અન્નપૂર્ણાનો વાસ જો ઘરમાં ક્યાંય હોય તો કિચન છે. કિચન દ્વારા સમગ્ર પરિવારને ઊર્જા મળતી હોય છે. આ કિચનની કાળજી રાખવી અત્યંત આવશ્યક છે
પ્રતિકાત્મક તસવીર: સૌજન્ય AI
વાસ્તુશાસ્ત્રમાં કિચનને અત્યંત મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં પણ કહેવાયું છે કે રસોડામાં અન્નપૂર્ણાનો વાસ છે અને અન્નપૂર્ણા સૌકોઈને ઊર્જા આપવાનું કામ કરે છે જેથી કિચનની બાબતમાં અમુક ચોક્કસ વાતનું ધ્યાન અચૂક રાખવું જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં જે સૂચન કરવામાં આવ્યાં છે એ સૂચન મુજબ કિચનમાં નીચે મુજબની વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
ધારદાર ચીજ રાખો અંદર
ADVERTISEMENT
કિચનમાં એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે છરી-ચાકુ કે કાંટાઓ સીધી રીતે નજરે ન ચડે એવી રીતે રાખવાં જોઈએ. શક્ય હોય તો એને ડ્રૉઅરમાં જ રાખવાં જોઈએ. ધારદાર ચીજવસ્તુ હંમેશાં આક્રમકતા લાવવાનું કામ કરે છે જ્યારે કિચન આક્રમકતાનું નહીં, તૃપ્તિનું સ્થાન છે. કિચનમાં એ પ્રકારની ચીજવસ્તુઓને જાહેરમાં રાખવાનું ટાળવું જોઈએ. આજકાલ ઘણાં ઘરોમાં ડાઇનિંગ ટેબલ પર બટર-નાઇફ કે ફૉર્ક જેવી આઇટમ મૂકી રાખવામાં આવતી હોય છે, પણ વાસ્તુ મુજબ એ ગેરવાજબી છે. ડાઇનિંગ ટેબલ પર પણ એવી આઇટમ ન રાખવી જોઈએ જેની ધાર તીક્ષ્ણ હોય.
અગ્નિ માટે એક જ આઇટમ
પહેલાંના સમયમાં રસોડામાં અગ્નિ પ્રકટાવવા માટે એક જ આઇટમ રાખવામાં આવતી. એ સમયે અગ્નિ માટે બહુ ઑપ્શન નહોતા પણ હવે ઑપ્શનનો ઢગલો છે અને મોટા ભાગનાં ઘરોમાં એ ઑપ્શન વપરાતા હોય છે. માચીસથી લઈને લાઇટર જેવા આ ઑપ્શનમાંથી ગૅસ માટે જેનો ઉપયોગ થતો હોય એ એક જ વસ્તુને બહાર રાખવી જોઈએ. આગ પ્રકટાવતા વધારાના સામાનને જાહેરમાં રાખવાને બદલે ડ્રૉઅરમાં રાખવા જોઈએ. આગ પોતે એક એવી ઊર્જા છે જે અન્ય તમામ ઊર્જાઓને ક્ષણવારમાં કાપી નાખે છે. વધારે પડતો આવો સામાન બહાર રાખવાનો સીધો અર્થ એ છે કે કિચનમાં ઉત્પન્ન થતી સકારાત્મક ઊર્જામાં ક્ષય ઊભો કરવો માટે જરૂર ન હોય એવા આગ લગાડનારા તમામ પ્રકારના એક્સ્ટ્રા સામાનને બહાર રાખવા નહીં. જરૂર પડે ત્યારે આમ પણ એને ફરીથી બહાર કાઢી જ શકાય છે.
એક ખાસ સૂચના, મંદિરમાં દીવાબત્તી કરવા માટે વપરાતી માચીસનો ઉપયોગ શક્ય હોય તો એ કામ માટે જ કરવો. એક ને એક માચીસથી દીવાબત્તી પણ થાય અને એ જ માચીસથી કિચનમાં સ્ટવ પણ જલે કે પછી સિગારેટ પણ સળગાવવામાં આવે એવું કરવું ગેરવાજબી છે.
