પ્રવચનમાં આવેલી આવી જ કોઈક વાત સાંભળીને પ્રવચન પૂરું થયા બાદ બે યુવકો મળવા આવ્યા. બન્ને યુવાન અને ઉત્સાહથી થનગનતા
પ્રતીકાત્મક તસવીર
‘પૈસા હાજર તો નિર્ભયતા ગાયબ. સફળતા હાજર તો પ્રસન્નતા ગાયબ. વટ હાજર તો શાંતિ ગાયબ. જલસા હાજર તો આનંદ ગાયબ. સામગ્રી હાજર તો સમાધિ ગાયબ. પ્રતિષ્ઠા હાજર તો સદ્ગુણો ગાયબ. હા, મનનું શરણ સ્વીકારી લેનારી વ્યક્તિને આ બધાં ઇનામો મળે છે. સાચે જ જીવનને સ્વસ્થ રાખનારા અને નિર્ભય રાખનારા ઉત્તમ એવા સદ્ગુણોને હાથવગા રાખવા માગતા હો તો સફળતાપ્રેમી મનની લોભાદિ ગલત વૃત્તિઓને આધીન થવાની અંતઃકરણને સ્પષ્ટ ના પાડી દો. જીવનને તો સ્વસ્થ રાખી જ શકશો, પણ મરણનેય મસ્ત બનાવી શકશો.’
પ્રવચનમાં આવેલી આવી જ કોઈક વાત સાંભળીને પ્રવચન પૂરું થયા બાદ બે યુવકો મળવા આવ્યા. બન્ને યુવાન અને ઉત્સાહથી થનગનતા. યુવકોએ આવીને હાથ જોડ્યા અને કહ્યું, ‘ગુરુદેવ, નિયમ જોઈએ છે.’
ADVERTISEMENT
‘શેનો?’
‘ધંધામાં અનીતિ નહીં કરવાનો.’
‘દાખલા તરીકે?’
‘ઘરાકોને અમે જે પણ માલ આપીએ છીએ એ માલ પર કાયદેસર સરકારનો ટૅક્સ લાગે જ છે જે ઘરાકે ભરવાનો હોય છે, પણ ઘરાક એ ટૅક્સ ભરવા નથી માગતો એટલે તે વગર બિલનો માલ માગે છે. અમે તે ઘરાકને સાચવી લેવા તેને વગર બિલનો માલ આપીએ જ છીએ.’ એક યુવકે માંડીને વાત કરી, ‘આવું કરવામાં જો ઘરાકને ત્યાં માલની ડિલિવરી થાય એ પહેલાં વચ્ચે માલ સગેવગે થઈ જાય કે પકડાઈ જાય તો એમાં અમારે જ નાહી નાખવાનું આવે છે એટલે ગોડાઉનમાંથી કે ઑફિસમાંથી માલ નીકળી ગયા બાદ જ્યાં સુધી ઘરાકને ત્યાં પહોંચી ગયાના સમાચાર નથી આવતા ત્યાં સુધી મન સતત તનાવમાં જ રહે છે. વળી રેઇડનો ડર પણ સતત રહ્યા કરે છે. ઑફિસરો આવી જાય છે ત્યારે તેમને લાંચરૂપે ભેટ પણ ધરવી પડે છે.’
બીજા યુવકે વાત આગળ ધપાવતાં કહ્યું, ‘આપ કહો છો એમ ઘરાકો અમારા થઈને રહે છે, પણ એમાં નિર્ભયતા તો અનુભવાતી જ નથી. સાચવવાના ઘરાકોને અને ડરતા અમારે રહેવાનું, આ ખોટનો ધંધો હવે બંધ કરવો જ છે. ઘરાકોને સ્પષ્ટ કહી દઈશું કે માલ બિલ વિના નહીં જ મળે.’
‘ધંધા પર અવળી અસર પડશે તો?’
‘રોટલી-દાળનો તો વાંધો નહીં જ આવેને?’
એક સાચો વિચાર કેટલી ઝડપથી સારપ ફેલાવતો હોય છે એનું આનાથી મોટું દૃષ્ટાંત બીજું કયું હોઈ શકે.
- જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ. સા.

