જ્યોતિષશાસ્ત્રી મંત્રજાપ કરીને રક્ષણ મેળવવાની વાત કરે છે તો ખગોળવિજ્ઞાની કહે છે કે આવી આકાશીય ઘટના અવારનવાર બનતી હોવાથી લોકોએ ગભરાવાની બિલકુલ પણ જરૂર નથી
પ્રતીકાત્મક તસવીર
આજે સૂર્યગ્રહણની સાથે એકસાથે સૂર્ય, ચંદ્ર, ગુરુ, બુધ, શુક્ર અને રાહુની મીન રાશિમાં યુતિ થવાની છે ત્યારે આજે પૃથ્વી પર ઘણીબધી નેગેટિવ એનર્જીનો વરસાદ થવાનો છે એવા મેસેજ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા છે. આ નેગેટિવ એનર્જીથી રક્ષણ મેળવવા માટે આજે સવારના નહાતી વખતે પાણીની બાલદીમાં બે ચમચી મીઠું નાખવાની તો બપોર પહેલાં હનુમાન ચાલીસાનો ત્રણ વખત પાઠ કરવાની, શનિદેવનાં દર્શન કરવાની કે આખો દિવસ મંત્રજાપ કરવાની સલાહ આપતા મેસેજ પણ ગઈ કાલે સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા હતા.
આ વિશે મીરા રોડમાં આવેલા ગણેશ મંદિર અને માતૃ મંદિરના સંચાલક જ્યોતિષશાસ્ત્રી દિનેશ રાજ્યગુરુએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૫૭ વર્ષ પછી મીન રાશિમાં એકસાથે છ ગ્રહોની યુતિ આજે રાતના ૯.૪૨ વાગ્યે થશે. આજે રાત્રે ૯.૪૨ વાગ્યે શનિ ગ્રહ કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરશે. ત્યાર બાદ ષડ્ગ્રહી યોગનો પ્રભાવ દેખાવાની શરૂઆત થશે. આજે શનિ અમાવસ્યા છે અને સાથે સૂર્યગ્રહણ પણ છે, જે ભારતમાં દેખાવાનું નથી એટલે એને પાળવાની જરૂર નથી. જોકે એકસાથે બધા ગ્રહ એક લાઇનમાં આવશે એટલે તેઓ પોતપોતાનો પ્રભાવ દેખાડશે એટલે રાશિ મુજબ એનાં પરિણામો જોવા મળશે. જ્યોતિષશાસ્ત્ર મુજબ ગ્રહોની એનર્જી પૃથ્વી પર અસર કરે છે. એમાં પણ એકસાથે છ ગ્રહ એક જ રાશિમાં જ્યારે આવે ત્યારે એની વિશેષ અસર જોવા મળે છે. આ નેગેટિવ અસરથી બચવા માટે આ યોગમાં પૂજાપાઠ, મંત્રજાપ કે મંદિરમાં જઈને વિવિધ ભગવાનનાં દર્શન કરવાથી સારું ફળ પ્રાપ્ત થશે. ગ્રહોની યુતિ રાતના ૯.૪૨ વાગ્યાથી થાય છે એટલે આજે દિવસ દરમ્યાન વિશેષ પૂજાપાઠ કે મંત્રજાપ કરવાની જરૂર નથી, પણ રાતના સમયે મંત્રના જાપ કરવાથી વિશેષ ફાયદો થશે.’
ADVERTISEMENT
જાણીતા ખગોળશાસ્ત્રી ડૉ. જે. જે. રાવલે આ સંદર્ભમાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહિનાની દરેક અમાસે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી સીધી લીટીમાં આવે છે. જોકે દરેક અમાસે ત્રણેય ગ્રહ પૂરેપૂરી રીતે એક લાઇનમાં નથી આવતા એટલે સૂર્ય કે ચંદ્રગ્રહણ નથી થતું. આવતી કાલે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર આવી જશે એટલે સૂર્યગ્રહણ થવાનું છે. ગુરુ, બુધ, શુક્ર, મંગળ અને યુરેનસ પણ કેટલાક અંશે એકસાથે આવવાના છે. જોકે આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું નથી એટલે એની આપણા પર કોઈ અસર નહીં થાય. આમ જોવા જઈએ તો સૂર્ય, ચંદ્ર કે બીજા કોઈ ગ્રહ એક લાઇનમાં આવે એ કોઈ મોટી આકાશીય ઘટના નથી. આપણે બધા લાઈનમાં ઊભા હોઈએ તો પહેલી વ્યક્તિ જ જોઈ શકાય છે. એ પછીની બીજી, ત્રીજી કે દસમી વ્યક્તિ દેખાતી નથી. આવી જ આ ઘટના છે. પૃથ્વી પર ગ્રહ સાથે કે નજીક આવવાથી પૉઝિટિવ કે નેગેટિવ એનર્જી વરસતી નથી. આથી આપણે જરાય ગભરાવાની જરૂર નથી.’

