વાસ્તુશાસ્ત્રમાં કહેવાયું છે કે તમે સારું ન કરો તો ચાલશે, પરંતુ અજાણતાંય ખરાબ ન થાય એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ
પ્રતીકાત્મક તસવીર
વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરના મુખ્ય દરવાજા પર શું હોવું જોઈએ એની વાત આપણે ગયા રવિવારે કરી, આજે આપણે વાત કરવાની છે મુખ્ય દરવાજા પર કે એની આજુબાજુમાં શું ન હોવું જોઈએ. વાસ્તુશાસ્ત્રનો એક નિયમ છે. વ્યક્તિ વાસ્તુ મુજબ કશું ન કરી શકે તો ચાલે પણ વાસ્તુવિરોધી તો તેણે પ્લાનિંગ ન જ કરવું જોઈએ એટલે કે ગયા રવિવારે કહ્યું એ કોઈ વાત તમે પાળી ન શકો તો ચાલે, પણ આજે જે કહેવામાં આવવાનું છે એ ચીજવસ્તુઓ તો કોઈ કાળે મુખ્ય દરવાજે રાખવી ન જોઈએ.
૧. મુખ્ય દરવાજે કચરાટોપલી...
ADVERTISEMENT
ઘણાં ઘરોનાં મુખ્ય ડોર પર ડસ્ટબિન પડી હોય છે. આ બહુ ખોટી રીત છે. જે દરવાજે ઘરમાં સકારાત્મક ઊર્જા લાવવાની હોય એ જ દરવાજા પર કૂડાદાન મૂકવું ગેરવાજબી છે. ઘરના મુખ્ય દરવાજે કોઈ પણ પ્રકારની ડસ્ટબિન રાખવી ખોટું છે. સફાઈ કરવાવાળા ભાઈ કચરો લેવા આવવાના હોય એટલી વાર પૂરતી ડસ્ટબિન મુખ્ય દરવાજે રહે તો પણ તરત દરવાજે સફાઈ કરી લેવી જોઈએ. આ સફાઈનો પણ નિયમ છે. ડસ્ટબિન ખાલી થઈ ગયા પછી એ ઘરમાં મૂકી દો એટલે મુખ્ય ડોર પાસે સાવરણી કાઢી લેવી જોઈએ અને પોતું પણ કરી નાખવું જોઈએ.
આ ઉપરાંત ઘરના મુખ્ય ડોરની આજુબાજુમાં સાવરણી પણ રાખવી હિતાવહ નથી.
૨. મુખ્ય દરવાજે કાંટાવાળા પ્લાન્ટ...
ઍલોવેરા કે પછી ગુલાબ કે અન્ય એવા પ્લાન્ટ, જેમાં કાંટા હોય એને ઘરની બહાર રાખવાનું વાસ્તુશાસ્ત્રમાં કહેવાયું છે એટલે લોકો અજાણતાં જ આ પ્રકારના પ્લાન્ટને ઘરના મુખ્ય ડોર પર મૂકતા થયા છે, જે ખોટું છે. જો કમ્પલસરી એવા કાંટાવાળા પ્લાન્ટ ઘરમાં રાખવા હોય તો એને ઘરના પાછળના ભાગમાં રાખવા જોઈએ. પહેલી વાત તો એ જ છે કે એ પ્રકારના છોડ કે પ્લાન્ટ ઘરમાં ન રાખવા જોઈએ પણ મુખ્ય ડોરની બહારના ભાગને પણ ઘરમાં જ સામેલ કરવામાં આવે છે એટલે ત્યાં પણ એ ન મૂકવા જોઈએ.
ઘરની બહાર મુખ્ય ડોર પર રાખવામાં આવેલા કાંટાળા પ્લાન્ટ ઘરમાં મુશ્કેલી અને તકરાર ઊભી કરવાનું કામ કરી શકે છે.
