ગ્રીન કલરના શેડ્સ અત્યારે ફૅશનમાં ઇનથિંગ બની રહ્યા છે. આ એવો કલર છે જે બધા જ પ્રકારની સ્કિન પર સારો લાગે છે ત્યારે પ્રસંગના હિસાબે કેવા શેડ્સ પહેરવા જોઈએ એની ટિપ્સ આ રહી
લાઇમ ગ્રીન, એમરલ્ડ ગ્રીન, ઑલિવ અને પેસ્ટલ ગ્રીન, મિન્ટ ગ્રીન
ફૅશન ભલે છાશવારે બદલાતી રહે છે, પણ અમુક ચીજો કૉન્સ્ટન્ટ રહે છે અને ગ્રીન કલર એમાંથી એક છે. ગ્રીન કલર શાંતિ અને તાજગી તો આપે જ છે અને સાથે એ નેચર-ઇન્સ્પાયર્ડ કલર હોવાથી મન પર સકારાત્મક પ્રભાવ પાડે છે. એટલે જ ફૅશન-ઉદ્યોગમાં આ કલરને એવરગ્રીન કહેવાય છે. આ રંગના વિવિધ શેડ્સ દરેક સીઝન, ફંક્શન કે ઓકેઝન માટે બંધ બેસે છે. કયા શેડ્સ અત્યારે ટ્રેન્ડમાં છે અને એને ઓકેઝનના હિસાબે કઈ રીતે સ્ટાઇલ કરી શકાય એ વિશે માટુંગાનાં અનુભવી ફૅશન-ડિઝાઇનર ખૂશ્બૂ ગોગરી પાસેથી જાણીએ તેમના જ શબ્દોમાં...
યુનિવર્સલ કલર
ADVERTISEMENT
ફૅશનવર્લ્ડમાં ગ્રીન કલર યુનિવર્સલ ચૉઇસ છે. કોઈ પણ ઉંમરની અને કોઈ પણ બૉડી-ટાઇપ ધરાવતી વ્યક્તિ કોઈ પણ પ્રસંગે આ કલર પહેરી શકે છે. પ્રસંગ અનુસાર યોગ્ય શેડ પહેરીને સ્ટાઇલ કઈ રીતે કરી શકાય છે એની આવડત કેળવાઈ જાય તો તમારી ફૅશન અલ્ટિમેટ ક્લાસિક લુક ક્રીએટ કરી શકે છે અને બીજાને ફૅશન-ગોલ્સ આપી શકે એમ છે.
લાઇમ ગ્રીન
લાઇમ ગ્રીન ફ્રેશ વાઇબ્સ આપે છે તેથી એ કૅઝ્યુઅલ અને વેસ્ટર્ન આઉટફિટ્સમાં તમને ટ્રેન્ડી લુક આપશે. આ કલર પહેર્યો હોય તો એની સાથે મેળ ખાતાં શૂઝ કે બેલ્ટ જેવી ઍક્સેસરીઝ સાથે પેર કરશો તો ફ્રેન્ડસર્કલમાં તમારી ડ્રેસિંગ સેન્સ સ્ટાઇલ-સ્ટેટમેન્ટ બની જશે.
એમરલ્ડ ગ્રીન
ક્લાસિક અને રૉયલ ટ્રેડિશનલ લુક જોઈતો હોય તો એમરલ્ડ ગ્રીન કલરની પસંદગી કરવી. ડાર્ક ગ્રીન કલરના મિનિમલ એમ્બ્રૉઇડરી વર્કવાળા બ્લાઉઝ સાથે રેડ, યલો અથવા પેસ્ટલ ગ્રીનની સાડી તમારા લુકમાં ચાર ચાંદ લગાવશે. આપણા ગુજરાતીઓમાં ગ્રીન અને રેડ કલરનું કૉમ્બિનેશન વર્ષોથી પહેલી પસંદ રહી છે. દરેક પ્રસંગમાં આ કલર અચૂક પહેરાય છે. લાલ ઘરચોળાને કૉન્ટ્રાસ્ટ કલરના બ્લાઉઝ સાથે પહેરવું હોય તો એમરલ્ડ ગ્રીન કલરની પસંદગી કરે છે. બ્રાઇડ્સ પણ તેની જ્વેલરીમાં આ શેડ્સનાં મોતીવાળાં ઘરેણાં પસંદ કરે છે. એથ્નિકવેઅરમાં આ કલર પહેરશો તો રૉયલ રાણી જેવી ફીલિંગ ચોક્કસ આવશે. ઘણી યુવતીઓ આ શેડ્સની સાડી સાથે ઍન્ટિક અથવા ડલ ગોલ્ડ કલરની ઍન્ટિક જ્વેલરી પેર કરે ત્યારે એનો પ્રભાવ અનેકગણો વધે છે. આ કલરના આઉટફિટ સાથે પર્લ અને ગોલ્ડ ટોનવાળી ઍક્સેસરીઝ પર્ફેક્ટ લુક આપે છે.
ઑલિવ અને પેસ્ટલ ગ્રીન
અત્યારે ગ્રીન કલર્સમાં ઑલિવ, પેસ્ટલ, લાઇમ, મિન્ટ અને એમરલ્ડ જેવા શેડ્સ ટ્રેન્ડમાં છે. જેમ કે ઑલિવ અને પેસ્ટલ ગ્રીન કલર્સ ફેસ્ટિવ વાઇબ્સ આપે છે. આંખોને ઠંડક આપતા આ શેડને કોઈ પેસ્ટલ શેડ સાથે કૉન્ટ્રાસ્ટ કરીને પહેરવામાં આવે તો સારો લાગશે. તમે મેહંદી કે હલ્દી જેવા પ્રી-વેડિંગ ફંક્શનમાં સાડી, ગાઉન કે શરારા પહેરી શકો. આ ઉપરાંત ફેસ્ટિવલ્સમાં ઑલિવ ગ્રીન કે પેસ્ટલ ગ્રીનનો ડ્રેસ પહેરી શકાય. ગ્રીનનો આ શેડ એવો છે કે એ બધા જ કલર સાથે સૂટ થશે, પણ પીચ અથવા યલો કલર સાથે કૉન્ટ્રાસ્ટ કરવામાં આવે તો એ તમારા લુકને એન્હૅન્સ કરશે. આ ઉપરાંત એને ક્રીમ, લાઇટ પિન્ક અને કોઈ પણ પેસ્ટલ શેડ્સ સાથે પેર કરી શકાય છે.
મિન્ટ ગ્રીન
જે યુવતીઓનો સ્કિનટોન ફેર હોય અને ડાર્ક શેડ્સ પહેરવા ગમતા હોય તો મિન્ટ ગ્રીન સારો ઑપ્શન છે. ફેર સ્કિનટોન પર આમ તો લાઇટ અને ડાર્ક બન્ને શેડ્સ સારા લાગે છે, પણ ડાર્ક શેડ્સ સાથે સૉફ્ટનેસ મિન્ટ ગ્રીન કલર આપે છે. આ કલર થોડાં વેસ્ટર્ન અને ફૉર્મલ વાઇબ્સ આપે છે. વાઇટ ટૉપ સાથે મિન્ટ ગ્રીન કલરનું જૅકેટ પહેરી શકાય. ઑફિસમાં પહેરી શકાય એવું મિન્ટ ગ્રીન કલરનું ફ્લેરવાળું સ્કર્ટ પહેરી શકાય. બ્લૅક પૅન્ટ સાથે આ શેડનું શર્ટ પણ ફૉર્મલ વાઇબ્સ આપશે.

