ઉજ્જૈનના શ્રી દ્વારકાધીશ ગોપાલ મંદિરમાં જન્માષ્ટમી પછી એક અનોખો રિવાજ પળાય છે. ૪થી ૫ દિવસ સુધી અહીં મુરલી મનોહરની શયન આરતી નથી થતી, કેમ કે ત્યારે ભગવાનનો પોઢવાનો સમય ફિક્સ નથી હોતો
શ્રી દ્વારકાધીશ ગોપાલ મંદિર
જો તમને લાગતું હોય કે મહાકાલની નગરીમાં તો ભોલે ભંડારીના નામના જ સિક્કા પડતા હશે, તેમનું જ રાજ ચાલતું હશે તો એ પૂર્ણ સત્ય નથી. ઉજ્જૈનના બડા બઝાર ચોકમાં આવેલું શ્રી દ્વારકાધીશ ગોપાલ મંદિર, મહાદેવના શિવાલય બાદ બીજા ક્રમાંકનું મહત્ત્વનું મંદિર છે. અરે, અહીં હરિનો એવો દબદબો છે કે વૈકુંઠ એકાદશીએ પાર્વતીપતિ પોતે આ દ્વારકાધીશને મળવા આવે છે.
lll
ADVERTISEMENT
યસ, આપણી તીર્થાટન એક્સપ્રેસ મધ્ય પ્રદેશમાં છે અને જન્માષ્ટમી ઢૂંકડી છે એટલે આજે ઉજ્જૈનના દ્વારકાધીશનાં માનસ દર્શન કરીશું.
બાળકનો જન્મ થાય એ પછી તેના ઊઠવાનો, સૂવાનો, ભૂખનો ટાઇમ સમજતાં તેના પરિવારને, ઈવન તેની માને પણ ચાર-પાંચ દિવસ તો થાયને. ક્યારેક તે આખી રાત જાગે ને દિવસે સૂતું રહે. તો વળી કોઈ દી’ ચોવીસમાંથી વીસ કલાક ઊંઘે ને ક્યારેક વળી તે મૅક્સિમમ ટાઇમ જાગતું રહે બરાબરને? બસ, આ જ નિયમને અનુલક્ષી ઉજ્જૈનના દ્વારકાધીશ મંદિરમાં કાનુડાના જન્મ પછી ૪-૫ દિવસ સુધી દેવકીનંદનની શયન આરતી થતી નથી. જન્માષ્ટમી પછી આવતી બારસ, જેને સ્થાનિક લોકો વછબારસ કહે છે, એ દિવસે બપોરે ૧૨ વાગ્યાની આસપાસ શયન આરતી ઉતારાય છે. ને એ પછી ઑફિશ્યલી બાલ ગોપાલ પોઢે છે.
કારતક મહિનાની શુક્લ એકાદશીએ વિષ્ણુજી ભોલેનાથને મળવા જાય છે એ પ્રસંગ છે હરિ-હર મિલન.
‘આ લૉજિક તો બરાબર છે’ (શિશુના જન્મ પછી તેનું શેડ્યુલ બનતાં ચાર-પાંચ દિવસ તો થાય જ.) પણ વિશ્વના કોઈ કૃષ્ણ મંદિરમાં આવો રિવાજ નથી. અરે, માખણચોરની જન્મભૂમિ મથુરામાંય આવી કોઈ પરંપરા નથી તો અહીં આવી અનૂઠી પ્રથા કેમ છે? એના જવાબમાં અહીંના પૂજારીજી જણાવે છે, ‘આ મંદિરનો પાયો મધ્ય પ્રદેશના રાજવી પરિવાર દૌલતરાવ સિંધિયાના પત્ની વાયજા બાઈ દ્વારા સંવત ૧૯૦૧ એટલે ૧૯૧ વર્ષ પૂર્વે નખાયો. આઠ વર્ષના બાંધકામ અને સ્થાપત્ય બાદ સંવત ૧૯૦૯માં અહીં શ્યામ સ્વરૂપ દ્વારકાધીશની પ્રતિષ્ઠા કરવામાં આવી. સાથે જ પટરાણી રુક્મિણીજી અને બાજુમાં જ શંકર-પાર્વતીજીની મૂર્તિઓ પણ બિરાજમાન કરવામાં આવી. કૃષ્ણ મંદિર હોવાથી અહીં દરેક શણગાર, ભોગ, આરતી અન્ય કૃષ્ણાલયની જેમ જ થતા. પરંતુ લગભગ ૧૧૦ વર્ષ પૂર્વે તત્કાલીન પૂજારીજીને વિચાર આવ્યો કે જન્માષ્ટમીની રાત્રે ૧૨ વાગીને ૩૯ મિનિટે ભગવાનનો જન્મ થાય એની ઉજવણી ધામધૂમથી કરીએ અને એના અડધા કે એક કલાક બાદ પ્રભુની શયન આરતી કરી તેમને પોઢાડી મંદિર બંધ કરી દેવાય. પરંતુ હકીકતે જન્મ પછી શિશુ ક્યારે સૂવે, જાગે, જમે એ સમય નિશ્ચિત થોડો હોય? અને જો એ વેળાઓ નક્કી ન હોય તો પછી શયન આરતી કઈ રીતે કરાય?’
