માતૃભાષા આપણી આંખ છે અને બીજી બધી ભાષાઓ ચશ્માં છે. આપણને પચીસ ચશ્માં પહેરવાની છૂટ પણ એના માટે આંખ તો સલામત હોવી જોઈએ!
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
જૂના વખતમાં બાળકોને ઘરમાં સંસ્કાર આપવામાં આવતા; સવારે વહેલા ઊઠવું. ઊઠીને મંગલાચરણ બોલી શ્રીઠાકોરજીનાં દર્શન કરવાં, કંઠીનાં દર્શન કરવાં, ગુરુદેવનું સ્મરણ કરવું, વડીલોને જય શ્રીકૃષ્ણ કરવાં વગેરે પરંતુ આજે પશ્ચિમી સંસ્કૃતિનું વળગણ લાગેલા અંગ્રેજી માધ્યમમાં ભણતાં બાળકોનાં મોઢામાંથી ‘જય શ્રીકૃષ્ણ’ જલદી નીકળે નહીં, એ તો સવારે જાગતાં વેંત તેના પિતાને કહેશે, ‘હાય ડૅડ! ગુડ મૉર્નિંગ!’ પિતાને ડૅડ કહે પછી આપણી સંસ્કૃતિ ડેડ જ થઈ જાયને? આજે ઝડપથી વધતા પશ્ચિમીકરણની બાહ્ય ઝાકઝમાળથી બધા અંજાઈ ગયા છે પણ એ યાદ રાખવું જોઈએ કે પશ્ચિમની સંસ્કૃતિ બાહ્ય દેખાવની સંસ્કૃતિ છે, જ્યારે ભારતની સંસ્કૃતિ ચારિત્ર્યની સંસ્કૃતિ છે જેમાં આંતરિક બાબતો સંકળાયેલી છે. આજે બધાને માત્ર બાહ્ય દેખાવમાં રસ છે. બીજા લોકો જેને વખાણે એવું કરવા માટે લોકો કોઈ પણ સ્તરે જઈ શકે છે. અંગ્રેજી બોલે તે જ એજ્યુકેટેડ કહેવાય એ માન્યતા ખોટી છે. જેને ભલે માતૃભાષાનો કક્કો પણ આવડતો ન હોય તેને બીજી ભાષાનો પાયો કઈ રીતે સમજાવાનો?
આપણો છોકરો બેચાર લીટી અંગ્રેજીમાં કવિતાની બોલે એટલે આપણે સમજીએ કે તેણે આપણાં એકવીસ કુળ તારી નાખ્યાં. એવું નથી કે અંગ્રેજી ભાષા ખરાબ છે. કોઈ પણ ભાષા ક્યારેય ખરાબ હોતી નથી. વિશ્વની દરેક ભાષા સારી છે પણ માતૃભાષા વગર મૌલિકતા આવતી નથી. માતૃભાષા આપણી આંખ છે અને બીજી બધી ભાષાઓ ચશ્માં છે. આપણને પચીસ ચશ્માં પહેરવાની છૂટ પણ એના માટે આંખ તો સલામત હોવી જોઈએ!
ADVERTISEMENT
ખલીલ જિબ્રાને ખૂબ જ સરસ લખ્યું છે કે ‘મને જ્યારે સ્કૂલમાં ભણવા મૂકવાનો સમય થયો ત્યારે ઘરના બધા જ વડીલો મને અન્ય ભાષામાં ભણાવવા માગતા હતા. માત્ર મારી માતાએ આગ્રહ રાખ્યો કે મારું ભણતર માતૃભાષામાં જ થવું જોઈએ અને તેથી જ આજે હું ખલીલ જિબ્રાન થઈને વિશ્વમાં ઊભો છું. આપણા મોટા ભાગના ધર્મગ્રંથો માતૃભાષામાં જ લખાયેલા મળતા હોવાથી માતૃભાષા શીખવાનો આગ્રહ વધારે રાખવો જોઈએ જેથી ધર્મગ્રંથોનું વાંચન અને ચિંતન સારી રીતે થઈ શકે.’
-વૈષ્ણવાચાર્ય ૧૦૮ શ્રી પૂજ્ય દ્વારકેશલાલજી મહારાજશ્રી