૩. તૂટેલી કે બગડેલી ચીજવસ્તુઓ
ઘરના મેઇન ડોર પર જો ડોરબેલ હોય તો એ ચાલુ હોવી જોઈએ. જો બહાર લાઇટ રાખી હોય તો એ વાજબી રીતે કામ કરતી હોવી જોઈએ અને સાથોસાથ એનો પ્રકાશ પણ પૂરતો હોવો જોઈએ. ઘરના મુખ્ય દ્વાર પર કાળા કલરની કોઈ મૂર્તિ ન રાખવી જોઈએ. દરવાજે લટકાવવા માટે શનિદેવની મૂર્તિ કે એનું યંત્ર આવે છે જે કાળા કલરનું હોય છે અને એ મૂકવામાં વાંધો નથી, પણ અહીં વાત સુશોભન માટે મૂકવામાં આવતી આઇટમની છે. ઘરના મુખ્ય દરવાજે એવો કોઈ ફોટો કે મૂર્તિ પણ ન મૂકવાં જેમાં ભય દર્શાતો હોય. મુખ્ય દરવાજા કે આંગણામાં પ્રસન્નતા હોય અને એ પ્રસન્નતા પ્રસરાવતું હોય એવું હોવું જોઈએ.
આંગણામાં રહેલાં શૂઝ કે ચંપલને પણ વ્યવસ્થિત હારબંધ ગોઠવીને રાખવાં જોઈએ. મેઇન ડોર પર રાખવામાં આવેલું તોરણ પણ તૂટેલું ન હોય એનું ધ્યાન રાખવું જોઈએ. જો ઘરમાં નાનાં બાળકો હોય તો એ જાતજાતનાં અને ભાતભાતનાં સ્ટિકર દરવાજે ચોંટાડતાં હોય છે. બાળકોને એ માટે બીજી વ્યવસ્થા કરી આપવી. બાળપણ ભલે એ માણે પણ મેઇન ડોર પર એવાં ચિતરામણાં ન હોય એનું ધ્યાન રાખો.
૪. લોખંડનો ઉપયોગ ટાળો
આ વાત મુખ્યત્વે મુંબઈ જેવા શહેરના લોકોને લાગુ પડે છે. નાના ફ્લૅટ હોવાને લીધે એ લોકો બહારના ભાગનો પણ ઉપયોગ કરવાનું પસંદ કરે છે. મુખ્ય દરવાજાની આગળ સેફ્ટી ડોર રાખવામાં આવે છે જે લોખંડનાં હોય છે. શક્ય હોય તો લાકડાનું સેફ્ટી ડોર બનાવી લોખંડનો ઉપયોગ ટાળવો જોઈએ અને ધારો કે એ જ બનાવવું પડે એમ હોય તો પ્રયાસ કરવો કે લોખંડનું એ સેફ્ટી ડોર કાળા કલરને બદલે ક્રોમ કરેલું સ્ટીલનું સેફ્ટી ડોર લાગે.
કાળો કલર અને લોખંડ આ બન્ને નકારાત્મક ઊર્જાને પોતાની તરફ ખેંચવાનું કામ કરે છે, જે પ્રગતિને રુંધે છે એટલે પ્રયાસ કરવો કે ઘરના મેઇન ડોરમાં આ બન્નેનો ઉપયોગ ન થતો હોય.
પ. કિચૂડ-કિચૂડ બંધ કરો
ઘરના મેઇન ડોરને ખૂલવામાં કે બંધ થવામાં જરા પણ અડચણ ન આવવી જોઈએ. મેઇન ડોરને થતી રોકટોક કે તકલીફો ઘરની મુખ્ય વ્યક્તિના વિકાસમાં નડતર લાવવાનું કામ કરી શકે છે એટલે મેઇન ડોરની નિયમિત સર્વિસ કે મરામત કરાવતા રહેવી જોઈએ. મિજાગરામાં સમયસર ઑઇલિંગ કરવાથી માંડીને ભેજના કારણે જો દરવાજો ફૂલતો હોય તો એનું કામ સમયસર કરાવી લેવું.
આ ઉપરાંત દરવાજાના નકૂચા અને લૉકમાં પણ કોઈ જાતની તકલીફ ન પડતી હોય એ જોતા રહેવું.