પૂજારીની આ વાતો મંદિરના ટ્રસ્ટના આગેવાનો અને સ્થાનિક ભક્તોએ વધાવી લીધી અને ત્યારથી ભગવાનની શયન આરતી છેક બારસે થાય છે. જોકે ભગવાનને પોઢાડવા પહેલાંના પાંચ દિવસ બાળ કાનુડાને જાત-જાતનાં લાડ લડાવાય છે. વારે-વારે દૂધ-માખણ આદિનો ભોગ લગાવાય છે. રમકડાં ધરાય છે. ટાઇમે-ટાઇમે વસ્ત્ર બદલાય છે (જેમ નાનું બાળક વારંવાર કપડાં ખરાબ કરી નાખે ને એ બદલવાં પડે એ રીતે) અને સુવાડાય પણ છે. જોકે પાછું થોડી વારે બાળક જાગે એમ એ જાગતાં ફરી ભોગ, વસ્ત્ર આદિ સેવા થાય છે. કહે છે કે વછ બારસના દિવસે ભગવાન મોટા થઈ જાય છે એટલે એ દિવસે સવારે ભગવાનના અભિષેક પૂજન બાદ તેમને ચાંદીની પાદુકાઓ પહેરાવાય છે ને એ દિવસે જ મંદિરના મુખ્ય દ્વાર પર બંધાયેલી માખણની મટકી તોડાય છે. આમ અન્ય મંદિરોની જેમ નોમના નહીં, અહીં છેક બારસના મટકી ફૂટે છે. આ દરેક વિધિ કર્યા બાદ મધ્યાહને ભગવાનની શયન આરતી ઉતારાય છે. આ એક જ એવો દિવસ છે જ્યારે શયન આરતી બપોરે થાય છે અન્યથા આ વિધિ દરરોજ સંધ્યાકાળ પછી જ કરવામાં આવે છે ને પછી મોહન સૂએ છે.
આ અનોખી પ્રથા ઉપરાંત વૈકુંઠ ચતુર્દશી મીન્સ વિષ્ણુ ભગવાન ચાર મહિનાના અંતરાલ બાદ જ્યારે જાગે છે એ કારતક સુદ ૧૪ની રાત્રે ખુદ મહાકાલ વાજતે ગાજતે દ્વારકાધીશના મંદિરે જાય છે. અહીં બેઉની પૂજા-અર્ચના થાય છે જે દોઢ કલાક ચાલે છે. પછી કૈલાશપતિ પરત તેમના શિવાલય જાય છે. આ પ્રથાને હરિહર મિલન કહેવાય છે. એવીયે અદ્વિતીય પરંપરા અહીં પળાય છે. આ રિચ્યુઅલની પાછળની કથા એ છે કે વિષ્ણુ ભગવાન દેવપોઢી એકાદશીએ ચાર મહિનાની નિદ્રામાં સરી જાય એ પૂર્વે સૃષ્ટિને ચલાવવાની, સંભાળવાની જવાબદારી મહાદેવને સોંપે છે. કારતક મહિનાની શુક્લ એકાદશીએ વિષ્ણુજી જાગતાં ભોલેનાથ તેમને એ જવાબદારી પાછી આપવા જાય છે અને એ જ દરમિયાન થાય છે હરિ-હર મિલન. જોકે આ પરંપરા પાછળ કોઈ લેખિત પ્રમાણ નથી પરંતુ વર્ષોથી આ રિવાજ ચાલતો આવ્યો છે અને હરિને મળવા જવાની એ શોભાયાત્રામાં હજારો સ્થાનિક શ્રદ્ધાળુઓ જોડાય છે. ઢોલ, નગારાં, ત્રાંસાના ધમધમાટ વચ્ચે અનેક કરતબો અને ઝાંખીઓ રજુ કરતા કલાકારો સાથે મહાકાલના મંદિરેથી શંકરજીનો મુખવટો તેમ જ સ્ટૅચ્યુને લઈને રાત્રે પાલખી યાત્રા નીકળે છે. બેઉ મંદિરો વચ્ચેનું ભૌગોલિક અંતર ફક્ત અઢી-ત્રણ કિલોમીટરનું છે. પરંતુ ભાવિકોનો ઉત્સાહ એવો જબરદસ્ત હોય છે કે આ યાત્રાને ગોપાલ મંદિર સુધી પહોંચતાં બેથી ત્રણ કલાકનો સમય થાય છે. શંકર સ્વરૂપની ઊભી પ્રતિમા બાકાયદા દ્વારકાધીશને ભેટે છે. પછી કૃષ્ણ અને મહાદેવની મંત્રોચ્ચાર સાથે પૂજા શરૂ થાય છે. આ વિરલ ઘટનાના સાક્ષી બનવા હજારો ભક્તો અહીં ઉપસ્થિત રહે છે. એ જ રીતે જન્માષ્ટમી પર્વ તેમ જ વછ બારસના પણ આ મંદિરમાં હકડેઠઠ મેદની રહે છે.