રાંધેલી વસ્તુનો ચોક્કસ સમય
પહેલાં ચોખવટ કે અહીં વાત મીઠાઈ કે ફરસાણની નથી ચાલતી. વાત છે એવા રાંધેલા ખોરાકની જેને આપણે બપોરના કે રાતના ખાણામાં વાપરવાના હોઈએ. આ પ્રકારનું ભોજન છ કલાકથી વધારે સમય માટે સંઘરવું ન જોઈએ. સાયન્સ પણ એવું કરવાની ના પાડે છે તો આપણું આયુર્વેદ પણ એ કરવાની ના પાડે છે. જોકે રાંધેલો ખોરાક કોઈને આપી દેવામાં પણ મન કચવાતું હોય એ સ્વાભાવિક છે. જો શક્ય હોય તો એટલું જ રાંધો જે એક જ સમયના ફૂડમાં વપરાઈ જવાનું હોય. ધારો કે વધારે બની ગયું કે પછી કોઈ કારણસર એ વધ્યું હોય તો પ્રયાસ કરો કે છ કલાક પહેલાં એનો ઉપયોગ થઈ જાય અને જો એ પણ શક્ય ન બને તો પ્રયાસ કરો કે એ ફૂડ કોઈને ખાવા માટે આપી દો.
અગાઉના સમયમાં રાજારજવાડાં કે મોટા ઘરના લોકો સાંજના સમયના ફૂડનું પ્રિપેરેશન શરૂ થાય એ પહેલાં બપોરનું ભોજન અન્યને જમાડી દેતા. આવું કરવા પાછળનું કારણ વાસ્તુશાસ્ત્ર છે.
જાહેરમાં મરી-મસાલા ન રાખો
અહીં પણ ડાઇનિંગ ટેબલ યાદ કરવું પડે એમ છે કારણ કે મોટા ભાગના લોકો હવે ડાઇનિંગ ટેબલ પર મીઠું અને મરીની ડબ્બીઓ રાખતા થઈ ગયા છે, જે વાસ્તુ મુજબ ગેરવાજબી છે. મરી-મસાલા ક્યારેય જાહેરમાં અને સ્પષ્ટતા સાથે જોઈ શકાય એવી રીતે રાખવા ન જોઈએ. આ મરી-મસાલામાં મીઠું પણ આવી જાય છે. શક્ય હોય તો એને ડ્રૉઅરમાં જ રાખો અને ધારો કે એવું ન થઈ શકતું હોય તો એને એવી રીતે મૂકી રાખો કે એ સીધા નજરે ન ચડે.
મરી-મસાલાની સાથોસાથ આ જ વાત અથાણાંને પણ લાગુ પડે છે. અથાણાં પણ ક્યારેય જાહેરમાં ન રાખવાં જોઈએ. અથાણાં ક્યારેય કોઈને આપવાં પણ ન જોઈએ. જો અથાણાં આપો તો એની સાથે કોઈ પણ પ્રકારનું ગળપણ આપીને ખારાશ અને મીઠાશને બૅલૅન્સ કરી લેવું જોઈએ.
ખાલી સામાન બિલકુલ નહીં
કિચનમાં ક્યારેય ખાલી સામાન રાખવો ન જોઈએ અને એવી જ રીતે કિચનમાં ક્યારેય નકામો સામાન પણ ન રહેવા દેવો જોઈએ. કિચન બરકતનું સ્થાન છે. ખાલી થયેલા ડબ્બાઓનો તાત્કાલિક નિકાલ થવો જોઈએ અને કાં તો એને ડ્રૉઅરમાં મૂકી દેવા જોઈએ. ખાલી સિલિન્ડર પણ ઘરમાં અને ખાસ તો નજર સામે રાખવું ન જોઈએ. ખાલી થયેલાં વાસણ, ડબ્બાઓ ક્યારેય સાફ કર્યા વિના મૂકવાં નહીં. જો તમને કોઈ ગંદકી સાથે સાચવી રાખે તો તમને એ ગમે નહીં. જો આપણને ન ગમે તો પછી મા અન્નપૂર્ણાને કેવી રીતે એ વાત ફાવે?

