કેન શુગર એટલે આપણા બધાના ઘરમાં મળતી ખાંડ. શેરડીમાંથી બનાવવામાં આવેલી ખાંડથી નુકસાનકારક ગણાતું કોક હેલ્ધી થઈ જશે? આજે આપણે સમજવાની કોશિશ કરીએ
કોકા કોલા
અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પના કહેવાથી કંપનીએ હાલમાં મેક અમેરિકા હેલ્ધી અગેઇન કૅમ્પેનમાં જોડાઈને કોકમાં વપરાતા બહુચર્ચિત હાઈ ફ્રક્ટોઝ કૉર્ન સિરપની જગ્યાએ કેન શુગર વાપરીને નવી કોક લૉન્ચ કરવાની વાત કરી. એને હેલ્ધી અને નૅચરલ શુગર તરીકે પ્રમોટ કરીને નવી કોકનું માર્કેટિંગ થઈ રહ્યું છે. કેન શુગર એટલે આપણા બધાના ઘરમાં મળતી ખાંડ. શેરડીમાંથી બનાવવામાં આવેલી ખાંડથી નુકસાનકારક ગણાતું કોક હેલ્ધી થઈ જશે? આજે આપણે સમજવાની કોશિશ કરીએ
વિશ્વવિખ્યાત અમેરિકન ફૂડ અને ડ્રિન્ક કંપની કોકા કોલાએ હાલમાં કોકને કેન શુગર સાથે લૉન્ચ કરવાનો નિર્ણય લીધો છે. કહેવામાં આવી રહ્યું છે કે ડોનલ્ડ ટ્રમ્પના કહેવા મુજબ આ ફેરફાર કરવામાં આવ્યા છે. કંપની હવે હાઈ ફ્રક્ટોઝ કૉર્ન સિરપની જગ્યાએ અમેરિકન કેન શુગર એટલે આપણી દેશી ભાષામાં કહીએ તો શેરડીમાંથી બનતી ખાંડનો ઉપયોગ કરશે. થોડા દિવસ પહેલાં જાહેર થયેલા કંપનીના એક રિપોર્ટમાં આ બાબતની નોંધ કરવામાં આવેલી. કન્ઝ્યુમરના ઇન્ટરેસ્ટ એટલે કે ગ્રાહકના હિત માટે અને એક નવીન અનુભવ માટે આ બદલાવ કરવામાં આવી રહ્યો છે એવું કંપનીના CEOનું કહેવું છે. જોકે કંપની હાઈ ફ્રક્ટોઝ કૉર્ન સિરપ વાપરવાનું બંધ નહીં કરે. એ પ્રોડક્ટ્સ તો ચાલુ જ રહેશે, પરંતુ એની સાથે કેન શુગરવાળી કોક પણ માર્કેટમાં આવશે. ‘મેક અમેરિકા હેલ્ધી અગેઇન’ જેવા કૅમ્પેનને આ પ્રકારનો બદલાવ સપોર્ટ કરે છે એવું કહેવાઈ રહ્યું છે. આ પહેલાં પણ કેન શુગરવાળી કોક મેક્સિકન કોકના નામે અમેરિકામાં વેચાઈ રહી હતી જે રેગ્યુલર કોક કરતાં ઘણી મોંઘી છે. કોકા કોલાનો આ બદલાવ શું ખરેખર હેલ્ધી છે? કોલા ડ્રિન્કસને ક્યારેય હેલ્ધીની કૅટેગરીમાં મૂકવામાં આવ્યાં નથી. તો શું આ બદલાવ એને હેલ્ધી બેવરેજની ખ્યાતિ અપાવી શકશે? આ બદલાવ પાછળનાં કારણો સમજી અને હેલ્થનાં પૅરામીટર્સ પર એને તપાસીએ.
ADVERTISEMENT
શેમાંથી બને?