હવે વાત કરીએ મંદિરની, તો આગળ કહ્યું એમ ઈ. સ. ૧૮૫૨માં સ્થપાયેલા આ મંદિરનું સ્થાપત્ય મરાઠા, ઇસ્લામિક અને રાજસ્થાની શૈલીનું છે. શિખર, ગર્ભગ્રહ અંતરાલ તેમ જ મંદિરની ફરતેનો કોટ મરાઠી આર્કિટેક્ચરના નમૂનારૂપ છે, જ્યારે મંદિરના બહારના ભાગનો ઝરૂખો મોગલ શૈલીને રેપ્રિઝેન્ટ કરે છે. રંગબેરંગી સ્ટેઇન્ડ ગ્લાસનાં ઊંચાં-ઊંચાં બારી, દરવાજા તેમ જ અંદરની છત, સ્તંભ દીવાલો પરનાં રંગીન ચિત્રોમાં રાજસ્થાનના રાજવી મહેલોની છાંટ વરતાય છે. કૃષ્ણલીલા પર આધારિત તેમ જ ફૂલપત્તીનાં એ પેઇન્ટિંગ મુગ્ધ કરી દે એવા સુંદર છે. તો ગર્ભગ્રહમાં ચાંદીના કમાનયુક્ત ઓટલા પર બિરાજમાન કાનુડાની દ્વારકાધીશ રૂપની પ્રતિમા મેસ્મેરાઇઝ કરી દે એવી પાવરફુલ છે. બે ફીટ ઊંચી આ મૂર્તિ શ્યામ સંગેમરમરમાંથી બનાવાઈ છે અને તેમની બાજુમાં ગોરાં-ગોરાં રુક્મિણીની મૂર્તિ છે. બીજી બાજુ નીલકંઠની નીલી પ્રતિમા અને તેમની ગોદીમાં બેઠેલાં પાર્વતીજી પણ દર્શનીય છે. આ ત્રણેય પ્રતિમાઓ કાયમ સરસ મજાના શૃંગારથી સજાવેલી હોવાથી તેમની અંગભંગિમા પ્રૉપર દેખાતી નથી પણ ત્રણેય મૂર્તિના ચહેરા અત્યંત આકર્ષક છે અને એ આકર્ષણથી જ લાખો ભાવિકો ગોપાલનાં દર્શનાર્થે ચુંબકની જેમ ખેંચાઈ આવે છે. મંદિરમાં લાલજી સ્વરૂપે કાનુડો, હનુમાનજી, ગરુડજી, ગણપતિ તથા ગાર્ડ રૂપ જયવિજયની મૂર્તિ પણ છે. દ્વારકાધીશ ઉપરાંત તેમના નિજ મંદિરના દરવાજાની ચર્ચા પણ ખાસ્સી થાય છે. કહેવાય છે આ એ કમાડ છે જે મહમદ ગઝનીએ સોમનાથ (ગુજરાત)ની ઉપર હુમલો કરી લૂંટી લીધાં હતાં. ત્યાર બાદ સિંધિયા રાજવીઓએ ગઝની સાથે યુદ્ધ કરી એ બારણાં જીતી લીધાં અને અહીં દ્વારકાધીશના મંદિરમાં લગાવ્યાં. આ વાત શક્ય હોઈ શકે કારણ કે આ મંદિર સિંધિયા દેવસ્થાન ટ્રસ્ટનું હોવાથી એવું બન્યું હોય, પરંતુ ટ્રસ્ટ તરફથી એની કોઈ પુષ્ટિ નથી થયેલી.
