વીકના સાત દિવસોમાંથી કયા દિવસે કયું કામ કરવાનું ટાળવું એ જાણવાથી કિસ્મતમાં આવતી અડચણો દૂર થશે
પ્રતીકાત્મક તસવીર
કેટલીક વખત અજાણતાં જ એવું બનતું હોય છે કે બધું જ બરાબર ચાલતું હોય અને એ પછી પણ કામમાં સફળતા ન મળે કે પછી સંબંધોમાં વગર કારણે અંટસ ઊભી થાય. એવું ન બને એ માટે બહુ સામાન્ય કહેવાય એવી વાતોનું ધ્યાન રાખવાનું હોય છે, પણ ભુલાતાં જતાં શાસ્ત્રો વચ્ચે એ સામાન્ય બાબતો ભુલાઈ ગઈ છે. અહીં એવી જ વાતોની ચર્ચા કરવામાં આવી છે કે અઠવાડિયાના સાત દિવસ દરમ્યાન શું ન કરવું જોઈએ. જો એ વાતનું ધ્યાન રાખવામાં આવે તો કિસ્મતમાં આવતી અડચણ ચોક્કસપણે દૂર થાય છે.
સોમવાર
ADVERTISEMENT
સોમવારના દિવસે કાળા કલરનાં કપડાં પહેરવાનું ટાળવું જોઈએ. હિન્દુ શાસ્ત્રોમાં તો કાળા કલરને જ અશુભ માનવામાં આવ્યો છે, પણ એની સામે આજના સમયમાં કાળા કલરને ફૅશનમાં પ્રાધાન્ય મળે છે એટલે સાવ જ બ્લૅક કલરને અવૉઇડ કરવો અઘરો લાગે તો પણ ચોક્કસપણે સોમવાર પૂરતી આ વાત માનવી અને સોમવારે કાળા કલરનાં વસ્ત્રો પહેરવાનું ટાળવું. વસ્ત્રોની વાત કરવામાં આવે ત્યારે એમાં આંતર-વસ્ત્રોનો પણ સમાવેશ કરી લેવો જોઈએ.
મંગળવાર
મંગળ-પ્રધાન મંગળવારના દિવસે શક્ય હોય તો એક પણ પ્રકારની લીગલ મૅટરની શરૂઆત ન કરવી કે એમાં પડવું પણ નહીં. જો કેસ કરવો જ હોય તો એને ગુરુવાર સુધી ટાળી દેવો, પોલીસ-ફરિયાદ કરવી જ હોય અને મૅટર એવી સિરિયસ ન હોય તો એને પણ મંગળવારે કરવાની ટાળવી. મંગળ આક્રમકતા સૂચવે છે. મંગળવારે ઊભી થતા લીગલ લિટિગેશનમાં સામેનો પક્ષ પણ પોતાનું બધું જોર વાપરે એવી સંભાવના સતત રહેતી હોવાથી મંગળવારે કોર્ટ-કેસના લફરામાં પડવાનું ટાળવું.
બુધવાર
સાંભળ્યું હશે કે બુધવારે જે કામ કરો એ બેવડાય. આ ઉક્તિ સાવ એમ જ હવામાંથી નથી આવી. એમાં તથ્ય છે અને એટલે જ સૂચન કરવાનું કે બુધવારના દિવસે લોન લેવાનું કે લોન એટલે કે કોઈને ઉછીના પૈસા આપવાનું ટાળવું. ધારો કે સામેની વ્યક્તિને ઇમર્જન્સી હોય તો પણ કામચલાઉ રકમ જ આપવી અને વધારાની રકમ બુધવાર સિવાયના બીજા કોઈ દિવસે આપવી. એવું જ લોન લેવાની બાબતમાં પણ કરવું. લોનની સેન્ક્શન મળી જાય તો પણ એ લોન બુધવારે બૅન્ક પાસેથી લેવાનું ટાળી દેવું. એક દિવસનું એ વ્યાજ પોસાશે, પણ બીજી વાર લોન લેવી પડે એ કોઈ કાળે નહીં પોસાય.
