મૅટ ફિનિશવાળી લિપસ્ટિકને બદલે મેટલિક અને ગ્લિટરી ઇફેક્ટ આપે એવી લિપસ્ટિક લગાવવાનો ક્રેઝ વધી રહ્યો છે ત્યારે આ ટ્રેન્ડ વિશે વિસ્તારથી જાણીએ
મજેન્ટા મેટાલિક લિપ્સ
અવનવા બ્યુટી અને ફૅશન ટ્રેન્ડ વાઇરલ થવા પાછળ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સનો મહત્ત્વપૂર્ણ ફાળો રહેતો હોય છે. છેલ્લા કેટલાક સમયથી ડિસ્કો લિપ્સ નામનો ટ્રેન્ડ ઘણો પૉપ્યુલર થઈ રહ્યો છે. જી હા, ડિસ્કો લિપ્સ. નામ સાંભળીને જ એના વિશે જાણવાની ઇચ્છા થવી સ્વાભાવિક છે. ડિસ્કો લિપ્સ શું છે, એનો ઉદ્ભવ ક્યાંથી થયો અને એની લોકપ્રિયતા કેમ વધી રહી છે એ વિશે જાણીએ.
ડિસ્કો લિપ્સનો ટ્રેન્ડ અત્યારનો છે એમ સમજવાની ભૂલ ન કરતા. ૭૦ના દાયકામાં ચમકદાર કપડાં અને ઝગમગ મેકઅપનો ટ્રેન્ડ હતો એટલે જ એ સમય ડિસ્કો યુગના નામથી જાણીતો બન્યો છે અને એના જ આધારે હોઠને શાઇનિંગ, મેટલિક અને મલ્ટિ-ડાઇમેન્શનલ ફિનિશ આપતી લિપસ્ટિકની સ્ટાઇલને ડિસ્કો લિપ્સનું નામ અપાયું છે. ઘણી વાર શિમર, ગ્લિટર અથવા હોલોગ્રાફિક ટચ આપવામાં આવે છે. એવું લાગે કે જાણે હોઠ પર ડિસ્કો લાઇટ ઝગમગતી હોય. આ પ્રકારની લિપસ્ટિક લગાવવાથી લિપ્સ આકર્ષક, ચમકદાર અને ડ્રામૅટિક લાગે છે.
ADVERTISEMENT
ડિસ્કો લિપ્સ મેકઅપ
આ સ્ટેપ્સને ફોલો કરવાથી તમે સહેલાઈથી ડિસ્કો લિપ્સ મેળવી શકો છો.
લિપ્સ પર મેકઅપ પ્રોડક્ટ્સ અપ્લાય કરતાં પહેલાં એના પર સ્ક્રબ લગાવીને એક્સફોલિએટ કરો અને સૉફ્ટ બનાવો.
લિપસ્ટિકને ડાયરેક્ટ હોઠ પર અપ્લાય કરતાં પહેલાં વૅસલિન લગાવવું, જેથી હોઠને પ્રોટેક્શન મળે.
લિપ્સને ડિફાઇન કરવા માટે ગુલાબી, ન્યુડ કે વાઇબ્રન્ટ કલરના લિપલાઇનરને હોઠની બૉર્ડર પર લગાવો.
પછી બેઝ લિપ-કલર ચૂઝ કરો. ડિસ્કો લિપ્સ માટે બોલ્ડ અથવા ગ્લૉસી શેડ્સ વાપરવા. જેમ કે મેટલિક પિન્ક, પર્પલ, સિલ્વર, બ્રૉન્ઝ, હોલોગ્રાફિક લૅવન્ડર બ્રૉન્ઝ અથવા કૉપર ટોન્સના કલર સારા લાગશે.
બેઝ કલર લગાવ્યા બાદ શિમર પાઉડર અથવા જેલ લગાવી શકાય. લૂઝ ગ્લિટર લગાવો જેથી તમારા લિપ્સમાં ડ્રામા ઍડ થાય. પછી વધુ શાઇન માટે લિપ ગ્લૉસ લગાવો.
કોણ લગાવી શકે?
પાર્ટી, ક્લબિંગ કે ફૅશન ઇવેન્ટ્સમાં ભાગ લેતી યુવતીઓ પર આ ડિસ્કો લિપ્સ સૂટ થશે. જો તમારી સ્ટાઇલ બોલ્ડ છે તો તમે ડિસ્કો લિપ્સ જ્યારે મન થાય ત્યારે ફ્લૉન્ટ કરી શકો છો, પણ કૉર્પોરેટ કલ્ચરમાં એ બંધ બેસે એવા નથી. જો બહુ જ ગ્લિટરી લિપ્સ પસંદ ન હોય તો મિનિમલ રાખીને પણ આ ટ્રેન્ડને ફૉલો કરી શકાય. સ્કિનટોન ફેર હોય તો પિન્ક લૅવન્ડર અને સિલ્વર કલર સારા લાગશે, ડાર્ક ટોન હોય તો મેટલિક રેડ કે ગોલ્ડ કલર સૂટ થશે અને ઘઉંવર્ણી ત્વચા હોય તો કૉપર, બ્રૉન્ઝ કે રોઝ ગોલ્ડનો શેડ સારો લાગશે. સ્કિનટોનમાં એટલી ખબર ન પડે તો રોઝ ગોલ્ડ અને શિમરી પિન્ક એવા કલર્સ છે જે બધા જ સ્કિનટોન પર સારા લાગશે.

