વાળ કાળા કરવા માટે કૉફીનો નુસખો પૉપ્યુલર થઈ રહ્યો છે પણ એ લાંબા સમયનું સૉલ્યુશન નથી
પ્રતીકાત્મક તસવીર
નાની ઉંમરમાં ગ્રે હેરની વધી રહેલી સમસ્યાને દૂર કરવા લોકો જાતજાતની ટ્રીટમેન્ટ અને હોમ રેમેડીઝ અપનાવે છે અને એ સોશ્યલ મીડિયા પર વાઇરલ થાય છે. થોડા સમયથી કૉફીનો નુસખો પૉપ્યુલર થઈ રહ્યો છે. એ ટેક્નિકલ રીતે વાળને ડાર્ક બ્રાઉન બનાવી શકે છે. એક ચમચી કૉફી પાઉડરમાં થોડું પાણી નાખીને ઉકાળવી અને ઘટ્ટ થવા દેવી. ઠંડી થયા બાદ એમાં કન્ડિશનર મિક્સ કરીને લગાવવાથી ગ્રે હેરને ફાયદો થાય છે. આ નુસખો હેર-હેલ્થ માટે કેટલો અસરકારક છે એ જાણીએ.
સ્કૅલ્પ માટે કેટલી સુરક્ષિત?
ADVERTISEMENT
કૉફીમાં રહેલું કૅફીન સ્કૅલ્પની હેલ્થ માટે ફાયદાકારક નીવડે છે. કૅફીન વાળના ફૉલિકલ્સને વધારવામાં મદદ કરે છે અને ખરતા વાળની સમસ્યાને ઓછી કરે છે. એનું મુખ્ય કારણ એ છે કે કૉફીમાં રહેલું કૅફીન DHT નામના હૉર્મોનને બ્લૉક કરે છે. આ હૉર્મોન વધુ પ્રમાણમાં હાજર હોય ત્યારે વાળના ફૉલિકલ્સને નાના કરે છે અને વાળ ખરવાની પ્રક્રિયાને શરૂ કરે છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કૉફીને સીધી સ્કૅલ્પ પર લગાવવાથી વાળનો ગ્રોથ ફેઝ ઇમ્પ્રૂવ થાય છે અને સ્કૅલ્પના રક્તપ્રવાહને વધારવામાં હેલ્પ કરે છે.
આ પણ ધ્યાનમાં રાખો
સામાન્ય રીતે કૉફી ચામડી માટે હાર્શ નથી અને માર્કેટમાં મળતા હેરકલર્સની સરખામણીમાં એનાથી ઍલર્જી થવાની સંભાવના નહીંવત છે. તેમ છતાં એનો જરૂર કરતાં વધુ વપરાશ વાળને ડ્રાય કરે છે. કૉફીનો કલર લાંબો સમય ટકતો નથી તેથી વારંવાર લગાવવાની જરૂર પડે જેથી વાળને ડ્રાય કરે છે. આવા ઘરગથ્થુ નુસખાને અજમાવતા પહેલાં પૅચ-ટેસ્ટ કરવી બહુ જરૂરી છે. ફૂડ ઍડ્મિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ કૉફીને ફૂડની કૅટેગરીમાં રાખે છે, કૉસ્મેટિક કલરની કૅટેગરીમાં નહીં. એટલે વાળને કલર કરવા માટે એને સત્તાવાર માન્યતા મળી નથી. ઘરેલુ ઉપાયો કરતી વખતે સાવચેત રહેવું અને કોઈ પણ અસુવિધા જણાય તો તરત જ બંધ કરી દેવું. સ્કિન વધુ સેન્સિટિવ હોય તો ડૉક્ટરની સલાહ લઈને પગલાં ભરવાં.