સવારના ૪થી રાત્રે સાડાઆઠ વાગ્યા સુધી સળંગ ખુલ્લા રહેતા આ મંદિરમાં ભોગ-શણગાર વખતે થોડી વાર પડદો પડાય છે બાકી ગોપાલજી ભક્તોને આખો ટાઇમ દર્શન આપે છે. તહેવારોએ તથા દરરોજ સાંજે ૪-૫ વાગ્યે સ્થાનિક બહેનો બ્રજ તેમ જ મેવાડી ભાષામાં યશોદાનંદનનાં ભજનો ગાય છે. ભાષા સમજ ન પડે તોય તેમનાં ભક્તિગીતોનો લહેકો અને લય સાંભળનારને કૃષ્ણની વધુ નજીક ચોક્કસપણે લઈ જાય છે. ઉજ્જૈનનું બીજું મહત્ત્વનું મંદિર હોવા છતાં અહીં દર્શનાર્થીઓની ઝાઝી ભીડ નથી હોતી. છતાંય વધુ શાંતિથી દર્શન કરવાં હોય તો વહેલી સવારના ૪થી ૯ વાગ્યાના સમય સુધી અહીં અપાર શાંતિ હોય છે. એ પછી બજારનો કોલાહલ, ટ્રાફિકનો ઘોંઘાટ શરૂ થઈ જાય છે. હા, આ મંદિર મુખ્ય બજારમાં છે. પોસ્ટલ ઍડ્રેસ વાઇઝ એ ઉજ્જૈનના કામરી માર્ગ પર આવેલા પટની બજારમાં છે પણ કોઈ પણ રિક્ષાવાળાને દ્વારકાધીશ મંદિર કહો એટલે ઉજ્જૈનના કોઈ પણ ખૂણાથી અહીં પહોંચાડી દે છે. એ જ રીતે જે રીતે રેલવે ભારતના કોઈ પણ મુખ્ય શહેરથી ઉજ્જૈન પહોંચાડી દે છે. થિયરી, ઉજ્જૈન ભારતના ખૂણે-ખૂણેથી સુપેરે સંકળાયેલું છે. એમાંય મુંબઈગરાને તો ફાયદો એ છે કે અહીંથી દરરોજ બે સુપર ફાસ્ટ ટ્રેનો ઊપડે છે. હા, હવાઈયાત્રા કરવી હોય તો ઇન્દોરમાં લૅન્ડ થવું પડે અને લગભગ ૫૬ કિલોમીટરનું રોડ-ટ્રાવેલ કર્યા બાદ શંભુનાથના શહેરમાં પહોંચી શકાય.
છેલ્લા દોઢ દસકામાં મહાકાલનાં દર્શને આવનારી સંખ્યા જબરદસ્ત રીતે શૂટઅપ થઈ છે. એમાંય અહીં કૉરિડોર બન્યા પછી તો દરેક વયના લોકોમાં ઉજ્જૈન પ્રસિદ્ધિ પામ્યું છે. એ અન્વયે અહીં દરેક વર્ગની હોટેલ, ગેસ્ટ હાઉસ, ધર્મશાળાઓની સંખ્યામાં પણ વૃદ્ધિ થઈ છે અને ખાણી-પીણીની સુવિધાઓમાં પણ ખાસ્સો વધારો થયો છે. સો, ડોન્ટ વરી તમને ભાવશે, ફાવશે ને ચાલશે (અનુકૂળ આવશે) એવું ખાણું અહીં મળી રહેશે.
પૉઇન્ટ્સ ટુ બી નોટેડ
પ્રાચીન અવંતિકા તરીકે જાણીતું આ નગરનું કનેક્શન વરાહમિહિર, બાણભટ્ટ, ભર્તૃહરિ, કાલિદાસ, વલ્લભાચાર્ચ, શંકરાચાર્ય તેમ જ અનેક ઋષિમુનિઓ. મહાપુરુષો સાથે છે. કાશીની જેમ આ પ્રદેશ પણ અતિ પ્રાચીન હોવાનું મનાય છે. સપ્ત મોક્ષપુરીમાં સ્થાન પામતા આ નગરમાં અનેક પૌરાણિક મંદિરો અને પાવન સ્થાનો છે. હિન્દુ સાથે જૈન, બુદ્ધ ધર્મના પણ અહીં પવિત્ર દેવાલયો છે અને એ પણ પ્રભાવશાળી છે.
સ્કંદ પુરાણ અનુસાર મંગળ ગ્રહની બર્થ પ્લેસ આ ઉજ્જૈન નગરી જ. અહીં અનેક ભક્તો મંગળની પૂજા, શાંતિ, હવન કરવા આવે છે. જો-જો આ મંદિરે જવાનું ભુલાય નહીં.
આપણાં પુરાણોના મતે ઉજ્જૈનથી જ સમય ગણનાની પ્રણાલીનાં મંગલાચરણ થયાં હતાં. ભારતે આ વિજ્ઞાન વિદેશને શીખવ્યું છે અને જ્યોતિષશાસ્ત્રનો વિકાસ અને વ્યાપ પણ અહીંથી જ થયો છે.