ગુરુવાર
ગુરુને ગુરુનો દિવસ માનવામાં આવ્યો છે ત્યારે પહેલાંના સમયના ગુરુને યાદ કરીને એ દિવસે વાળ કે નખ કાપવાનું ટાળવું. ગુરુવારે આ કામ કરનારી વ્યક્તિ બહુ ઝડપથી કોઈ બાબતમાં ભૂલ કરી બેસે એવી સંભાવના રહે છે જે માટેનું કારણ એ છે કે ગુરુવાર હંમેશાં સાચી દિશામાં લઈ જવાનું કામ કરે છે, પણ ગુરુવારે નખ-વાળ કાપનારાને એ અંતઃસ્ફુરણા થતી નથી અને તે ખોટો નિર્ણય લઈ લે છે એટલે પ્રયાસ કરો કે ગુરુવારે નખ કે વાળ કાપો નહીં.
શુક્રવાર
આજના દિવસે ખાંડ કે ચાંદી કોઈને આપવી નહીં. હા, જો એ કોઈ આપે તો લેવામાં સહેજ પણ સંકોચ કરવો નહીં અને એ વ્યક્તિને આવું બ્રહ્મજ્ઞાન પણ આપવા જવું નહીં. એક અગત્યની વાત કહું. માગ્યા વિના શાસ્ત્રોક્ત સૂચનો કરવાં એને ગ્રહનો અનાદર કહેવામાં આવ્યો છે. વાસ્તુશાસ્ત્રમાં કહેવાયું છે કે જો કોઈ સલાહ માગે નહીં તો સલાહ આપવી નહીં. આ પ્રકારે માગ્યા વિના સલાહ આપનારો વાસ્તુપુરુષની ચાડી ખાય છે અને ચાડી ખાનારાને ક્યારેય કોઈ છોડે નહીં.
શનિવાર
લોખંડ અને કાતર. ક્યારેય એટલે ક્યારેય આપો નહીં. રદ્દીમાં પડેલી કે નકામી થઈ ગયેલી લોખંડની આ ચીજવસ્તુનો સારો ભાવ મળતો હોય તો પણ એ શનિવારે આપવાનું ટાળીને એને ઘરમાં જ રહેવા દેજો. શનિવાર લોખંડ કે કાતરને ઘરમાંથી બહાર કાઢવાનો અર્થ થાય છે કે શનિ ગ્રહનો અનાદર કરીએ છીએ અને અનાદર થતો હોય એની સામે શનિ ગ્રહનો પ્રકોપ હંમેશાં આકરો રહે છે. અહીં લોખંડ એટલે લોખંડનો કોઈ પણ સામાન કહેવામાં આવ્યો છે તો સાથોસાથ સ્ટીલને પણ લોખંડ જ ગણાવવામાં આવ્યું છે એ ભૂલતા નહીં.
રવિવાર
કાંટાવાળા કોઈ પણ પ્રકારના પ્લાન્ટ હોય તો એને પાણી પીવડાવવું નહીં. જો એવું લાગતું હોય તો શનિવારે સૂર્યાસ્ત પહેલાં પાણી પીવડાવી દેવું, પણ રવિવારે કાંટાવાળા પ્લાન્ટને પાણી આપવાની ભૂલ કરવી નહીં. સૂર્યનારાયણના દિવસે જો કાંટાને મોટા કરવાનું કૃત્ય કરવામાં આવે તો સૂર્યનારાયણ ઘરમાં માંદગી આપી શકે છે અને સાથોસાથ ઘરની મુખ્ય વ્યક્તિના વિકાસને પણ અટકાવી શકે છે એટલે શક્ય હોય તો શનિવારે કાંટા હોય એવા પ્લાન્ટને પાણી દેવું નહીં, ભલે પછી એ ગુલાબનો છોડ હોય.

