભભાઈને સોંપ્યું અને કૌસ્તુભભાઈને પ્રોડક્શનનું નૉલેજ મળવું શરૂ થયું. ઉપેન્દ્રકાકાની સાથે ખૂબ રહેતા હોવાથી મોટા ભાગના લોકો કૌસ્તુભભાઈને તેમના દીકરા જ માનતા. આજે પણ કૌસ્તુભભાઈની હમઉમ્રના કલાકાર-નિર્માતાઓ કહે છે કે ઉપેન્દ્રભાઈનો ખરો વારસો કૌસ્તુભ ત્રિવેદીએ સાચવ્યો હતો.
કૌસ્તુભભાઈ અને ઍક્ટર સંજય ગોરડિયાની જિંદગીમાં મહત્ત્વપૂર્ણ કહેવાય એવો એક વળાંક સાથે આવ્યો. ૧૯૯૩માં બન્ને નાટક ‘ભાઈ’માં ઍક્ટિંગ કરતા હતા. બન્ને વચ્ચે દોસ્તી થઈ અને એ દોસ્તી પછી બન્નેએ નક્કી કર્યું કે ચાલો, નાટક પ્રોડ્યુસ કરીએ અને બન્ને પાર્ટનર બન્યા. નિર્માણની જવાબદારી સંજય ગોરડિયાની અને વેચાણની જવાબદારી કૌસ્તુભ ત્રિવેદીની. સંજય ગોરડિયા કહે છે, ‘નાટક વેચવામાં કૌસ્તુભની માસ્ટરી. તે નાટક સાથે સહમત ન હોય તો પણ વેચવા બેસે ત્યારે તમે જોતા જ રહી જાઓ. બે કલાકમાં તો ફોન પર જ ૧૫-૨૦ શો વેચી નાખે અને પછી ફોન મૂકીને તમને કહે કે આ બધું તો પત્યું, હવે સાલ્લું ખાશું શું?’
ખાવાનો ગજબનાક શોખ
કૌસ્તુભ ત્રિવેદીને ખાવાનો જબરદસ્ત શોખ અને એમાં પણ સ્ટ્રીટ-ફૂડના તો રીતસર આશિક. મુંબઈની જ નહીં, ગુજરાત અને મહારાષ્ટ્રની નાનામાં નાની જગ્યાની બેસ્ટ ફૂડ-પ્લેસ તેમને ખબર હોય. નિયમિત મરાઠી નાટકો જોવા જતા કૌસ્તુભ ત્રિવેદી મિસળના દીવાના. દાદરમાં સેનાભવન પાસે આવેલી પ્રકાશ રેસ્ટોરાંનું દહીં-મિસળ અને સાબુદાણા વડાં તેમનાં ફેવરિટ. તમે જો કૌસ્તુભભાઈ સાથે મરાઠી નાટક જોવા જાઓ તો તમારે કમ્પલ્સરી પ્રકાશમાં નાસ્તો કરવા જવાનું જ જવાનું.
શત્રુઘન સિંહા સાથે.
વડાપાઉંની નાનામાં નાની જગ્યા કૌસ્તુભભાઈને ખબર હોય. ઘાટકોપરમાં ભૂરીબેન ઑડિટોરિયમમાં ગ્રૅન્ડ રિહર્સલ્સ હોય ત્યારે એની નજીકનાં પોતાનાં ફેવરિટ વડાપાઉંનો પ્લાન તેમણે પહેલાં જ બનાવી લીધો હોય અને બ્રેક પડે ત્યારે તે કંપની શોધીને વડાપાઉં ખાવા પહોંચી જાય અને મિત્રો-કલાકારો માટે લેતા પણ આવે.
નામ પાડવામાં અવ્વલ
શબ્દો નહીં, ભાવના સમજજો. આજે કૌસ્તુભભાઈ સગાંવહાલાંથી માંડીને ગુજરાતી રંગભૂમિના કલાકારોના ઓછામાં ઓછાં સોથી ૧૨૫ બાળકોનાં ફોઈબા હશે. નામકરણ કરવાનું હોય ત્યારે તરત જ બધાને કૌસ્તુભભાઈ યાદ આવે. પોતાના દીકરાનું નામ સાહેબ રાખ્યા પછી કૌસ્તુભભાઈએ કહ્યું હતું, ‘તે કંઈ કરે કે ન કરે, જિંદગીભર બધાનો સાહેબ રહેશે...’
