સવારે ઊઠ્યા બાદ વાસી થૂંક ફેસ પર લગાવવાથી ચહેરો પિમ્પલ-ફ્રી રહે છે એવું માનતી આ અભિનેત્રીના નુસખાની અસરકારકતા કેટલી છે એ જાણીએ
તમન્ના ભાટિયા
હવે કલાકારો પણ નૅચરલ ઑર્ગેનિક ઘરગથ્થુ નુસખાઓ તરફ વળ્યા છે. થોડા સમય પહેલાં સાઉથ અને હિન્દી સિનેજગતની પૉપ્યુલર અભિનેત્રી તમન્ના ભાટિયાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘હું સવારે ઊઠીને બ્રશ કર્યા પહેલાં વાસી થૂંક ચહેરા પર લગાવું છું. ખાસ કરીને જે એરિયામાં પિમ્પલ્સ થયા હોય અથવા પિગમેન્ટ હોય ત્યાં લગાવીને ૧૦થી ૧૫ મિનિટ રાખું છું અને જ્યારે એ સુકાઈ જાય ત્યારે સાદા પાણીથી ચહેરો ધોઈને મારા ડેઇલી રૂટીનનો પ્રારંભ કરું છું.’
નૅચરલ હીલર કહેવાતા વાસી થૂંકને ઘણા લોકો આંખોમાં ચશ્માંના નંબરને હટાવવા માટે પણ લગાવે છે ત્યારે એ કેટલું અસરકારક છે એના વિશે વાત કરીએ.
ADVERTISEMENT
રાત્રે ભોજન કર્યા બાદ આખી રાત શરીર આરામની અવસ્થામાં હોય છે. કંઈ ખવાતું ન હોવાથી થૂંકમાં જંતુનાશક ગુણ વધુ પ્રમાણમાં રહે છે. સવારની લાળમાં એવા એન્ઝાઇમ્સ હોય છે જે ચહેરા પર લગાવવાથી ત્વચા પર હાજર બૅક્ટેરિયાને દૂર કરવામાં મદદ કરે છે અને બૅક્ટેરિયાને ત્વચામાં પ્રવેશતાં અટકાવે છે. લાળમાં જેલ જેવો પદાર્થ હોય છે જે સ્કિનને નૅચરલ હાઇડ્રેશન આપવાનું અને મૉઇશ્ચરાઇઝ કરવાનું કામ કરે છે. પિમ્પલ્સ પર લગાવવાથી ઇન્ફ્લમેશન એટલે કે સોજો ઘટે છે, ચહેરા પર નાના ડાઘ કે ડાર્ક સર્કલ સમયાંતરે લાઇટ કરવામાં પણ વાસી થૂંક મદદ કરે છે. આખા ચહેરા પર લગાવવાથી નૅચરલ ગ્લો મળે છે. ઘણા લોકોને હોઠ ફાટવાની સમસ્યા રહેતી હોય એ લોકો પણ જો વાસી થૂંક નિયમિત રીતે લગાવશે તો હોઠ નૅચરલી સૉફ્ટ રહેશે. વાસી થૂંકનો બાહ્ય પ્રયોગ હિતાવહ છે પણ જે લોકો કહે છે કે વાસી થૂંક આંખોમાં આંજવાથી ચશ્માંના નંબર ઊતરી જાય છે એ દાવામાં તથ્ય નથી. શરીરનો સૌથી સેન્સિટિવ ભાગ આંખો હોય છે અને વાસી થૂંક આંખોમાં નાખવું જોખમી બની શકે છે. આ નુસખાના વૈજ્ઞાનિક પુરાવા ન હોવાથી આંખો માટે એ સલામત માનવામાં આવતું નથી. જેમની સ્કિન બહુ સંવેદનશીલ હોય એ લોકોને પણ વાસી થૂંક ન લગાવવાની સલાહ આપવામાં આવે છે.