દુનિયાભરમાં જુદાં-જુદાં રિસર્ચ અને એક્સપર્ટ્સ આ બન્ને પ્રકારની શુગરની સરખામણીમાં મતભેદો ધરાવે છે. કઈ શુગર સારી અને કઈ નહીં એ માટે આ શુગર છે શું એ પહેલાં જાણીએ. એ વિશે વાત કરતાં ન્યુટ્રિશનિસ્ટ કેજલ શાહ કહે છે, ‘આ બન્ને પ્લાન્ટ-બેઝ્ડ શુગર જ છે. શુગરકેન એટલે કે શેરડીમાંથી બનતી શુગરને કેન શુગર કહેવાય અને કૉર્ન સ્ટાર્ચમાંથી બનતી શુગરને હાઈ ફ્રક્ટોઝ કૉર્ન સિરપ કહે છે. કૉર્ન સ્ટાર્ચને પહેલાં પ્રોસેસ કરીને કૉર્ન સિરપ બનાવવામાં આવે અને એમાંથી પછી શુગર બને. કેન શુગરમાં ૫૦ ટકા ફ્રક્ટોઝનો ભાગ હોય છે અને ૫૦ ટકા ગ્લુકોઝનો ભાગ હોય છે, જ્યારે હાઈ ફ્રક્ટોઝ કૉર્ન સિરપ એના નામ પ્રમાણે છે એટલે કે એમાં ફ્રક્ટોઝનું પ્રમાણ પંચાવન ટકા જેટલું છે. આમ જોઈએ તો ફ્રક્ટોઝનું પાચન કરવામાં લિવરને ઘણી મહેનત લાગે છે. ગ્લુકોઝમાં એવું થતું નથી. જોકે પ્રમાણ જોઈએ તો એ રીતે બન્નેમાં ખાસ અંતર લાગતું નથી. પાંચ ટકાનું અંતર એટલું વધારે ન ગણાય. જોકે અમુક રિસર્ચ જણાવે છે કે આ શુગરનું હાઈ કૉન્સન્ટ્રેશન ચયાપચયની પ્રક્રિયા એટલે કે પાચન પર અસર કરે છે. કોલા ડ્રિન્ક્સમાં શુગરનું હાઈ કૉન્સન્ટ્રેશન એટલે કે ઓછા લિક્વિડમાં વધુ શુગર વાપરવામાં આવે છે.’
મેટાબોલિક સિન્ડ્રૉમ
આ બન્ને શુગર સાથે જે રોગો સંકળાયેલા છે એ વિશે વાત કરતાં ન્યુટ્રિશનિસ્ટ મીનલ ભાનુશાલી કહે છે, ‘શુગર કોઈ પણ હોય, એની સાથે મેટાબોલિક સિન્ડ્રૉમનું રિસ્ક સંકળાયેલું છે. એટલે કે બ્લડ-પ્રેશર, ડાયાબિટીઝ, ઓબેસિટી, સ્લીપ ઍપ્નિયા, હાર્ટ-ડિસીઝ જેવી તકલીફો થવાનું રિસ્ક બન્ને સાથે સંકળાયેલું છે અને એમાં ઓછું-ઝાઝું પણ કંઈ નથી. ફક્ત માર્કેટિંગ ગિમિક માટે કેન શુગરને નૅચરલ શુગર ગણીને એ લોકો વધુ મોંઘી બનાવીને વેચવા માગે છે. હકીકતે એમાં એક કરતાં બીજી સારી એવું કંઈ નથી. બન્ને કાકા-બાપાની બહેનો જેવી જ છે. બન્નેમાં પ્રૉબ્લેમ સરખા છે.’
એમ્પ્ટી કૅલરી
બન્ને શુગરની બીજા પ્રકારની સરખામણી સમજાવતાં ન્યુટ્રિશનિસ્ટ મીનલ ભાનુશાલી કહે છે, ‘બન્ને શુગરની કૅલરી જોઈએ તો બન્ને સરખી કૅલરી ધરાવે છે. બન્ને પ્રકારની શુગરની એક ચમચીમાં અંદાજે ૧૫ કૅલરી મળે છે અથવા કહીએ કે એક ગ્રામમાં ૪ કૅલરી મળે છે. બન્ને પ્રકારની શુગર પૂરી રીતે એમ્પ્ટી કૅલરી ધરાવે છે. એ વાતને સમજીએ તો એક ફળ ખાઈએ તો એમાંથી પણ આપણને શુગર તો મળે જ છે, પણ એ કૅલરી એમ્પ્ટી કૅલરી નથી. એમાંથી આપણને પોષણ મળે છે; એટલે કે વિટામિન્સ અને મિનરલ્સ કે ફાઇટોકેમિકલ્સ જેવાં ઘણાં પોષક દ્રવ્યો મળે છે. આ ઉપરાંત ફળમાં ફાઇબર હોય છે એટલે કે એ ફળ ખાવાથી જે પણ શુગર રિલીઝ થાય એ ધીમે-ધીમે શરીરમાં રિલીઝ થાય છે. જોકે જ્યારે આપણે કહીએ છીએ કે આમાં એમ્પ્ટી કૅલરી છે ત્યારે સમજવાનું એ કે એમાંથી કોઈ પોષણ મળતું નથી, ફક્ત શુગરરૂપે એનર્જી મળે છે. આ શુગર ફાઇબર વગર શરીરમાં જાય છે એટલે એ તરત લોહીમાં ભળે છે. આમ એ બન્ને નુકસાન કરે છે.’
આખરે તો શુગર જને!
