સામાન્ય રીતે પોતાના કાઠિયાવાડી લહેકા સાથે વાત કરતી નૅશનલ અવૉર્ડ વિનર ઍક્ટ્રેસ શ્રદ્ધા ડાંગર માને છે કે કોઈ પાત્ર ભજવતી હોઉં ત્યારે પાત્રને અનુરૂપ ભાષા હોય જરૂરી છે, પણ રિયલ લાઇફમાં તો હું શ્રદ્ધા છું અને કાઠિયાવાડી મારી બોલી છે તો એમાં ખોટું શું છે?
શ્રદ્ધા ડાંગર
સામાન્ય રીતે પોતાના કાઠિયાવાડી લહેકા સાથે વાત કરતી નૅશનલ અવૉર્ડ વિનર ઍક્ટ્રેસ શ્રદ્ધા ડાંગર માને છે કે કોઈ પાત્ર ભજવતી હોઉં ત્યારે એ પાત્રને અનુરૂપ ભાષા હોય એ જરૂરી છે, પણ રિયલ લાઇફમાં તો હું શ્રદ્ધા છું અને કાઠિયાવાડી મારી બોલી છે તો એમાં ખોટું શું છે? શરૂઆતમાં લોકો તેને ટોકતા પણ હવે તેમને ખબર છે કે ઍક્ટિંગમાં જ્યાં જરૂરી નથી ત્યાં આ લહેકાની છાંટ પણ તે આવવા નથી દેતી એટલે આટલી ફિલ્મો અને કામ જોયા પછી હવે લોકોને તકલીફ નથી. હાલમાં શ્રદ્ધાની મહારાણી ફિલ્મ સરસ ચાલી રહી છે ત્યારે જાણીએ આ જાણીતી અને માનીતી અભિનેત્રીના જીવનનું કેટલુંક જાણવા જેવું
‘મેં મારી લાઇફ ખૂબ પ્લાન કરીને નથી રાખી. બધું થતું ગયું અને જીવનની સાથે-સાથે હું પણ ઘડાતી ગઈ. ઍક્ટિંગની શરૂઆત કરી ત્યારથી એ સમજ ડેવલપ થઈ ગયેલી કે આ એક અનપ્રિડિક્ટેબલ ફીલ્ડ છે. એકદમ જ ક્યાંકથી ફોન આવે અને તમારી પાસે ખૂબ સુંદર ફિલ્મ હોય તો સામે પક્ષે એવું પણ બને કે બધું જતું પણ રહે. એટલે બધું સારું ચાલતું હોય ત્યારે પણ અંતરમન જાણતું હોય છે કે આ બધું કાયમી નથી. એની સાથે-સાથે જ્યારે ખરાબ ચાલતું હોય ત્યારે પણ અંતરમન જાણે છે કે આ પણ કાયમી નથી. પરિસ્થિતિ કાયમી નથી રહેવાની પણ હું કાયમ છું એ વાત પર કે મારે શીખવું છે અને જેને સતત શીખવું છે તેના માટે કામની કમી ક્યારેય હોતી નથી.’
આ શબ્દો છે ૨૦૧૯માં નૅશનલ ફિલ્મ અવૉર્ડ્સમાં ‘હેલ્લારો’ માટે સ્પેશ્યલ જ્યુરી અવૉર્ડ જીતનાર ઍક્ટ્રેસ શ્રદ્ધા ડાંગરના. ‘પપ્પા તમને નહીં સમજાય’ ફિલ્મથી ઍક્ટિંગ ક્ષેત્રમાં પ્રવેશેલી શ્રદ્ધા ડાંગર આજે ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીનું જાણીતું અને માનીતું નામ ગણાય છે. ‘લવની લવ સ્ટોરીઝ’, ‘કહેવતલાલ પરિવાર’, ‘ચાંદલો’, ‘કસુંબો’ જેવી ૧૦-૧૨ ફિલ્મો કરી છે. હાલમાં તેની માનસી પારેખ સાથેની ફિલ્મ ‘મહારાણી’ થિયેટર્સમાં ચાલી રહી છે. ફિલ્મો સિવાય અમુક વેબ-સિરીઝમાં અને મ્યુઝિક-આલબમમાં પણ તેણે કામ કર્યું છે. ૬ મહિના પહેલાં ‘જિયરા’ નામનું આમિર મીર અને ઐશ્વર્યા મજમુદારે ગાયેલું ગીત બહાર પડ્યું હતું જેનું ફિલ્માંકન શ્રદ્ધા ડાંગર અને તેના પતિ આકાશ પંડ્યા પર થયેલું છે. એ ગીતના મ્યુઝિક-વિડિયોનું ડિરેક્શન શ્રદ્ધા ડાંગરે કર્યું છે. ડિરેક્શનમાં આ તેનો પહેલો પ્રયત્ન હતો.