ઍક્ટર વિપુલ વિઠલાણીના દીકરાનું નામ યુવાન રાખ્યા પછી તેમણે કંઈક આવું જ કહ્યું હતું કે ઉંમરલાયક થશે તો પણ કહેવાશે તો યુવાન જ.
નિર્માતાનું કર્યું સર્જન
સામાન્ય રીતે પ્રોડ્યુસર ઍક્ટર-ડિરેક્ટર કે ઍક્ટ્રેસને બ્રેક આપે, પણ કૌસ્તુભ ત્રિવેદી એકમાત્ર એવા પ્રોડ્યુસર અને પ્રેઝન્ટર હતા જેમણે અઢળક નવા નિર્માતાઓનું સર્જન કર્યું તો સાથોસાથ એવા ઍક્ટર-રાઇટરને પણ પ્રોડ્યુસર બનાવ્યા જેમનામાં નિર્માતા બનવાનું પોટેન્શ્યલ હોય.
૧૯૯૮માં ‘અજાતશત્રુ’ નાટકથી ગુજરાતી રંગભૂમિ પર કૌસ્તુભકાળ નામનો સુવર્ણકાળ શરૂ થયો જે છેક ૨૦૧૬-’૧૭ સુધી ચાલ્યો. એ પછી કૌસ્તુભભાઈ પોતે એકાદ વર્ષ ઓછું કામ કરવા માગતા હતા, પણ કોરોનાના કાળે એ સમયગાળો લંબાઈ ગયો અને પછી કૌસ્તુભભાઈએ કામ કરવાનું ઓછું કરી નાખ્યું. અલબત્ત, નિર્માતાઓ કૌસ્તુભભાઈનો હાથ છોડવા તૈયાર નહોતા. બ્રૅન્ડ બની ગયેલા કૌસ્તુભભાઈએ એક તબક્કે દિવસમાં ૨૦-૨૦ કલાક કામ કર્યું અને એ પછી એવો પણ સમય આવ્યો કે તેઓ દિવસમાં માત્ર ૪ કલાક જ કામ કરતા. પરાણે તેમનું નામ રાખવા માટે આવતા પ્રોડ્યુસરને તે હસતાં-હસતાં કહેતા, ‘જોઈ લે તું, તારું નસીબ છે...’
કૌસ્તુભ ત્રિવેદી ગુજરાતી રંગભૂમિના પહેલા એવા પ્રોડ્યુસર જેમણે નાટકનિર્માણમાં ઑફિસ ખરીદી હતી.
હું તો છું જ ભારાડી બ્રાહ્મણ
આવું કહેતી વખતે કૌસ્તુભભાઈ હસી પડતા, પણ આ હકીકત હતી. વાંકડિયાળી મૂછ રાખવી તેમને બહુ ગમતી. નવરાશની પળોમાં તેમનો હાથ મૂછના અંકોડા ચડાવવામાં બિઝી રહે. હિંમત, હાઇટ-બૉડી અને પર્સનાલિટી એવાં કે ક્ષણવાર માટે સામેનો માણસ ગભરાઈ પણ જાય. જૂજ લોકોને ખબર છે કે કૌસ્તુભભાઈને મિત્રો પોતાના સ્વબચાવ માટે પણ સાથે રાખતા. એક જાણીતા ઍક્ટરે પોતાની પ્રૉપર્ટી વેચી, જેનું લાખોનું પેમેન્ટ લેવા તેણે કુખ્યાત કહેવાય એવા એરિયામાં જવું પડે એમ હતું. તેણે કૌસ્તુભભાઈને કહ્યું. કૌસ્તુભભાઈ તરત તૈયાર અને રાતે ૧૦ વાગ્યે પેલા ઍક્ટર સાથે જઈને રોકડા રૂપિયાની થેલી હાથમાં પકડીને ઘરે આવ્યા.
આવા તો અનેક કિસ્સા છે. કૌસ્તુભભાઈ હંમેશાં કહેતા કે હું ભારાડી બ્રાહ્મણ છું, જો તમે નડ્યા તો મને પરશુરામ થવામાં સહેજ પણ વાર નહીં લાગે.