કાનને સીધી રીતે પકડો કે આડી રીતે, બધું સરખું જ છે એમ એક પ્રકારની ખાંડ ખાઓ કે બીજા પ્રકારની, શુગર તો આખરે શુગર જ છે એ ભૂલવું ન જોઈએ એ સમજાવતાં મીનલ ભાનુશાલી કહે છે, ‘કોઈ પણ પ્રકારની શુગરમાં પોષણ હોતું નથી, એનર્જી જ હોય છે એટલે જ્યારે એ લો છો તો એમાં પ્રમાણભાન હોવું જરૂરી છે. તમે જેટલી શક્તિ વાપરી શકો એટલી જ શુગર લેવી જોઈએ. કોઈ પણ પ્રકારની શુગર હોય જો એનો અતિરેક કરવામાં આવે તો એ ઘણી નુકસાનકારક જ છે. આદર્શ રીતે સ્ત્રીએ ૨૫ ગ્રામ એટલે કે આશરે ૬ ચમચી ખાંડ અને એક પુરુષે ૩૬ ગ્રામ એટલે કે ૯ ચમચી શુગર ખાઈ શકાય. આ ગાઇડલાઇન છે. જ્યારે ૩૫૫ મિલીલીટરની એક કોકમાં ૩૯ ગ્રામ જેટલી શુગર હોય છે. જો એનાથી ઓછી શુગર નાખવામાં આવે તો એ ટેસ્ટ એ લોકો લાવી જ નથી શકતા. એટલે એ લોકો હાઈ ફ્રક્ટોઝ કૉર્ન સિરપ નાખે કે કેન શુગર નાખે, બન્નેમાં શુગરની માત્રા તો વધુ જ રહેવાની. એટલે એ નુકસાનકારક જ રહેવાની.’
શુગર સિવાયના પ્રૉબ્લેમ્સ
જ્યારે પણ કોલા ડ્રિન્ક્સને વખોડવામાં આવે ત્યારે કોલાલવર્સ કહેતા હોય છે કે અમે ડાયટ કોલા પીએ છીએ જેમાં શુગર છે જ નહીં, એમાં એમ્પ્ટી કૅલરી તો શું કૅલરી જ નથી. આપણે આ શુગર હેલ્ધી કે તે શુગર હેલ્ધીની વાત કરતા હતા, પણ જો શુગર હોય જ નહીં તો બાકી બચેલા ડ્રિન્કની વાત કરતાં કેજલ શાહ કહે છે, ‘ભલે એમાં કૅલરી નથી કે શુગર નથી એ માની લઈએ તો પણ એમાં આર્ટિફિશ્યલ સ્વીટનર્સ જેમ કે અસ્પાર્ટમ ઉમેરવામાં આવે છે. એને ઘણાં રિસર્ચ માઇગ્રેન, હાર્ટ-ડિસીઝ જેવા રોગો સાથે જોડતા આવ્યા છે. એ પેટમાં રહેલા બૅક્ટેરિયા પર વિપરીત અસર કરે છે. વળી જો તમે એનું નિયમિત સેવન કરો તો મેટાબોલિક સિન્ડ્રૉમ જેમ કે બ્લડ-પ્રેશર, ડાયાબિટીઝ કે હાર્ટ-પ્રૉબ્લેમ જેવી તકલીફો આવી શકે છે. જે લોકો એનું વધુ સેવન કરે છે તેઓ પાણી ઓછું પીએ છે જે તેમની હેલ્થ પર વિપરીત અસર કરે છે. એમાં રહેલું ઍસિડ દાંતના ઇનેમલ પર અસર કરે છે. એમાં રહેલું કૅફીન ઘણું જ નુકસાનકર્તા છે. શુગર સિવાય પણ જે ડ્રિન્કમાં આટલી અનહેલ્ધી વસ્તુ હોય એ ડ્રિન્ક શુગર એકને બદલે બીજી બદલી પણ નાખે તો હેલ્ધી કેવી રીતે થઈ શકે એ વિચારવું જરૂરી છે.’
શુગર ક્યારે હેલ્ધી ગણાય?
જ્યારે એ નૅચરલ શુગર હોય ત્યારે. જેમ કે ફળોમાંથી મળતી શુગર.
પીણાંમાં શુગર અનિવાર્ય હોય છે, પરંતુ કોલા પીવા કરતાં ઘરે બનાવેલું વરિયાળી કે ગુલાબ કે કોકમ કે ફક્ત લીંબુનું પણ શરબત હોય તો એ હેલ્ધી છે, કારણ કે એ ફક્ત શુગર નથી, એમાં પોષણ પણ છે.
આ સિવાય ઇન્ટેન્સ ઍક્ટિવિટીની પહેલાં કે પછી લેવામાં આવે તો. જેમ કે મૅરથૉન દોડનારાઓ વચ્ચે-વચ્ચે ગ્લુકોઝ પીતા હોય છે જે એ સમયે જરૂરી છે અને હેલ્ધી સાબિત થાય છે.
એકદમ જ શુગર ડ્રૉપ થઈ જાય, વ્યક્તિ ખૂબ થાકી જાય, આંખે અંધારાં આવી જાય ત્યારે શરીરની શુગર વધારવાની જરૂર રહે છે. એ સમયે શુગરનો ફાકડો મારો તો એ હેલ્ધી અને જરૂરી ગણાય.
કોઈ પણ પોષણયુક્ત ખોરાકનો સ્વાદ વધારવા માટે ઉમેરવામાં આવતી ખાંડ. જેમ કે દહીંમાં એક ચમચી ખાંડ કે શીરો.