બાળપણ
હાલમાં ૩૧ વર્ષની ઉંમરની શ્રદ્ધા ડાંગર મૂળ રાજકોટની છે. એક સંપન્ન બિઝનેસ પરિવારની મોટી દીકરી તરીકે જન્મેલી શ્રદ્ધાના ઘરમાં આમ તો કોઈ કલાકાર નહોતા, પરંતુ મમ્મી-પપ્પાને બાળકો કળામાં રુચિ લે એવી ખાસ્સી ઇચ્છા. શ્રદ્ધાથી પાંચ વર્ષ નાની એક બહેન છે રિદ્ધિ ડાંગર, એ પણ અભિનય ક્ષેત્રમાં જ છે અને તેનાથી નાનો એક ભાઈ છે જે હાલમાં સ્કૂલમાં ભણે છે. પોતાના નાનપણની વાત કરતાં શ્રદ્ધા કહે છે, ‘હું પહેલેથી ભણેશરી હતી. સ્કૂલ જવું, વાંચવું, ભણવું બધું મને ખૂબ ગમતું. કદાચ મહેનત કરતાં હું નાનપણથી શીખી ગઈ હતી કે પછી કહું કે એ સ્વભાવ જ હતો મારો, પણ ભણવાની સાથે-સાથે દરેક પ્રવૃત્તિમાં ભાગ લેતી. ડાન્સ, પેઇન્ટિંગ, સિન્ગિંગ બધી જ પ્રકારની સ્પર્ધામાં હું હોઉં જ. મને સ્ટેજ ખૂબ ગમતું પણ એવું વિચારેલું નહીં કે કલાકાર બનીશ. સાયન્સ ભણ્યું. સિવિલ એન્જિનિયરિંગ જેવી અઘરી બ્રાન્ચમાં ઍડ્મિશન લીધું. એ પણ સારી રીતે પૂરું કર્યું, પણ બિઝનેસ પરિવારમાંથી હતી એટલે ક્યારેય નોકરી કરવી જ છે કે કમાવું તો જોઈએ જ કે કરીઅર વગર કેમ ચાલે એવા કોઈ વિચારો નહોતા.’
શરૂઆત
તો પછી ઍક્ટિંગ તરફ કઈ રીતે વળી? આ પ્રશ્નનો જવાબ આપતાં શ્રદ્ધા કહે છે, ‘એ સમયે ફેસબુક પર એક કાસ્ટિંગ ગ્રુપ હતું જેને હું ફૉલો કરતી હતી. એમાં એક ઑડિશનની ડીટેલ હતી. મેં એ ઑડિશન આપ્યું. એ ફિલ્મમાં બે જ દિવસનું કામ હતું. એ કરીને એટલી મજા આવી ગઈ કે લાગ્યું કે આ કામ તો કરવા જેવું છે. એ ફિલ્મ તો રિલીઝ જ ન થઈ પણ મને લાગ્યું કે આ એ કામ છે જે મને કરવું છે. એ પછી આ જ રીતે ઑડિશન આપ્યું મને મારી પહેલી ફિલ્મ ‘પપ્પા તમને નહીં સમજાય’ મળી. ૨૦૧૭માં એ ફિલ્મ આવી. હું ત્યારે ૨૨-૨૩ વર્ષની હતી. નાનપણથી સ્ટેજ પર પ્રોગ્રામ કરેલા એટલે એવું નહોતું લાગતું કે આ કામ કઈ રીતે કરીશ, પણ સાથે-સાથે મને ખબર હતી કે કોઈ ફૉર્મલ ટ્રેઇનિંગ તો થઈ નથી એટલે ઘણુંબધું શીખવાનું છે. હું મારા ડિરેક્ટરને અને કો-ઍક્ટર્સને પૂછતી રહેતી કે હું બરાબર કરું છું? વધુ સારું કરી શકું એ માટે શું કરું એ પણ પૂછતી રહેતી. આત્મવિશ્વાસ હતો કે કરી શકીશ પણ એવું નહોતું કે આપણાથી તો થઈ જ જશે. આજે પણ વત્તું-ઓછું આ જ સ્ટેજ પર છું અને એમ જ રહેવા માગું છું.’
