નકામા કૅલ્શિયમનું પ્રમાણ ખૂબ જ વધી જાય અને મૂત્રનું પ્રમાણ ઘણું ઓછું થઈ જાય ત્યારે જેટલું કૅલ્શિયમ મૂત્રમાં ઓગળી જાય એ જ શરીરની બહાર ફેંકાઈ જાય છે
પ્રતીકાત્મક તસવીર
ઉનાળામાં પાણી ઓછું પીવાને કારણે ઘણા પ્રકારના રોગ થઈ શકે છે જેમાંનો એક છે કિડની સ્ટોન એટલે કે પથરી. આમ તો એ એક સામાન્ય રોગ છે, પરંતુ કેટલાક કેસમાં એને કારણે કિડની ફેલ પણ થઈ શકે છે. જેને આપણે પથરી કહીએ છીએ એ કિડનીના કોઈ પણ ભાગમાં જમા થઈ જતાં ખનીજ તત્ત્વ અને ઍસિડ સૉલ્ટનું મિશ્રણ હોય છે. જોકે મોટા ભાગે પથરી કૅલ્શિયમની જ બનેલી હોય છે. એ કૅલ્શિયમ જે હાડકાંના બંધારણ માટે ખૂબ જ જરૂરી તત્ત્વ છે. એનાથી આ પથરીનું નિર્માણ શરીરમાં થાય છે. જ્યારે શરીરમાં કોઈ પણ પદાર્થનો અતિરેક થાય અથવા એની જરૂર શરીરમાં ન હોય ત્યારે એ મૂત્ર માર્ગે બહાર ફેંકાઈ જતો હોય છે. આમ કોઈ પણ વધારાનો પદાર્થ મૂત્રની અંદર ઓગળી જઈ બહાર ફેંકાઈ જાય છે. પથરીને સમજવા આપણે એક ઉદાહરણ સમજીએ. જેમ કે એક ગ્લાસ પાણીમાં બે ચમચા મીઠું નાખીએ તો એ ઓગળી જાય છે, પરંતુ મીઠું ખૂબ જ વધારે હોય અને પાણી એક જ ગ્લાસ તો શું થાય? એવું જ કિડનીમાં થાય છે. જ્યારે નકામા કૅલ્શિયમનું પ્રમાણ ખૂબ જ વધી જાય અને મૂત્રનું પ્રમાણ ઘણું ઓછું થઈ જાય ત્યારે જેટલું કૅલ્શિયમ મૂત્રમાં ઓગળી જાય એ જ શરીરની બહાર ફેંકાઈ જાય છે અને બચેલા કૅલ્શિયમનું સ્ટોનના રૂપમાં રૂપાંતર થાય છે.
પથરી થાય ત્યારે ઘણા લોકોને સર્જરી કરાવવી નથી હોતી પણ અમુક કેસમાં એ કરવી જ પડે છે. ખાસ કરીને પેટના નીચેના ભાગમાં ખૂબ જ દુખાવો ઊપડે છે જે અસહ્ય હોય છે. અને જ્યારે વ્યક્તિ ડૉક્ટર પાસે જાય છે ત્યારે ડૉક્ટર સ્કૅન કરીને જુએ છે કે પથરીની સાઇઝ કેટલી છે. જો પથરી નાનકડી હોય તો દવાઓ દ્વારા મૂત્ર માર્ગે જ કાઢી શકાય છે, પરંતુ જો મોટી હોય તો એને લેઝર દ્વારા દૂર કરવામાં આવે છે. પરંતુ એવું શા માટે થાય છે કે એક વ્યક્તિને તેનો સ્ટોન એકદમ નાનો હોય ત્યારે જ દુખાવો ઊપડે છે અને એ દવા દ્વારા સરળતાથી ઠીક થઈ શકે છે પરંતુ બીજી વ્યક્તિને સ્ટોન મોટો થઈ જાય ત્યાં સુધી ખબર જ નથી પડતી અને જ્યારે દુખાવો ઊપડે છે ત્યારે લેઝર ઑપરેશન સિવાય કોઈ ઉપાય નથી બચતો. જ્યારે પથરીનું નિર્માણ થાય ત્યારે એ પથરી કિડનીમાં જગ્યા મળે ત્યાં આરામથી આમથી તેમ ફરતી હોય છે, જ્યારે કોઈ નળીમાંથી પસાર થતી વખતે ફસાઈ જાય ત્યારે જ તકલીફ શરૂ થાય છે. હવે એ કિડનીમાં કઈ જગ્યાએ બને છે અને એ ક્યારે કઈ નળીમાં જઈને ફસાશે એ કહી શકાતું નથી. આમ દરેક વ્યક્તિની તકલીફ જુદી-જુદી બની જાય છે.

