સ્ટેટમેન્ટ વૉલ, મલ્ટિપર્પઝ ફર્નિચર અને લેયરિંગ સ્ટાઇલ ડેકોરને અપનાવીને નાના ઘરને હટકે લુક આપી શકાય છે
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ જેવા શહેરમાં ઘણા લોકોનાં ઘર નાનાં હોય છે. તેમને પણ પોતાનું ઘર સજાવવાનું મન થતું હોય છે પણ મર્યાદિત સ્પેસને કારણે ડેકોર કરવું મુશ્કેલ હોય છે. પણ જો આપણે થોડું ક્રીએટિવ રીતે વિચારીએ તો અમુક ડેકોર ટિપ્સ તમારા નાનકડા ઘરને ક્લાસી લુક આપી શકે છે.
સ્ટેટમેન્ટ લાઇટિંગ
ADVERTISEMENT
સામાન્ય ટ્યુબલાઇટ કે બલ્બને બદલે ડેકોરનો હિસ્સો બને એવું લાઇટિંગ પસંદ કરો. ડેકોર ઇન્ડસ્ટ્રીમાં લાઇટિંગ્સ ગેમ-ચેન્જર સાબિત થાય છે. ડાઇનિંગ ટેબલ પર પેન્ડન્ટ લૅમ્પ, ડ્રૉઇંગ રૂમમાં ફ્લોર લૅમ્પ, બેડરૂમમાં વૉર્મ ફૅરી લાઇટ્સ અને જો થોડું ફંકી ગમે તો નિયૉન લાઇટિંગ્સના ક્વોટ્સ લગાવો. આવા લાઇટિંગ્સથી ઘરનો લુક તો ચેન્જ થશે જ, સાથે વાઇબ્સ પણ સારી આવશે. મહેમાન તમારા ઘરે આવશે તો પોઝિટિવ એનર્જી ફીલ કરશે.
હૅન્ડક્રાફ્ટેડ ટચ
ઘરમાં હાથથી બનેલી વસ્તુઓને ડેકોર તરીકે રાખવાથી કોઝી વાઈબ ફીલ થશે. મૅકરમી વૉલ હૅન્ગિંગ, બામ્બુ બાસ્કેટ, ટેરાકોટા પૉટ્સ, સિરૅમિક મગ કે હાથેથી ગૂંથેલો ગાલીચો ઘરના લુકને તદ્દન ફેરવી નાખે છે. આ સાથે ઘરમાં એકાદ ખૂણો એવો પણ બનાવો જે તમારા વ્યક્તિગત સ્વભાવને દર્શાવે. જેમ કે તમને વાંચનનો શોખ હોય તો એક ખૂણામાં નાનું બુકશેલ્ફ મૂકો અને આજુબાજુ ફ્લોર કુશન મૂકો. આ ઉપરાંત તમે મિરર્સ, હુક્સ અને કી-ટ્રે મૂકીને વિઝિટર્સને ઘરમાં પ્રવેશતાં જ સારી ઇમ્પ્રેશન આપી શકો છો.
એક વૉલને રાખો યુનિક
ઘર નાનું હોય તો બધી જ દીવાલ સરખી રાખવાથી એનો દેખાવ બોરિંગ લાગે છે. એક દીવાલને કૉન્ટ્રાસ્ટ અથવા મોનોક્રોમ કલરથી પેઇન્ટ કરી શકાય અથવા વૉલપેપર, વુડન વર્ક કે કેન વર્કથી ટેક્સચર આપી શકો છો. આ દીવાલ પર ફૅમિલી ફોટોફ્રેમ અથવા આર્ટફ્રેમ લગાવશો તો ઘરનો લુક ખરેખર ટિપિકલ કરતાં થોડો અલગ લાગશે અને જે લોકો ઘરમાં આવશે અને નજર દીવાલ પર પડશે તો તેમને ગમશે.
રિફ્લેક્ટિવ એલિમેન્ટ્સ
નાના ઘરમાં જગ્યા ઓછી લાગે છે પણ ગ્લાસ અથવા લાઇટ શેડ્સ વાળી ટ્રાન્સપરન્ટ ચીજો ઉમેરશો તો જગ્યા મોટી દેખાશે. ગ્લાસ ટેબલ, ઍક્રિલિક ચૅર અથવા મેટલિક કૅન્ડલ હોલ્ડર જેવી ચીજો વિઝ્યુઅલી જગ્યા મોટી દેખાડે છે અને આવું ડેકોર ઘરને મૉડર્ન ટચ પણ આપે છે.
મલ્ટિપર્પઝ ફર્નિચર
નાના ઘરમાં જગ્યા બચાવવી બહુ મોટો પડકાર છે. આથી એવું ફર્નિચર વસાવો જે ડેકોરની સાથે સ્ટોરેજ પણ આપે. દાખલા તરીકે જો તમને કૉફી ટેબલ વસાવવાનો શોખ છે તો એવું લો કે જેમાં ડ્રૉઅર્સ પણ સાથે આવે અને બેસવા માટે પણ કામ લાગે. ઑટોમન ફર્નિચર બેસવા માટે કામ લાગે અને એની અંદર સામાન પણ રાખી શકાય એવું લેવું. નૉર્મલ કૅબિનેટને બદલે લૅડર શેલ્ફ રાખી શકાય જેમાં બુક્સ, પ્લાન્ટ્સ અને ડેકોર પીસ એકસાથે ગોઠવી શકાય. આ રીતે જગ્યા પણ બચશે અને ઘરને સ્ટાઇલિશ ટચ પણ મળશે.
લેયરિંગ સ્ટાઇલ ડેકોર
ઘરના ડેકોરને ફ્લૅટ રાખવાને બદલે ચીજોને એક પર એક રાખીને ગોઠવો. જેમ કે સોફા પર કુશન્સ સાથે થ્રો બ્લેન્કેટ, ફ્લોર પર રગ્સ અટલે કે ગાલીચાનું લેયરિંગ, ટેબલ પર બુક્સ સાથે કૅન્ડલ્સ અને નાનાં સ્કલ્પ્ચર્સ ગોઠવો. આવું લેયરિંગ ડેકોરમાં ડેપ્થ લાવે છે અને નાના ઘરને પણ રિચ અને એલિગન્ટ લુક આપે છે.