મહેનત
પહેલી ફિલ્મ પછી લોકોએ શ્રદ્ધાને રજિસ્ટર તો કરી, પરંતુ એવું નહોતું કે એના પછી ફિલ્મોની લાઇન લાગી ગઈ. શ્રદ્ધા ઑડિશન આપતી રહી. એવું જ એક ઓપન ઑડિશન હતું અભિષેક શાહની ફિલ્મ ‘હેલ્લારો’નું. એના વિશે વાત કરતાં શ્રદ્ધા કહે છે, ‘ચાર રાઉન્ડ હતા ઑડિશનના. ઑડિશન પરથી જ અમને ખબર હતી કે કશું સહેલું નહીં હોય. બળબળતા રણમાં શૂટિંગ, બજેટ ઓછું, તાપમાં સતત ગરબાની પ્રૅક્ટિસ, ઉઘાડા પગે રેતી પર ગરબા આ બધું અઘરું હતું. મારા માટે જ નહીં; જેટલી છોકરીઓ હતી એ બધા માટે, આખી ટીમ માટે કારણ કે બધી છોકરીઓ સંપન્ન ઘરેથી આવી હોય. AC અને કાર જે ઘરોમાં બેઝિક ફૅસિલિટી ગણાતાં હોય, જેમને આટલો તાપ સહન કરવાની આદત જ ન હોય તો થોડું આકરું તો લાગે, પણ સાચું કહું તો દરેક વ્યક્તિ સેટ પર અતિ મહેનતુ હતી. ખૂબ નિષ્ઠા સાથે બધા લાગેલા હતા. તમને એ જોઈને ઉત્સાહ વધે. લાગે કે ના, કરવાનું જ છે.’
ઘડતર
ગમેતેટલું પૅશન હોય પણ આ પ્રકારની આકરી મહેનત કરવાની હોય તો એક ક્ષણે તો માણસ પાણીમાં બેસી જ જાય. તેને લાગે કે આટલી મહેનત શેના માટે? આ પ્રશ્નનો અતિ સુંદર જવાબ આપતાં શ્રદ્ધા કહે છે, ‘બાળક નાનું હોય ત્યારે માતા-પિતા થોડાં કડક રહીને તેને ટ્રેઇન કરતાં હોય છે. બાળકને ખબર નથી હોતી કે તેઓ કડક છે કે નરમ, કારણકે બાળક માટે તો જે છે એ આ જ છે. એ જ તેનું ઘર, એ જ તેનાં માતા-પિતા. તેઓ બાળકને જે રીતે ઘડવા માગે છે તેઓ ઘડે છે. હું એ સમયે એટલી નવી હતી કે શું હોય કે શું હોવું જોઈએ એવી ખબર જ નહીં. ‘હેલ્લારો’ના સેટ પર હું ઘડાઈ. આ કામ મહેનત માગે છે એ હું શીખી. બાળકને માતા-પિતા ઘડે પછી તે બહાર જાય એટલે લોકો તેનાં વખાણ કરે. ત્યારે બાળકને સમજાય કે તેનાં માતા-પિતાએ આપેલું ઘડતર કેટલું જરૂરી હતું. બસ, એવું જ અમારા બધાનું છે. લોકોએ ‘હેલ્લારો’ ખૂબ પસંદ કરી. એ નૅશનલ અવૉર્ડ સુધી પહોંચી અને અમારી મહેનતનું ફળ અમને મળી ગયું.’