દુશ્મન પણ કરે વખાણ
કૌસ્તુભ ત્રિવેદીએ પાર્ટનર-પ્રેઝન્ટર તરીકે ઓછામાં ઓછાં અઢીસો નાટકો કર્યાં હશે, પણ એ એક પણ નાટકનો નિર્માતા કૌસ્તુભભાઈ સામે પૈસાની બાબતમાં કશું બોલી ન શકે. આનાપાઈનો હિસાબ કૌસ્તુભભાઈ પાસે હોય. ચાર રૂપિયા લેવાના હોય તો તે માગી લેતા ખચકાય નહીં અને પચાસ પૈસા આપવાના હોય તો તે ક્યાંયથી આઠ આના શોધીને આપ્યા વિના રહે નહીં. આ જ કારણ હતું કે નિર્માતાઓને કૌસ્તુભ ત્રિવેદી સાથે કામ કરવું હતું અને સંસ્થાઓ પણ તેમની સાથે વહીવટ કરવા માગતી. અનેક કિસ્સામાં એવું બન્યું છે કે નાટક બંધ થઈ ગયાના છ અને આઠ મહિના પછી કૌસ્તુભભાઈએ હિસાબમાં રહી ગયેલી ભૂલના સો અને બસો રૂપિયા મોકલાવ્યા હોય!
કૌસ્તુભભાઈ કહેતા, ‘ઉપર જઈને હિસાબ આપવો એના કરતાં અહીં જ હિસાબ સરભર થઈ જાય એ સારું.’
વાત ફૅમિલીની
કૌસ્તુભ ત્રિવેદીને એક દીકરો અને એક દીકરી છે. દીકરો સાહેબ સ્ટૉકમાર્કેટમાં છે તો લંડન પરણેલી દીકરી પૂજા ત્યાં જ સેટલ્ડ છે. વાઇફ પ્રફુલ્લાબહેનને સરપ્રાઇઝ આપવાનો કૌસ્તુભભાઈને જબરદસ્ત શોખ. કોરોનામાં લૉકડાઉન ધીમે-ધીમે ખૂલવાનું શરૂ થયું ત્યારે તેઓ પ્રફુલ્લાબહેનના બર્થ-ડે પર તેમને લઈને તાજમાં લંચ માટે ગયા હતા. એ સમયે તાજમાં લંચ અને ડિનરમાં રોજ માત્ર વીસ કપલને જ એન્ટ્રી મળતી હતી.
કાંદિવલીમાં મથુરાદાસ રોડ પર રહેતા કૌસ્તુભ ત્રિવેદી મે મહિનાની શરૂઆતમાં કાંદિવલીની એક હૉસ્પિટલમાં ઍડ્મિટ થયા અને ગયા અઠવાડિયે તબિયત બગડતાં તેમને હિન્દુજામાં ઍડ્મિટ કરવામાં આવ્યા હતા.
પચીસ વર્ષની ૧૦૨ નાટકની વણલખી પાર્ટનરશિપ
‘ભાઈ’ નાટકમાં થયેલી દોસ્તી અને એ પછી શરૂ કરેલી સંજય ગોરડિયા અને કૌસ્તુભ ત્રિવેદીની પાર્ટનરશિપ છેક ૧૦૨ નાટક સુધી ચાલી, જે કોવિડના પિરિયડમાં બન્નેએ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટૅન્ડિંગ સાથે પૂરી કરી. આ પાર્ટનરશિપનું કોઈ લખાણ કરવામાં નહોતું આવ્યું. આવું ભાગ્યે જ બને કે પચ્ચીસ વર્ષ સુધી બે વ્યક્તિ પાર્ટનર હોય અને એ પછી પણ બેમાંથી કોઈને લખાણ કરવાનો વિચાર સુધ્ધાં ન આવ્યો હોય. સંજય ગોરડિયા કહે છે, ‘પૈસાનો મોટા ભાગનો વહીવટ કૌસ્તુભ હસ્તક જ હોય અને મને ખાતરી કે કાળી રાતે પણ મારા પૈસા તેની પાસેથી ક્યાંય જવાના નથી. આ જે વિશ્વાસ છે એ વિશ્વાસ પેલી કાગળની લખાણપટ્ટીથી ક્યારેય ન આવે.’