અનુભવ
નૅશનલ અવૉર્ડ અનાઉન્સ થયો એ સમયની વાત કરતાં શ્રદ્ધા ડાંગર કહે છે, ‘હું તો એક ડબિંગ સ્ટુડિયોમાં હતી. ફોન સાયલન્ટ પર હતો. થોડી વાર પછી બ્રેકમાં મેં જોયું. અભિષેક સરની ટીમમાંથી પ્રતીકનો ફોન હતો. તેમણે કહ્યું કે તમને નૅશનલ અવૉર્ડ મળ્યો છે. ત્યારે મેં એ બસ સાંભળી લીધું. મેં કહ્યું, સારું. તેમણે કહ્યું કે બધા ઑફિસ આવે છે, તમે પણ આવી જાઓ. એટલે હું ઑફિસ પહોંચી. ત્યાં બધા ઉલ્લાસિત હતા. અત્યંત આનંદમાં. હું બધાને જોઈ રહી હતી. બધાને ખુશ જોઈને હું પણ ખુશ હતી. લાગતું હતું કે કંઈક સારું થયું છે પણ સાચું કહું, મને કોઈ અંદાજ નહોતો કે આ કેટલી મોટી બાબત છે. ઍક્ટિંગ કરવી ગમતી હતી એટલે કામ શરૂ કર્યું. શીખતાં-શીખતાં ક્યાં સુધી પહોંચીશું એનો કોઈ અંદાજ નહોતો અને જ્યાં પહોંચી ગયા હતા એ પડાવનું મહત્ત્વ એ સમયે ખબર નહોતી. છેક દિલ્હી પહોંચી ગયાં. સેરેમની સુધી પહોંચ્યાં. સ્ટેજ પર નામ અનાઉન્સ થયું અને સ્ટેજ પર ગયાં ત્યારે લાગ્યું કે જીવનમાં કશુંક મોટું કહી શકાય એવું બની ગયું છે. સ્ટેજ પરથી નીચે જોયું તો ઑડિયન્સમાં સંજય લીલા ભણસાલી બેઠા હતા. અક્ષય કુમાર અમારા માટે તાળી વગાડી રહ્યા હતા. આ બધું સરરિયલ લાગી રહ્યું હતું. ત્યારે સમજાયું કે આ જે હાથમાં પકડ્યો છે એ અવૉર્ડનો અર્થ ઘણો મોટો છે.’
પ્રેમ
શ્રદ્ધા ડાંગરે લગભગ એકાદ વર્ષ પહેલાં ગુજરાતી ટીવી-સિરિયલ ‘રાશિ રિક્ષાવાળી’માં ‘અરમાન કોટક’ના પાત્ર તરીકે ખ્યાતિ મેળવનાર આકાશ પંડ્યા સાથે લગ્ન કર્યાં. શ્રદ્ધાએ જ્યારે ઍક્ટિંગ શરૂ પણ નહોતી કરી, કૉલેજમાં એન્જિનિયરિંગ કરતી હતી ત્યારથી તે આકાશને ઓળખે છે. તેમની પ્રેમકહાની વિશે વાત કરતાં શ્રદ્ધા કહે છે, ‘અમે બન્ને રાજકોટમાં જુદી-જુદી કૉલેજમાં એન્જિનિયરિંગ કરતાં હતાં. આકાશ મારાથી બે વર્ષ સિનિયર પણ અમારા મિત્રોનું વર્તુળ એક જ હતું. તે મૂળ વડોદરાનો એટલે અમારા રાજકોટના છોકરાઓ કરતાં જુદો તરી આવે. એન્જિનિયરિંગ પૂરું કરી તે તો અમેરિકા જતો રહ્યો. અમે એક જ કૉમન ગ્રુપનાં પણ સારાં મિત્રો રહ્યાં. તે જ્યારે અમેરિકાથી આવતો ત્યારે તે ચોક્કસ રાજકોટ આવતો. બધાને મળતો. તે જ્યારે આવતો ત્યારે તે જે રીતે બધા સાથે રહેતો એ જોઈને મને ખૂબ સારું લાગતું. લોકો સાથે તે અલગ ઘરોબો કેળવી શકે છે. મારા માટે તેણે કશું સ્પેશ્યલ નથી કર્યું પણ તે જેવો છે એવો મને ગમી ગયો. એ દરમિયાન મેં કામ શરૂ કરી દીધું હતું. મારી પહેલી ફિલ્મ અમે સાથે જોઈ ત્યારે મને તે ગમે છે એવો અહેસાસ થયો. એટલે મેં તેને કહી દીધું કે મારી અંદર ફીલિંગ્સ છે. મને અંદાજ હતો કે તેને પણ હું ગમતી તો હતી જ. ઓળખતાં તો અમે એકબીજાને ઘણાં વર્ષોથી, પણ એ દિવસ પછીથી એકબીજાને અલગ દૃષ્ટિએ જોવા લાગ્યાં. જીવન બદલાયું. મને લાગતું હતું કે મારા ઘરે પ્રૉબ્લેમ થશે પણ આકાશે મારી મમ્મીને પહેલેથી પટાવી લીધી હતી. તે અને મારી મમ્મી ઘણીબધી રીતે સાવ સરખાં છે. બધા ખુશીથી માની ગયા અને અમે પરણી ગયાં.’
લગ્ન
શ્રદ્ધા અને આકાશનાં લગ્ન ઇન્ટરનેટ પર છવાઈ ગયાં હતાં. લગ્ન પછીના સુખ વિશે વાત કરતાં શ્રદ્ધા કહે છે, ‘હું કોઈ દિવસ એકલી રહી જ નથી, મમ્મી-પપ્પા સાથે જ રહેતી. એટલે જવાબદારીઓ ન હોય. ખુદનું ઘર બનાવવાનું આવ્યું ત્યારે લાગ્યું કે હવે ખરેખર મોટાં થઈ ગયાં. ખૂબ મજા આવી આ મોટી દુનિયાની અંદર એક મારી પોતાની નાનકડી દુનિયા બનાવવાની. આખું ઇન્ટીરિયર મેં કર્યું જેમાં ૬ મહિના ગયા, પણ સાચું કહું તો ખૂણેખૂણો સજાવવામાં જે આનંદ થયો છે એ અતુલ્ય છે. બાકી પ્રોગ્રેસમાં એવું છે કે પહેલાં જે વાતો અમારે કરવી પડતી એ હવે આંખના ઇશારામાં જ સમજાઈ જતી હોય છે. આકાશ એક અવ્વલ દર્જાનો માણસ છે. અમારા પરિવાર અને મિત્રોમાં બધા જ તેના ચાહક છે. મને એ વાતની ખુશી છે અને હાશ પણ કે તે મારી સાથે છે. અમે બન્ને એક જ ફીલ્ડમાં છીએ પણ બન્ને ખૂબ સ્વાભિમાની છીએ. પોતપોતાની રીતે મહેનત કરીને આગળ વધવામાં માનીએ છીએ.’
જલદી ફાઇવ
હૉબી - ટ્રાવેલિંગ. યુરોપ જવાની ખૂબ ઇચ્છા છે.
ડર - પોતાના આપ્તજનોને ખોઈ બેસવાનો.
પહેલો પ્રેમ – પરિવાર.
ભવિષ્યના પ્લાન - શાહરુખની યશરાજ પ્રકારની રોમૅન્ટિક મૂવી કરવાની ઇચ્છા.
જીવનનો સિદ્ધાંત - હાર્ડ વર્ક ક્યારેય ન છોડવું અને સતત શીખતા રહેવું.

